વિરપુર : વિરપુર નગરને પીવાનું પાણી પુરૂ પાડતાં કુવા આસપાસના જ ગંદકીના ઢગલાના કારણે પાણી પણ દૂષિત થઇ રહ્યું છે. આ દૂષિત પાણી સમગ્ર નગરજનો પી રહ્યાં છે. બીજી તરફ નજીકમાં જ લીમ્બંચ સોસાયટી આવેલી છે. જેના 60 જેટલા પરિવારો પણ આ ગંદકીથી પરેશાન છે. આથી, આ ગંદકી તાત્કાલિક અસરથી દુર કરવા માંગણી ઉઠી છે. વિરપુર ગ્રામ પંચાયત દ્વારા જનતા સિનેમા પાસે લીમ્બંચ મંદિર આગળ ઘન કચરાના દુર્ગંધ મારતા ઢગ ખડકી દેવાતા સોસાયટીના રહીશોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોએ વારંવાર ગંદકી દૂર કરવા માટે ગ્રામ પંચાયતને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળતુ નથી.
લીમ્બચ મંદિરના પટાગણમાં વાળંદ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો તેમજ લગ્ન પ્રસંગો અવારનવાર યોજાતા હોય જેની સામે વિરપુર ગ્રામ પંચાયત દ્વારા આખા વિરપુર નગરનો કચરો નંખાય છે. જેના કારણે સ્થાનિકોનુ આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે તેમજ નદીનું પાણી તેમજ વોટર વોક્સના કુવાનું પાણી આખા વિરપુરમાં પીવા માટે વપરાય છે. કૂવાની આજુબાજુ ગંદકીના ઢગ ખડકાયા છે, જ્યાં જુવો ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સ્થાનિકોનો ફક્ત એકજ અવાજ ગંદકી દૂર કરો, નયતો અમને ગંદકીમાંથી સલામત કરો, નહીંતર ગોંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરતા જરા પણ ખચકાઈશુ નહીં. તેવી ઉગ્ર ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આ અંગે ગીતાબહેન વાળંદે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત તેમજ કલેકટર કચેરી ગંદકીને લઈને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઇ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી.