uncategorized

સ્વસ્થ વિચારોની વણઝાર જીવન બનાવે સ્વસ્થ…!

સર્વપલ્લી રાધાક્રિષ્ણને શિકાગો યુનિવર્સિટીમાં પ્રવચન આપતાં કહ્યું હતું કે ‘માનવીની મોટામાં મોટી અણમોલ સંપત્તિ હોય તો તે તેની વિચારશક્તિ છે. જે હરકોઇ પાસે હોય છે. વિચારશક્તિ સ્વયં તેના જીવનની દિશા નક્કી કરે છે. તમે શું વિચારો છો તે કરતાં તમે કઇ રીતે વિચારો છો, તે મહત્ત્વની બાબત છે.’

આપણી દુનિયાનું નિર્માણ કરે છે આપણા જ વિચારો. જેવા વિચાર તેવો સંસાર. વર્તમાનમાં આપણા વિચારો આપણી ભાવિ દુનિયાનું નિર્માણ કરે છે. તમારી શારીરિક, માનસિક, કૌટુંબિક, સામાજિક, વ્યાવસાયિક, લગ્નવિષયક સ્થિતિ તમારી વિચારક્રિયા પર આધારિત છે. દુ:ખદ, દયાજનક કે લાચાર સ્થિતિ તે પણ તમારી વિચારક્રિયામાંથી જ જન્મે છે.સ્વસ્થ જીવન જીવવા માટે સ્વસ્થ વિચારની જરૂર છે. જે માણસ જેવું વિચારે છે તેવો બની જાય છે. વિચાર એ તો આચારનું પ્રેરક બળ છે. વિચાર શુદ્ધ હોય તો આચારશુદ્ધિ આપોઆપ આવે છે. જોઈએ સણોસરા લોકભારતીના આદ્ય સંસ્થાપક નાનાભાઈ ભટ્ટની વાત. ભાવનગરમાં અભ્યાસ કરી બી.એ. થયા. લગ્નની વાત આવી. નાનાભાઈનું ઘર મોટું એટલે મિત્રોની મંડળી એના ઘરે અડ્ડો જમાવે. ગામગપાટા મારે. લગ્ન થયા. એમની પત્ની શિવબાઈનું ઘરમાં આગમન થયું.

દરરોજ ટેવ પ્રમાણે મિત્રો ભેગા થયા. મંડળી જામી. શિવબાઈને અણસાર આવી ગયો કે મિત્રોની દૃષ્ટિ બરાબર નથી. સવારે પતિને કહ્યું કે હવે મારા ઘરમાં આ નહીં ચાલે. આ ચોરો નથી. હવે આ ઘર, ઘર બન્યું છે. શિવબાઈને સદાચાર પ્રત્યે કેટલો પ્રેમ હશે કે જેથી નવી વહુ હોવા છતાં કહેવાની હિંમત કરી. નાનાભાઈએ કહ્યું મિત્રો મારા ગાઢ મિત્રો છે, હું તેઓને ના નહીં પાડી શકું. શિવબાઈએ કહ્યું હું ના પાડું તો તમને વાંધો નથી ને? નાનાભાઈએ કહ્યું ના – મને વાંધો નથી. સારા વિચારને અમલમાં મૂકવા માટે શિવબાઈની પહેલી જીત થઈ. સાંજ પડી મિત્રો આવ્યા. ચાપાણીની રાહ જુવે છે ત્યાં શિવબાઈ આવ્યાં. દરેકની સામે આંગળી કરીને કહ્યું તમે બધા અત્યારે જ આ ઘરમાંથી ચાલ્યા જાવ. બધા નાનાભાઈની સામે જોઈ ટપોટપ ઊભા થઈને રવાના થઈ ગયા. નાનાભાઈ પત્નીનો આભાર માનતા બોલ્યા તે મને મારા કુમિત્રોની સોબતથી મુકત કર્યો. શિવબાઈના કારણે હું આટલે દરજ્જે પહોંચ્યો. વિચારો થકી જ જીવનમાં મને મહાનતા પ્રાપ્ત થઇ. એક સારો વિચાર અનેક ખોટા વિચારોને દૂર કરી શકે છે. માણસ જેવા વિચારોનું સેવન કરે છે તેવું જ વાતાવરણ તેની આસપાસ રચાય છે.

માણસોનાં વિચારોમાં પરિપકવતા જોઇએ તો જ સ્વને ઓળખી શકે. જ્યાં સુધી માણસ પોતાની જાતને જ સમજતો નથી ત્યાં સુધી એના જીવનની દિશા શૂન્ય છે, દરેક માણસ સુખી અને સમૃદ્ધ થવા ઇચ્છે તે સ્વાભાવિક છે પણ જયાં સુધી પોતાને સુખી માનતો નથી ત્યાં સુધી કયારેય સુખી થઇ શકતો નથી. એક રૂપાળો યુવાન છે એની પાસે પૈસા છે, પત્ની છે, છોકરા છે શરીર પણ તંદુરસ્ત છે એટલે કે એ બહારથી ખૂબ સુખી છે છતાં એ યુવાન દુ:ખી છે. કેમ? એના વિચારોથી ખબર પડી કે બીજા પાસે વધારે પૈસા જોઈ એને હંમેશ મનમાં ઇર્ષ્યા ઉપજે છે. એને પોતાનાં છોકરાં, પત્ની ગમતાં નથી. એને બીજાનું જ બધું સારું લાગે છે. વિચારોમાં હરદમ ઇર્ષ્યા-તિરસ્કાર.

પરમાત્માની ભક્તિ કે સંત સમાગમ ગમતો નથી. એટલે એના નિમ્ન સ્તરના વિચારોના પ્રતાપે એનું ભીતરી જગત દુ:ખમય, અશાંત છે, જયારે બીજો એક યુવાન છે. એનાં માતાપિતા હયાત નથી, એની પાસે નથી પૈસા કે નથી રૂપ બહારથી જોતાં એનું જીવન દુ:ખથી ભર્યું છે પણ છતાંયે જયારે જુઓ ત્યારે એનાં ચહેરા પર સ્મિત રેલાતું દેખાય. આંખોમાં ચમક દેખાય અને શરીરમાં ગજબનો તરવરાટ ઉછળે છે. એના વિચારો જોતાં સમજાયું કે એ વ્યક્તિને પોતાને જેટલા પૈસા મળે છે એમાં સંતોષ છે. પોતાના પરિવાર પ્રત્યે નિષ્ઠા છે. પરમાત્માની ભક્તિમાં એ વિશ્વાસ ધરાવે છે. સારા વિચારો થકી પરોપકારના કાર્યોમાં રસ ધરાવે છે. બીજાની પ્રગતિ જોઇ આનંદ અનુભવે છે. પોતાની જરૂરિયાત સીમિત છે એટલે કે એના ઉમદા અને ઉચ્ચ સ્તરના વિચારોથી એની આંતરિક દુનિયા સુખથી છલોછલ છે. વિચાર અને આચારના સમન્વયથી જ સદાચાર પ્રગટે છે.

વિચારમાં તો કેટલી શક્તિ છે. આપણી વિચારશક્તિ એ આપણા નસીબનું જ બીજું નામ છે, કેમ કે વિચારના બળ વડે આપણે આપણા સંસાર, સમાજ અને સમગ્ર જીવનને સુખી કે દુ:ખી બનાવીએ છીએ. વિચારબળ વડે જ આપણે આપણાં લડાઈઝઘડાને સુખશાંતિમાં, રોગને તંદુરસ્તીમાં, અંધકારને પ્રકાશમાં, નિરાશાને આશામાં, નફરતને પ્રેમમાં, ગરીબીને અમીરીમાં, નિષ્ફળતાને સફળતામાં અને ભોગવિલાસને કાર્યપ્રવૃત્તિમાં ફેરવી શકીએ છીએ. માણસ કયારેય નાનો કે મોટો હોતો નથી. એના પોતાના વિચારો થકી જ તે નાનો અથવા મોટો બને છે.
તો વાચકમિત્રો! પ્રત્યેક માણસને સ્વતંત્ર વિચારશક્તિ અને સ્વતંત્ર વિવેકબુદ્ધિની સર્વોત્તમ ભેટ મળેલ છે, પરંતુ માણસ વિચારશૂન્ય અને વિવેકહીન બનીને સમજણના અભાવથી જીવન જીવે છે ત્યારે નિષ્ફળતા પ્રાપ્ત કરે છે તે કંઇ જ સારું કરી શકતો નથી. સારા અને ઉમદા વિચાર કરનાર વ્યક્તિ જાણે-અજાણ્યે પણ જગતનું કલ્યાણ કરે છે. સતત શુભ વિચારશીલ જીવન જીવવું એ એક સાહસ હોય તો તે સાહસને સફળતાપૂર્વક ખેડનાર સાહસિક બનીએ.

”Let the noble Thoughts come from all the Directions”

સુવર્ણરજ

માનવીના દિમાગમાં રોજના હજારો વિચાર જન્મે છે અને ક્રિયાશીલ બનતા પહેલાં જ મૃત્યુ પામે છે વિચારોને જીવંત રાખો. સ્વસ્થ વિચારોની વણઝાર જીવન બનાવે સ્વસ્થ…!

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top