સુરત: (Surat) રાજ્ય સરકારે વૈશ્વિક મહામારી કોરોના સામેના જંગમાં અવિરત કાર્ય કરી રહેલા આરોગ્ય સાથે સંકળાયેલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં કોરોનાની રસી મુકવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાના માંગરોળ, કામરેજ, પલસાણા અને માંડવી એમ ચાર તાલુકાઓમાં કોરોનાવિરોધી રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કામરેજના ૧૦૪, માંડવીના ૭૮, પલસાણાના ૭૧ અને માંગરોળના ૯૦ આરોગ્ય કર્મચારીઓ મળી કુલ ૩૪૩ને કોરોનાવિરોધી રસી (Vaccine) આપવામાં આવી હતી. માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાએ અને કામરેજના પારડી ખાતે ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયાએ રસીકરણ કાર્યક્રમને ખૂલ્લો મુક્યો હતો.
જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત રસીકરણ અભિયાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર્સ, સી.એચ.ઓ, ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ અને હોસ્પિટલનો સ્ટાફ, આશા બહેનો, આશા ફેસેલિટેટરો અને આંગણવાડી કાર્યકર બહેનોને રસી આપવામાં આવી હતી. તમામ સ્થળોએ લાભાર્થીઓ હેન્ડવોશ કરીને પી.એચ.સી.માં આવ્યા બાદ પોલીસ કર્મચારી દ્વારા તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી તેમનું રજિસ્ટ્રેશન કરી ક્રમશ: કોવિડ-૧૯ ની રસી મુકવામાં આવી હતી. કોરોનાની રસી મૂકાયેલા ફ્રન્ટલાઈન વર્કર્સને ઓબ્ઝર્વેશન રૂમમાં નિરીક્ષણ હેઠળ રખાયા હતાં.
વલસાડ જિલ્લામાં બીજા રાઉન્ડમાં 432 કર્મચારીઓને વેકસીન મુકાવાઈ
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં પ્રથમ તબકકાના બીજા રાઉન્ડના વેકસીનેશન કાર્યક્રમમાં મંગળવારે સાંજ સુધીમાં ૬ કેન્દ્રો ખાતેથી કોરોના વોરિયર્સ એવા 432 આરોગ્યકર્મીઓને કોવિશીલ્ડ વેકસીન આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે અધિક્ષક ડો.અમિતભાઈ શાહે વેકસીન મૂકાવી હતી. પ્રથમ રાઉન્ડમાં જિલ્લામાં 511 કર્મચારીઓને વેકસીન મુકવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લામાં પ્રથમ તબકકામાં 6 તાલુકાઓના 511 કર્મચારીઓને વેકસીન મુકવામાં આવી હતી. જ્યારે મંગળવારે બીજા રાઉન્ડમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 510ના લક્ષ્યાંક સામે 432 કર્મચારીઓને વેકસીન મુકવામાં આવી હતી. જે 84.7 ટકા થવા જાય છે.
જિલ્લાના સી.ડી.એચ.ઓ ડો.અનિલ પટેલે જણાવ્યું કે રસીકરણ અંગે ખોટી અફવાઓથી દૂર રહેવા, દેશને બચાવવા માટે કોરોના સામેના જંગમાં કટિબધ્ધ બનવા જણાવ્યું હતું. અને જિલ્લામાં અત્યાર સુધી વેકસીનની આડ અસરની કોઈ ઘટના બની નથી. સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડો.અમિત શાહે જણાવ્યું કે આજે મારા સહિત સ્ટાફે વેકસીન મુકાવી છે. તમામ સ્વસ્થ છે. કોઈ સાઈડ ઇફેક્ટ નથી. જેથી લોકોએ ગભરાયા વગર, અફવાઓથી દૂર રહી વેકસીન મુકાવવી જોઈએ.