National

આરોગ્ય વિભાગે આરજી કરના પૂર્વ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યા, સંદીપ ઘોષ પર નાણાકીય ગેરરીતિનો આરોપ

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય ત્રણ લોકોને 8 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. CBIએ તેમને મંગળવારે 3 સપ્ટેમ્બરે અલીપોર કોર્ટમાં રજૂ કર્યા હતા. આ લોકોની 2 ઓગસ્ટે ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ નિર્ણય બાદ પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે સંદીપ ઘોષ સામે ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીને કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. આ પહેલા 28 ઓગસ્ટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ સંદીપ ઘોષનું સભ્યપદ રદ કરી દીધું હતું.

જણાવી દઈએ કે CBIએ ગત સોમવારે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ કરી હતી. 16મી ઓગસ્ટથી સતત 15 દિવસ સુધી CBI દ્વારા સંદીપની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે ગયા શનિવાર અને રવિવારે તેની પૂછપરછ કરવામાં આવી ન હતી પરંતુ સોમવારે તેને ફરીથી સીબીઆઈ દ્વારા સીજીઓ કોમ્પ્લેક્સમાં બોલાવવામાં આવ્યો હતો. આ પછી સાંજે સીબીઆઈ અધિકારીઓ સંદીપને ત્યાંથી બહાર કાઢીને નિઝામ પેલેસ લઈ ગયા. આ પછી સીબીઆઈએ માહિતી આપી કે સંદીપની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ કહ્યું કે સંદીપ ઘોષની સાથે બે વેન્ડર બિપ્લવ સિંઘા અને સુમન હજારાની ધરપકડ કરવામાં આવી છે. સંદીપ ઘોષ ઉપરાંત સુરક્ષા કર્મચારી અલીની પણ ધરપકડ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે 8-9 ઓગસ્ટની રાત્રે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડોકટર સાથે રેપ-હત્યા કેસમાં જુનિયર ડોકટરોનો વિરોધ 25માં દિવસે પણ ચાલુ છે. વિરોધ કરી રહેલા ડોકટરો પોલીસ કમિશનર વિનીત ગોયલના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top