સ્મીમેર હોસ્પિટલમાં હીટસ્ટ્રોક દર્દીઓ માટે આઈસ બેડ અને બાથટબ તૈયાર
સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો તાપમાન ઝડપથી વધી રહ્યો છે. માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં લોકોમાં હીટવેવ અને ‘લૂ’ લાગવાની શક્યતાઓ વધે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓને તાત્કાલિક અને અસરકારક સારવાર મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે

સ્મીમેર હોસ્પિટલમાં દરરોજ સુરત શહેર ઉપરાંત આસપાસના તાલુકા અને ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના કેઝ્યુલિટી વિભાગમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ બાથટબ મુકવામાં આવ્યા છે. આ બાથટબમાં ઠંડુ પાણી અને બરફની વ્યવસ્થા રાખવામાં આવે છે, જેથી લૂ લાગેલા દર્દીનું વધેલું શરીરનું તાપમાન ઝડપથી ઓછું કરી શકાય. સાથે સાથે આઈસ બેડ પણ તૈયાર રાખવામાં આવ્યા છે, જેથી દર્દીને તરત ઠંડક મળી શકે અને શરીરનું ટેમ્પરેચર સામાન્ય સ્તરે લાવવામાં મદદ મળે
ડોક્ટરોના જણાવ્યા અનુસાર હીટસ્ટ્રોક દરમિયાન દર્દીનું શરીરનું તાપમાન ઘણી વખત 105 થી 106 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં દર્દી બેભાન થઈ જવાનો, માથું ભારે થવાનું, ચક્કર આવવાનું, ઉલ્ટી થવાની કે અતિશય તરસ લાગવાની ફરિયાદ કરી શકે છે. આવી ગંભીર સ્થિતિમાં સમયસર સારવાર ન મળે તો દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં તાત્કાલિક સારવાર માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે
દર્દીઓને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે હોસ્પિટલમાં IV ફ્લુઈડ્સ, ORS અને અન્ય લિક્વિડ્સની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં પાણીના જગ રાખવામાં આવ્યા છે જેથી દર્દીઓને પાણીની તકલીફ ન પડે. ડોક્ટરો દ્વારા લોકોને પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. તડકામાં બહાર જવું પડે તો સુતરાઉ કપડાં પહેરવા, માથા પર રૂમાલ કે કેપ રાખવી, તેમજ સમયાંતરે પાણી, નારિયેળ પાણી, લીંબુ શરબત અને છાશ જેવી પ્રવાહી વસ્તુઓ વધુ પ્રમાણમાં લેવી જોઈએ. આવી સરળ સાવચેતી રાખવાથી હીટસ્ટ્રોકથી બચી શકાય છે