ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસ (Virus) બાદ અમેરિકામાં (America) એક નવો વાયરસ લોકોને પરેશાન કરી રહ્યો છે. આ વાયરસનું નામ નોરોવાયરસ છે. જો સરળ ભાષામાં સમજીએ તો તેને ‘વિન્ટર વોમિટિંગ બગ’ અને ‘પેટનો ફ્લૂ’ પણ કહેવાય છે. આ વાયરસથી પ્રભાવિત વ્યક્તિને ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) કહે છે કે પેટનો વાયરસ જેને સામાન્ય રીતે ‘નોરોવાયરસ’ તરીકે ઓળખવામાં આવે છે તે હાલમાં અમેરિકાના ઉત્તરપૂર્વીય પ્રદેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડિસેમ્બર 2023થી નોરોવાયરસના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે.
નોરોવાયરસના લક્ષણો
CDC અનુસાર અમેરિકામાં નોરોવાયરસના જે કેસ નોંધાઈ રહ્યા છે તેમાં ઉલ્ટી, ઝાડા, પેટ અથવા આંતરડામાં સોજો, તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરિટિસ અને ખાવા-પીવાની સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ રોગ કોઈપણ ઉંમરના લોકોને અસર કરી શકે છે અને આ વાયરસ ઝડપથી અને સરળતાથી ફેલાય છે. સીડીસી માર્ગદર્શિકા અનુસાર નોરોવાયરસના લક્ષણો સામાન્ય રીતે ચેપના 12 થી 48 કલાક પછી દેખાય છે. મોટાભાગના લોકો 1-3 દિવસમાં સ્વસ્થ થઈ જાય છે પરંતુ થોડા દિવસો સુધી ચેપી રહે છે.
આ વાયરસ કેવી રીતે ફેલાય છે?
તે ચેપગ્રસ્ત વ્યક્તિના સ્ટૂલ અથવા ઉલટીમાં છોડવામાં આવેલા નાના કણો દ્વારા ફેલાય છે. નોરોવાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે જેમ કે સંભાળ રાખવાથી, ખોરાક અથવા વાસણો વહેંચવાથી અથવા તેમના દ્વારા તૈયાર કરાયેલ ખોરાક ખાવાથી. તે ખોરાક દ્વારા ફેલાય છે જે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે છે.
CDC ડેટા અનુસાર નોરોવાયરસ યુ.એસ.માં વાર્ષિક 19 થી 21 મિલિયન બીમારીઓનું કારણ બને છે. જેમાં સંક્રમણના મોટાભાગના કેસ નવેમ્બરથી એપ્રિલ દરમિયાન જોવા મળે છે. દર વર્ષે નોરોવાયરસ લગભગ 109,000 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે અને 900 મૃત્યુ પામે છે. રિપોર્ટ અનુસાર નોરોવાયરસના ફેલાવાને રોકવા માટે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. તેને ફેલાતો અટકાવવા માટે સાબુ અને પાણીથી હાથને સારી રીતે ધોઈ લો. કપડાં ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો. બહારનો ખોરાક ખાવાનું ટાળો.