હમણાં વર્તમાનપત્રમાં સૃષ્ટિના કર્તાહર્તા કહેવાતા ભગવાનને પણ માનવીની માફક ઠંડી સામે રક્ષણ મળી રહે એ માટે આ ભગવાનની મૂર્તિઓને વધારાના વાઘા પહેરાવેલ ફોટા પ્રગટ થયેલ જોતાં વિચાર આવ્યો કે આ મૂર્તિ સ્વરૂપ ભગવાનને પણ ઠંડી લાગે? ઠંડી કોને લાગે માણસને કે મૂર્તિને? અલબત્ત જગત આખામાં માનવીના અંકુશની બહાર બનતા બનાવો દ્વારા આ શક્તિનો આપણને સૌને પરિચય કે અનુભવ અવારનવાર થતો જ રહે છે.
આ અદૃશ્ય શક્તિને માણસે પથ્થરની મૂર્તિમાં પરવર્તિત કરી ભગવાનનું નામ આપ્યું. આ માનવીએ રચેલ ભગવાનના આ ભૌતિક સ્વરૂપને લોકો ભજવા માંડ્યાં એટલું જ નહીં પરંતુ ભગવાનના આ સ્થૂળ સ્વરૂપ કે મૂર્તિ વિષે કોઇ ભૂલમાં પણ કાંઇક અલગ કે અજુગતું બોલે કે વાત કરે તો માનવીએ સર્જેલ આ જ મૂર્તિ સ્વરૂપ ભગવાનના મહત્ત્વને જાળવી રાખવા ઘણા ઝઘડા પણ થતા જોવા મળ્યા છે.
દરેક ધર્મનાં લોકો માટે સમય જતાં મૂર્તિ મુખ્ય બનતી ગઇ અને માનવજાતને જેણે સર્જી છે એ સર્જનહાર જ ભૂલાઇ ગયો, જે સર્જનહાર માટે માનવસર્જીત દરેક ધર્મનો માણસ સરખો છે. પોતાના ધર્મમાં આસ્થા રાખતી વ્યક્તિઓ એમના ભગવાનની મૂર્તિને સુંદર વાઘા પહેરાવે એની સામે કોઇને વાંઘો ન હોઇ શકે, હોવો પણ ન જોઇએ પરંતુ આ મૂર્તિ પ્રભુએ સર્જેલ માનવજાતને ધર્મ કે ન્યાત–જાતને નામે એકબીજાથી અલગ ન કરે એ આજના અત્યંત કપરા થતા જતા સમયમાં ખૂબ જ જરૂરી છે.
પાલ, સુરત – હિતેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.