નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવને (Baba Ramdev) દિલ્હી હાઈકોર્ટ તરફથી સોમવારે મોટો ઝટકો લાગ્યો હતો. અસલમાં ઘણાં ડોકટરોના સંગઠનોની અરજી બાદ આજે હાઇકોર્ટે બાબા રામદેવના પતંજલીની (Patanjali) કોરોનાની દવા ‘કોરોનીલ’ (Coronel) મામલે સુનાવણી કરી હતી. જેમાં ચુકાદો સંભળાવતા દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવને કોરોનાને કારણે થતા મૃત્યુ માટે એલોપેથીને જવાબદાર ઠેરવતા અને કોરોનિલને પ્રોત્સાહન આપવાના તેમના દાવા પાછા ખેંચવાનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ 2021માં વિવિધ ડૉક્ટર એસોસિએશનો દ્વારા દાખલ કરાયેલા દાવાની અરજી પર આજે આદેશ સુનાવણી હાથ ધરી હતી. ત્યારે બેન્ચે બાબા રામદેવને ત્રણ દિવસમાં સોશિયલ મીડિયા પરથી વાંધાજનક સામગ્રી હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો બાબા રામદેવ ત્રણ દિવસમાં નિવેદનો દૂર કરવામાં નિષ્ફળ જશે તો સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓ આ સામગ્રીને હટાવી દેશે.
અરજીમાં શું કહેવામાં આવ્યું છે?
અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બાબા રામદેવે ‘કોરોનિલ’ વિશે પાયાવિહોણા દાવા કર્યા હતા. બાબા રામદેવે દાવા કર્યા હતા કે તે કોવિડ-19 એટલે કે કોરોનાની સારવાર માટે અસરકારક છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોરોનિલને માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારતી દવા તરીકે લાઇસન્સ આપવામાં આવ્યું હતું, જ્યારે બાબા રામદેવનો દાવો આ લાયસન્સથી વિપરીત હતો. ત્યારે વાદી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલે પ્રતિવાદીઓને ભવિષ્યમાં આવા નિવેદનો આપવાનું બંધ કરવા નિર્દેશ આપવા વિનંતી કરી છે.
અરજીકર્તા વતી આરોપ લગાવવામાં આવ્યો હતો કે બાબા રામદેવે પોતાના ઘણા ઉત્પાદનોનું વેચાણ વધારવા માટે ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન ચલાવ્યું હતું. આ સાથે જ ખોટી માર્કેટિંગ વ્યૂહરચના અપનાવવામાં આવી હતી, આવા પ્રોડક્ટ્સમાં ‘કોરોનિલ’ પણ સામેલ હતી, જેને કોવિડ-19 માટે વૈકલ્પિક સારવાર તરીકે રજૂ કરવામાં આવી હતી. અગાઉ હાઈકોર્ટે આ અરજી પર રામદેવ અને અન્યને 27 ઓક્ટોબર 2021ના રોજ નોટિસ પાઠવી હતી.
આ એસોસિએશનો દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી:
ઋષિકેશ, પટના અને ભુવનેશ્વરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ત્રણ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન, રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ચંદીગઢ, રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન લાલા લજપત રાય મેમોરિયલ મેડિકલ કોલેજ મેરઠ, તેલંગાણા જુનિયર ડોક્ટર્સ એસોસિએશન હૈદરાબાદ, પંજાબના રેસિડેન્ટ ડોક્ટર્સ યુનિયન દ્વારા આ મામલે અરજી દાખલ કરવામાં આવી હતી.