સુરત : 1 વર્ષ અગાઉ શરૂ થયેલી હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસના જહાજનો શાફટ દહેજ જેટી પાસે કાપમાં ટકરાઈને વાંકો વળી જતાં ફેરી સર્વિસ 20 દિવસ બંધ રાખવી પડી હતી. જોકે ફેરી સર્વિસનું સંચાલન કરતાં કંપનીએ નવો શાફટનો ઓર્ડર આપતાં કોરિયાથી 20 નવેમ્બરે શાફટ ઈમ્પોર્ટ થઈને મુંબઈ આવી પહોંચશે તે દરમ્યાન કંપનીએ જુનો વળી ગયેલો શાફટ ભારત ફોર્જ કંપનીએ ફોર્જીગ માટે મોકલતાં આ શાફટ રિપેર થઈને આવી જતાં હજીરા-ઘોઘા ફેરી સર્વિસ 19 ઓકટોબરથી ફરી શરૂ થશે. તે પહેલાં ફેરી સર્વિસના જહાજને ડ્રાઈડ ઓફમાં લઈ જવાશે અને તેનું ટ્રાયલ કરાયાં પછી ફરી સેવા માટે કાર્યરત કરાશે.
હજીરા-ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસના સંચાલક ચેતન કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે સુરતના અને ભાવનગરનાં લોકોની ડિમાન્ડને પગલે ઝડપથી ભારત ફોર્જ પાસે શાફટ રિપેર કરાવી જહાજમાં ફીટ કરવામાં આવ્યો છે. તથા એક નવો શાફટ કોરિયાથી મંગાવવામાં આવ્યો છે. રાબેતા મુજબ સવારે 8.00 વાગ્યે હજીરાથી ફેરી સર્વિસ ઘોઘા જવા નીકળશે અને બપોરે 3.00 કલાકે ઘોઘાથી પરત ફરે ત્યારે તેવું આયોજન કરાયું છે. અગાઉની જેમ રોપેક્ષ ફેરી સર્વિસમાં ટ્રક, કાર, મોટર સાયકલ લઈ જવાશે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પેટ્રોલિયમ પ્રોડકટની કિંમત વધી હોવાથી મુસાફરી ખર્ચમાં અને વ્હીકલ ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સામાન્ય વધારો થઈ શકે છે. એક વર્ષ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે વર્ચ્યુઅલી રોપેક્ષ ફેરી સર્વિસનો પ્રારંભ થયો ત્યારે વ્યકિત દીઠ ભાડું 525/- રૂપિયા, સાથે કાર હોય તો 1200/- રૂપિયા અને પાંચ વ્યકિતઓનો પરિવાર હોય તો 3825/- રૂપિયા ખર્ચ થતો હતો. આ ફેરી સર્વિસને વર્ષ દરમ્યાન સારો પ્રતિસાદ મળ્યો છે. સુરતથી ભાવનગરનું 12 કલાકનું અંતર ફેરી સર્વિસથી 4 કલાકમાં ફેરવાઈ ગયું છે. એક સાથે 500 પેસેન્જરોને અને 300 મોટર સાયકલ, 30 ટ્રક અને 300 કાર લઈ જવાની જહાજની ક્ષમતા છે. દિવાળી વેકેશન નજીક આવી રહ્યું છે ત્યારે સુરતમાં વસતાં ભાવનગર જિલ્લાના લોકોને આ ફેરી સર્વિસથી મોટી રાહત મળશે.
નવેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં હજીરાથી બીજી રોપેક્ષ ફેરી સર્વિસ શરૂ થશે
હજીરા-ઘોઘા ફેરી સર્વિસના સંચાલક ચેતન કોન્ટ્રાકટરે ‘ગુજરાતમિત્ર’ને જણાવ્યું હતું કે ફેરી સર્વિસ ફેઝ-1માં સફળ રહેતાં કંપનીએ બીજું જહાજ પણ ખરીદ કર્યુ છે. કોરિયાથી આ જહાંજ બોમ્બે પોર્ટ પર આવી પહોંચ્યું છે. હજીરાથી બીજી રોપેક્ષ સર્વિસ માટે આ જહાજ કાર્યરત કરાશે. નવેમ્બર મહિનાના બીજા સપ્તાહથી આ જહાજ હજીરાથી કાર્યરત કરાશે. નવું રોપેક્ષ જહાજ અત્યારે જે જહાજ ચાલે છે તેનાથી મોટું અને આધુનિક સુવિદ્યાઓથી સજ્જ હશે અને લોકોને દરિયાઈ મુસાફરીમાં વધુ આનંદ આપશે