Charchapatra

તમારા પપ્પાને કદી તમે રડતા જોયા છે ખરા?

પપ્પા ખરેખર આ ધરતી પરના ફરિશ્તા છે. જે રાતદિવસ ચુપચાપ પોતાનું કામ કરે છે. પપ્પા પાસે અઢળક લાગણીઓ છે, હેત છે, પ્યાર છે. પણ પપ્પા કોઈ દિવસ આ બધું વ્યક્ત કરતા નથી. પપ્પા કોઈ દિવસ બોલીને પ્રેમ બતાવતા નથી. એ તો તમે સૂઈ ગયા હોય ત્યારે ચુપચાપ અવાજ કર્યા વગર તમારા રૂમમાં તમારી પાસે આવી તમારા માથા પર હાથ ફેરવી ચાલ્યા જાય છે. ક્યાંક તમે ઊંઘમાંથી ઊઠી ના જાવ એની કાળજી પપ્પા લે છે. તમે સૂતા હોય તો વાતો પણ ધીમે ધીમે કરે છે. પપ્પાને ખાલી એક દિવસ સન્માન આપવાનું નથી. પપ્પાને ૨૪/૭ સન્માન આપવું ખૂબ જ જરૂરી છે. પપ્પા એક પહાડ જેટલા મજબૂત હોય છે.

તમે કદી તમારા પપ્પાને રડતા જોયા છે? નહીં ને. તમે યાદ કરશો તો પણ યાદ નહીં આવે. પપ્પા મજબૂત અને પોલાદી હોય છે. માતાની ભૂમિકા જેટલી મહત્ત્વની છે એટલી જ પપ્પાની ભૂમિકા મહત્ત્વની છે. પપ્પાનું મૌન દેખાય પણ એ મૌન પાછળ છુપાયેલો પ્રેમ જોવા પપ્પાને સમજવા પડે. આખા દિવસના એ થાકેલા ઘરમાં પગ મૂકે અને પપ્પા અવાજ સંભળાય જાણે આખા દિવસનો થાક ઉતરી જાય. કોઈ પણ અપેક્ષા વગર કેવી રીતે પપ્પા આવું કરતા હશે? કેટલો સંયમ, કેટલી સમજદારી, કેટલી તાકાત જોઈતી હશે આ બધા માટે. દુનિયાના બધા પપ્પાઓનાં ચરણોમાં કોટિ કોટિ વંદન.
સુરત – અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top