સામાન્ય ભારતના મોસમી પ્રદેશોમાં ઓકટોબરના અંતભાગેથી કે નવેમ્બરની શરૂઆતથી શિયાળાની ઋતુ શરૂ થાય છે અને ફેબ્રુઆરીના અંત સુધી ચાલે છે. પરંતુ આ વખતે આપણા ગુજરાત સહિતના ઘણા વિસ્તારોમાં ઠંડી ઘણી મોડી શરૂ થઇ અને આઘાત જનક રીતે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સખત ગરમી ઘણી વહેલી શરૂ થઇ ગઇ. આ વર્ષે ફેબ્રુઆરી મહિનો હજી તો માંડ અડધો થયો હતો કે ઉનાળા જેવી ગરમીનો અનુભવ દેશના ઘણા ભાગોમાં શરૂ થઇ ગયો હતો. આપણા ગુજરાતના ભૂજમાં તો ફેબ્રુઆરીમાં તાપમાન વિક્રમી ૪૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પણ એક સમયે પહોંચી ગયું હતું.
દિલ્હીમાં અને ઉત્તર ભારતના તથા ઉત્તર પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં ૧૪ ફેબ્રુઆરી સુધીમાં તો ઠંડી જાણે ગાયબ થઇ ગઇ અને ઉનાળાનો અનૂભવ થવા માંડ્યો હતો. આના પછી ફે્બ્રુઆરીના છેલ્લા દિવસે એટલે કે ૨૮મી ફેબ્રુઆરીએ હવામાન વિભાગે જાહેર કર્યું કે ભારતે આ વર્ષે ૧૮૭૭ના ફેબ્રુઆરી પછીનો સૌથી ગરમ ફેબ્રુઆરી મહિનો નોંધાવ્યો છે જેમાં મહત્તમ સરેરાશ તાપમાન ૨૯.પ૪ ડીગ્રી સેલ્સિયસને સ્પર્શી ગયું હતું. હવામાન વિભાગે આ બાબતને ગ્લોબલ વૉર્મિંગ સાથે પણ સાંકળી હતી. ફેબ્રુઆરીની આ ગરમી જોતા ઘણા લોકો અટકળો કરતા હતા કે આ વખતે ઉનાળો ઘણો સખત રહેશે અને તેમની આ અટકળોને ભારતીય હવામાન વિભાગે સમર્થન પુરું પાડ્યું છે જેણે જણાવી દીધુ છે કે આ વખતે ભારતવાસીઓએ આકરા ઉનાળા માટે તૈયાર રહેવું જોઇએ.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ ઉનાળામાં દેશના મોટા ભાગના વિસ્તારો સામાન્ય કરતા ઉંચા તાપમાનનો સામનો કરે તેવી શક્યતા છે જ્યારે દક્ષિણી દ્વિપકલ્પ અને મહારાષ્ટ્રના ભાગો સખત હવામાન સ્થિતિઓના કોપમાંથી બચી જાય તેવી શક્યતા છે. એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા હવામાન વિભાગના હાઇડ્રોમેટ એન્ડ એગ્રોમેટ એડવાઇઝરી સર્વિસીઝના વડા એસ.સી. ભાણે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં હીટ વેવ્ઝ સર્જાય તેવી બહુ ઓછી શક્યતા છે પણ એપ્રિલ અને મેમાં દેશના મોટા ભાગના વિસ્તારો તીવ્ર હવામાન સ્થિતિઓનો સામનો કરી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં હીટ વેવ્ઝ એટલે કે ગરમીના મોજાઓની સર્જાવાની શક્યતા વધારે છે.
દક્ષિણ સિવાય દેશના મોટા ભાગના વિસ્તારોમાં રાત્રી અને દિવસનું તાપમાન માર્ચથી મે દરમ્યાન સામાન્ય કરતા ઉંચુ રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરી માટે માસિક સરેરાશ મહત્તમ તાપમાન ૧૮૭૭ પછી સૌથી ઉંચુ હતું એમ ભાણે પત્રકારોને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું, જ્યારે તેમણે તાપમાનમાં વધારાના આ ટ્રેન્ડને ગ્લોબલ વૉર્મિંગ સાથે પણ સાંકળ્યો હતો. સમગ્ર વિશ્વ ગ્લોબલ વૉર્મિંગના યુગમાં જીવી રહ્યું છે. આપણે એક ગરમ થતા વિશ્વમાં જીવી રહ્યા છીએ એમ તેમણે કહ્યું હતું જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે ઉંચા તાપમાનો એ હવામાન પરિવર્તનનો સંકેત છે કે કેમ? સ્વાભાવિક રીતે હવામાન વિભાગના આ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે વર્તમાન સખત ગરમીને વૈશ્વિક તાપમાન વૃદ્ધિ કે ગ્લોબલ વૉર્મિંગ સાથે પણ સંબંધ હોઇ શકે છે અને સંજોગો જોતા લાગે જ છે કે આ સખત ગરમી માટે ગ્લોબલ વૉર્મિંગ પણ કારણભૂત હોઇ શકે છે.
હવે એક નવા અહેવાલ આવ્યા છે કે આ વર્ષે સમુદ્રને ગરમ કરતી પાકૃતિક ઘટના અલ-નીનો સર્જાઇ શકે છે. અલ-નીનો આગામી મહિનાઓમાં સર્જાઇ શકે છે એમ વિશ્વ હવામાન સંગઠન તરફથી મળેલા એક નવા અપડેટ પરથી જાણવા મળે છે. અત્યારે લા-નીના પરિબળ પ્રવર્તી રહ્યું છે. લા નીનામાં સમુદ્રની સપાટી ઠંડી થાય છે. લા નીના અને અલ-નીનો એ સંપૂર્ણપણે કુદરતી પરિબળો છે અને તેઓ વિશ્વના વિવિધ ભાગોમાંના તાપમાન અને વરસાદની તરાહને અસર કરે છે. આશ્ચર્યજનક રીતે સતત છેલ્લા ત્રણ વર્ષથી લા-નીના પ્રવર્તી રહ્યું હતું.
જો કે છેલ્લા ત્રણ વર્ષમાં લા નીનાની હાજરી છતાં આ વર્ષો ગરમ જ રહ્યા હતા. હવે ૨૧મી સદીનું આ પ્રથમ ટ્રીપલ ડીપ લા નીના પુરુ થવાની તૈયારીમાં છે. લા નીના આ વખતે સતત ત્રણ વર્ષ સુધી સર્જાયું હતું. લા નીના આમ તો તાપમાન વૃદ્ધિને ધીમી પાડે છે, જો કે આમ છતાં છેલ્લા આઠ વર્ષ અત્યાર સુધીના નોંધાયેલા વર્ષોમાં સૌથી ગરમ વર્ષ રહ્યા છે. લા-નીના અને અલ-નીના આમ તો તાપમાન પર અસર કરતા મહત્વના પરિબળો છે પરંતુ તેઓ એક માત્ર પરિબળો નથી. બીજા પણ ઘણા પરિબળો તાપમાન પર અસર કરે છે અને તેમાં માનવ સર્જીત પ્રદૂષણ પણ હવે એક મહત્વનું પરિબળ છે. હવે આપણે અલ-નીનોના તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ, અને તે વૈશ્વિક તાપમાનમાં વધુ ઉછાળો લાવી શકે છે એમ વિશ્વ હવામાન સંગઠનના એક પદાધિકારીએ કહ્યું હતું. એપ્રિલથી જુનમાં અલ-નીનો સર્જાય તેવી શકયતા ૧૫ ટકા અને મેથી જુલાઇમાં અલ-નીનો સર્જાય તેની શકયતા ૩૫ ટકા છે. જૂનથી ઓગસ્ટમાં તે સર્જાય તેવી શક્યતા પપ ટકા છે. અલ-નીનો અંગે ચોક્કસ આગાહી કરવાનું મુશ્કેલ છે પરંતુ તે આ વર્ષ દરમ્યાન સર્જાય તેવી શકયતા ઘણી જણાય છે અને તે જો આ એપ્રિલથી જ સર્જાવા માંડે તો આપણો ઉનાળો વધુ સખત બને તેવી પુરી શક્યતા છે.