Comments

શું આપણી યુનિવર્સિટીઓ સમાજલક્ષી ઉત્તરદાયિત્વ નિભાવવામાં નિષ્ફળ નિવડી છે…?

યુનિવર્સિટી કાર્યક્ષેત્રના મુખ્ય ત્રણ ડોમેઇન છે: 1. વિવિધ અભ્યાસક્રમો દ્વારા જ્ઞાનસર્જન, સંવર્ધન અને વિસ્તરણ (2) સંશોધન અને (3) સ્થાનિક સામાજિક સેવા દ્વારા સમાજનો ઉદ્ધાર અહીં પ્રશ્ન એ છે કે વિવિધ પદવી અભ્યાસક્રમોના શિક્ષણ અને પરીક્ષણ દ્વારા ખરેખર જ્ઞાનસર્જન, જ્ઞાન સંવર્ધન અને જ્ઞાન વિસ્તરણ થાય છે ખરું ? અને થતું હોય તો કેટલી માત્રામાં થાય છે? તેનો સમાજ પર શું પ્રભાવ પડે છે? યુવાધનની કાર્યક્ષમતા, કૌશલ્યો કેટલાં વિકાસ પામે છે? કેટલાં વિદ્યાર્થીઓ પદવી પ્રાપ્ત કર્યા બાદ સ્ટાર્ટઅપ કરી શકે છે?

સામાજિક સ્તર પર એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે આપણી યુનિવર્સિટી પદવી એનાયત કરીને, પદવી દાન સમારંભો યોજીને સંતોષ માને છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સંશોધનના ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. તે સામે કેટલાં સંશોધન પ્રોજેકટસ યુનિવર્સિટી કક્ષાએ હાથ ધરવામાં આવે છે? આ સંશોધનોના ફલિતાર્થો સમાજ સુધી પહોંચે છે.ખરાં યક્ષ પ્રશ્ન છે.

જો ઉપરોકત બંને ડોમેઇન સંતોષકારક રીતે પાર પડતા ન હોય તો સામાજિક સેવાનું ત્રીજું ડોમેઈન તો જોજન દૂર ગણાય! યુનિવર્સિટી પક્ષે બહુજન સમાજનો સંપર્ક અને સમાજસેવા મોટો પડકાર બની રહ્યો છે! માત્ર એન. સી. સી. કે એન. એસ. એસ.ના કાર્યક્રમો યોજવાથી સંપૂર્ણ ગુણવત્તાયુકત સમાજસેવા થઇ શકે નહિ. એ તો માત્ર બાહ્ય આડંબર છે! યુનિવર્સિટીએ રાષ્ટ્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે, રાષ્ટ્રના ઉદ્ધાર માટે, અનેકવિધ વિશિષ્ટ અને વ્યાપક કામગીરી બજાવવાની છે. યુનિવર્સિટીનું મહત્ત્વનું ઉત્તરદાયિત્વ સામાજિક સેવા છે એ ખરું પરંતુ સામાજિક ઉત્થાન થઇ શકતું નથી! જોબ ફેરના ક્રિયાકાંડો એનો ઉકેલ નથી! આ તો ઉપરથી લદાએલું આદેશાત્મક કાર્યની દંભી પૂર્તિ છે!

સમાજના રાષ્ટ્રના અનેક પ્રકારના પ્રશ્નો સમસ્યાઓ અને પડકારો છે. યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટો પ્રયોગશાળાઓ અને ગ્રંથાલયો એ તે હલ કરવા શું કર્યું? ગુજરાતની જ વાત કરીએ તો જળરાશિનો વિશાળ જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે. તેથી તેનું જળ વ્યવસ્થાપન કેવી રીતે કરવું? એ એક સમસ્યા છે. યુનિવર્સિટી આ સમસ્યા હલ કરવા તેનું યોગદાન ન આપી શકે?! વિદ્વાન અધ્યાપકો અને સંશોધકો ભેગાં મળી વ્યવહારુ સંશોધન પ્રોજેકટ હાથ ધરી સરકારને દિશાસૂચન નહિ કરી શકે? વિશાલ દરિયાઇ યુદ્ધ ધરાવતા ગુજરાતમાં ફિશરી વ્યવસ્થાપન ઝીંગા તળાવનું વ્યવસ્થાપન, દરિયાઈ જીવોનું સંરક્ષણ, દરિયાનાં પાણીને શુદ્ધ કરવાની યોજના, માછીમારોના પ્રશ્નો, બીચ ડેવલપમેન્ટ, ટૂરિઝમ અને હોટલ મેનેજમેન્ટના પ્રશ્નો, ગ્રામ વિસ્તારમાં બોરવેલ, નહેરની સુવિધાના પ્રશ્નો, સૂકી- ધારયુકત જમીનમાં બાગાયત, ખેત ઉત્પાદનના પ્રશ્નો, આવી અનેક સમાજલક્ષી સમસ્યાઓ અંગે સંશોધનો કેટલાં થયા? તેમાંથી શું ઉકેલો, સમાધાનો મળ્યાં તે જોવાની ખેવના યુનિવર્સિટીએ રાખવી જોઈએ. પાણીની સતત ખેંચ અને સમસ્યાનો સામનો કરતાં ઇઝરાયેલે  કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરી છે! આપણે ત્યાં તો ઇઝરાયેલની તુલનામાં પાણી જ પાણી છે! છતાં ઇઝરાયેલ જેવો ચમત્કાર આપણે સર્જી શકતા નથી.

આપણા ગુજરાતમાં કેટલી કૃષિ યુનિવર્સિટીઓએ ઇઝરાયેલની યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. કર્યા? કેટલાં અધ્યાપકો, સંશોધકોને ઇઝરાયેલની મુલાકાતે મોકલ્યાં? હજ્જારો કયુસેક વરસાદનું પાણી સમુદ્રમાં વહી જાય છે. તેના સંગ્રહ કરવાની ટેકનોલોજી આપણે ઊભી કરી શકયા નથી.ઘણાં વૈજ્ઞાનિકોએ ભવિષ્ય ભાખ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે. આપણે આનાથી બચવું હોય તો આ કુદરતી સંસાધનોના સમુચિત ઉપયોગ માટે જાગૃત બનવું પડશે. અન્ય દેશોની યુનિવર્સિટીએ એ સમાજલક્ષી સેવાઓ સંદર્ભે જે કામો ઉપાડયાં છે તેમાંથી આપણી યુ્નિવર્સિટીએ પ્રેરણા લેવી જોઈએ.

થોડાં વર્ષો પહેલાં બ્રિટનની યુનિવર્સિટીમાં વિશ્વના અન્ય દેશોની યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠક મળી હતી. તેના ચર્ચાના મુદ્દા વૈશ્વિક હતા. જે આ મુજબ હતા 1. પરિવર્તનશીલ સમાજ માટે યુનિવર્સિટી શું કરી રહી છે? 2. પરિવર્તન એક સામાજિક ઘટના છે. એને સમજવું અને કાબૂમાં લેતાં શીખવું એ યુનિવર્સિટીનું કામ છે. 3. સમગ્ર જગત પરિવર્તનશીલ અને સંકુલ છે. અનેક પ્રકારના કુદરતી અને માનવસર્જિત પડકારોનો સામનો કરતું રહે છે. ગ્લોબલ વોર્મિંગ તેમાંનું એક છે, આવાં જોખમોને કઇ રીતે પહોંચી વળવું?

વિશદ ચર્ચાને અંતે પેઈન્સ ટેકિંગ રિસર્ચ થ્રુ ન્યુ ફેકટ્સ એસ્ટાબ્લીશ કરવામાં આવ્યા તેના પર સંશોધનો હાથ ધરવામાં આવ્યાં અને જે તારણો મળ્યાં તેને દેશની પ્રજા સમક્ષ મૂકવામાં આવ્યાં  જેમ કે…

1. ન્યુકેસલ યુનિવર્સિટીએ ત્યાંની સ્થાનિક બીડોની સાચવણીનો સંશોધન પ્રોજેકટ હાથ ધર્યો જયાં આજે હજારો ઘેટાંઓ નિરાંતે ચરે છે અને ઉછરે છે! 2. રેડીંગ યુનિવર્સિટીએ સમગ્ર ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય ધોરી માર્ગો પર વૃક્ષો અને ફૂલછોડ ઉગાડવાનો પ્રોજેકટ હાથ ધર્યો. આજે ત્યાંના ધોરીમાર્ગો રંગબેરંગી ફૂલોથી લહેરાય છે! 3. ન્યૂયોર્ક યુનિવર્સિટી (યુ.એસ.) એ વનસ્પતિ પર તેજાબી વરસાદની અસરનો અભ્યાસ હાથ ધર્યો અને હજ્જારો વૃક્ષોને જીવનદાન આપ્યું!

4. લેન્સ્ટર યુનિવર્સિટીએ છોડ-  વેલીઓ પર છત્ર ગોઠવી દૂષિત વાતાવરણની અસરનો અભ્યાસ હાથ ધર્યો. પરિણામે સો ટકા છોડ-વેલીઓ નષ્ટ થતાં બચી ગઇ! 5. સ્કોટલેન્ડની કેરેન નદીમાં ફેકટરીનો દૂષિત કચરો ઠલવાતો હતો એટલે સાલ્મન જાતિની માછલીઓ નષ્ટ થવા લાગી. સ્કોટલેન્ડની સ્ટર્લિંગ યુનિવર્સિટીએ કેરેને નદીની સફાઈનો પ્રોજેકટ હાથ ધર્યો. આજે 60 હજાર સાલ્મન માછલીઓ કેરેન નદીમાં જીવની સેકન્ડ ઇનીંગ રમી રહી છે!

6. નોર્ધન ઇસ્ટના ‘મેઇન સ્ટેટ’ ના ‘બેંગોર’માં આવેલી ‘યુનિવર્સિટી ઓફ મેઇન’ ના ફિસરીઝ ડિપાર્ટમેન્ટ એટલાંટિક મહાસાગરમાંથી લોબસ્ટરર્સની પ્રજનનક્ષમતા પર સંશોધન હાથ ધરી તેનું ઉત્પાદન વધારવા અંગે પ્રોજેકટ હાથ ધર્યો. તેના પરિણામ સ્વરૂપ મેઇન સ્ટેટની સરકારે કઇ સાઈઝના લોબસ્ટરર્સ અને ફીશ પકડી શકાય તે અંગેનો કાયદો કર્યો. આજે મેઇન સ્ટેટ દરિયાઈ ખોરાક (સી ફુડ) માટેના વ્યવસાયમાં પ્રથમ ક્રમે છે! હવે આપણી યુનિવર્સિટીઓનાં કાર્યોની તુલના કરો. આપણે કયાં? અને તેથી જ વિશ્વની ટોપ યુનિવર્સિટીઓની યાદીમાં આપણી યુનિવર્સિટીઓનો સમાવેશ થતો નથી.

રાજકારણના અખાડા બની જતી આપણી યુનિવર્સિટીઓ પાસે સમાજસેવા કે રાષ્ટ્રસેવાની શી અપેક્ષા રાખી શકાય? આઝાદ ભારતના પ્રત્યેક રાજયની યુનિવર્સિટીઓ પાસે આજે કોઇ સ્વાયત્તતા, મોભો, દરજ્જો કે સન્માનનીય ભાવના બચી છે ખરી? યુનિવર્સિટીની સ્વાધીનતાપણાનાં મૂલ્યોનું બહુમાન થાય છે ખરું ? પરીક્ષા લેવી અને પદવી એનાયત કરવા સિવાય યુનિવર્સિટીની કોઇ મોટી પ્રતિભા વિકસાવવાનું કામ થાય છે ખરું? શું આ તમામ પ્રશ્નો નિરુત્તર રહેવા સર્જાય છે? આપણી યુનિવર્સિટીઓએ તેનું અસ્તિત્વ ટકાવી રાખવા સમાજલક્ષી ઉત્તરદાયિત્વ તરફ વળવું પડશે એવું નથી લાગતું?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top