Madhya Gujarat

મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો, હું તમારા કાર્યો પરિપૂર્ણ કરીશ : દેવુસિંહ

નડિયાદ: ખેડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહની ત્રણ દિવસીય જન આશિર્વાદ યાત્રા બુધવારે ખેડા જિલ્લામાં પ્રવેશી તે વખતે જિલ્લાના ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. કાવઠ ચોકડીથી ખેડા જિલ્લામાં પ્રવેશ કર્યા બાદ આ યાત્રા કપવંજ, ફાગવેલ, લાભપુરા, ડાકોર, આડીનાર થઈ નડિયાદ પહોંચી હતી. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ કેન્દ્રમાં મંત્રી બન્યાં બાદ અંબાજીથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરી વિવિધ ગામ-શહેરોની મુલાકાત કરી કાવઠ ચોકડીથી ખેડા જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. આ જન આશીર્વાદ યાત્રા ખેડા જિલ્લાના કાવઠ ચોકડી પહોંચી ત્યારે જિલ્લાના ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમજ ગ્રામજનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા કાવઠ ચોકડીથી આગળ વધી કપડવંજ પહોંચી હતી. જ્યાં જૂની એપીએમસી ખાતે દેવુસિંહ દ્વારા જનસભા કરવામાં આવી હતી.

જે બાદ જન આશીર્વાદ યાત્રા ફાગવેલ પહોંચી હતી. ત્યાં પણ ભવ્ય જનસભા સંબોધવામાં આવી હતી. જે બાદ લાભપુરા થઈ યાત્રા ડાકોરમાં પહોંચી હતી. દેવુસિંહ ચૌહાણે ડાકોરના ઠાકોરના દર્શન કર્યા બાદ પુનિત સત્સંગ હોલ ખાતે જનસભા સંબોધી હતી. જે બાદ આ યાત્રા નડિયાદ તરફ આગળ વધી હતી. રસ્તામાં ઉમરેઠ, લીંગડા, પણસોરા, ચલાલી, અલીન્દ્રા, આડીનાર, સલુણ સહિતના ગામની સીમમાં થઈને આ યાત્રા નડિયાદ પહોંચી હતી. સાક્ષરભુમિ નડિયાદના આંગણે પહોંચેલી જન આશીર્વાદ યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.

બાઈક રેલી સાથે આ યાત્રા સંતરામ મંદિરે પહોંચી હતી. જ્યાં દર્શન કર્યા બાદ દેવુસિંહ ચૌહાણે ઈપ્કોવાલા હોલમાં સભા સંબોધી હતી. દેવુસિંહ ચૌહાણ મંત્રી બન્યા બાદ પહેલીવાર નડિયાદ આવતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે યાત્રા ઇન્ચાર્જ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફિયાએ જણાવ્યું હતું કે, પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સત્તા આજે ભાજપના હાથમાં છે. આ યાત્રાની ફલશ્રુતિ જોઈએ તો ગુજરાતમાં છ છ વાર ભાજપની સરકાર બની છે, કોંગ્રેસની એક આખી પેઢી પુરી થઈ ગઈ છે. આ જન આશીર્વાદ યાત્રાનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે ત્યારે તેઓને હું ચેલેન્જ કરું છું કે, આગામી ચૂંટણીમાં તલવારો લઈને નીકળી પડજો તમારી તલવારોને મ્યાન કરવા માટે અમારે જન આશીર્વાદ પૂરતા છે.

આમ આહલેક જગાવવાની સાથે ખેડા જિલ્લાની છ એ છ વિધાનસભા બેઠકો ઉપર ભાજપના ઉમેદવારને વિજયી બનાવવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પંચમહાલ સાંસદ રતનસિંહજી રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, દંડક પંકજભાઈ દેસાઇ, પ્રદેશ મંત્રી જ્હાન્વીબહેન વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબહેન પટેલ વગેરે મોટી સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યાં હતાં.  આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને ગાયત્રી પરિવાર દ્વારા આશીર્વાદ આપી સન્માન કરાયું હતું.

Most Popular

To Top