અરબી સમુદ્ર પરથી આવેલુ તૌકતે વાવાઝોડુ ગઈરાત્રે દિવ-ઉના વચ્ચે ત્રાટકયા બાદ તે ઉત્તર ગુજરા તરફથી રાજસ્થાન તરફ જાય તે પહેલા તેની અસર આગામી ૨૪ કલાક સુધી રહેશે, તેમ હવામાન વિભાગે ચેતવણી આપી છે.અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉતે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ તાઉતે વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘તાઉતે’ વાવાઝોડું અમરેલી અને બોટાદની ઉપરથી પસાર થઈને ઉત્તર ગુજરાત તરફ જઈ રહ્યું છે. કલાકના ૭ કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.
આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને ૪૦ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે.મોહંતીએ કહ્યું હતું કે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તેથી ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે.
આ વાવાઝોડું નબળું પડ્યું છે, પણ લોકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે અપીલ કરી હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી બાદ આગામી સ્થિતિ અંગે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે તેમજ ભારે વરસાદની સંભાવના ધરાવતા રાજ્યમાં જિલ્લાના વહીવટીતંત્રને સજાગ રહેવા સૂચના આપવામાં આવી છે.