નડિયાદ: મહેમદાવાદની યુવતીને માતા-પિતા વિરુદ્ધ કોર્ટમેરેજ કરવાનું મોંઘુ પડ્યુ છે. લગ્નના માત્ર મહિનાના ટુંકાગાળામાં જ પતિ, સાસુ, જેઠ, જેઠાણી અને નણંદે પ્રેમલગ્ન કરી આવેલી પરણિતાને એ હદે પ્રતાડીત કરી કે યુવતીએ ઘરની બહાર દૂધ લેવા જવાનું બહાનુ કાઢી પિયર પહોંચી ગઈ. આ સમગ્ર મામલે મહેમદાવાદની 22 વર્ષીય યુવતીએ માતા-પિતા વિરુદ્ધ જઈ ફેબ્રુઆરીમાં અમદાવાદ ખાતે કોર્ટ મેરેજ કર્યા હતા. તે તેણી માતા-પિતા સાથે રહેતી હોવા છતાં કૉર્ટ મેરેજની જાણ કરી નહોતી. બાદમાં મે મહિનામાં યુવતી ઘરેથી નીકળી ગઈ હતી અને પ્રેમલગ્ન કરેલા પતિ સાથે રાણીયા ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી.
જેઠને ગાંધીનગર જિલ્લામાં પોલીસ ખાતામાં નોકરી કરતા હોવાથી આ તમામ લોકો ગાંધીનગર પોલીસ લાઈનમાં રહેવા ગયા હતા. હજુ તે યુવતીને પ્રેમ લગ્નના કાગળીયાની સાહી પણ સુકાઈ ન હતી, ત્યાં સાસરીયાઓ દ્વારા તેને ઘરના કામકાજ બાબતે વાંક કાઢી ઝગડો કરતા હતા અને વાત આટલે ન અટકતા તેની સાથે હાથચાલાકી પણ કરતા હતા.
યુવતીને તેના જેઠ તથા જેઠાણી બંને મહેણા મારતા હતા અને કહેતા કે, અહીંયાથી જતા રહો. તું તારા બાપના ઘરેથી ભાગીને આવી છો, તારા બાપને કહે ઘર લાવી આપે. આ બાબતે તકરાર પણ થતી હતી.
જેથી પરિણીતાના પતિ સાસુ અને નણંદ તથા પરિણીતા આ તમામ લોકો ગાંધીનગર સેક્ટર 27માં ગાયત્રી સોસાયટીમાં મકાન ભાડેથી રાખી રહેવા ગયા હતા. જ્યાં પીડિતાના સાસુ અને નણંદ પીડીતાને એવું કહેતા હતા કે, આ બધું તારા લીધે જ થયું છે અને તારા લીધે જ અમારા બંને દીકરા જુદા પડી ગયા છે તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાન કરતા હતા. પતિ પણ પીડિતાને સહકાર ન આપતા અને બીજી બાજુ પીડીતાએ પોતાના માવતર વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હોવાથી પીડિતા હવે ન ઘરની કે ન ઘાટની હતી. અસહ્ય ત્રાસ આપતા અંતે પીડીતાએ સાસરીને ત્યજી દેવાનુ મનોમન નક્કી કરી દીધું હતું. ત્યારબાદ યુવતી ગઈકાલે સવારે દૂધ લેવા જવાનું બહાનુ કાઢી નીકળી હતી અને સીધી પોતાના પિયરમાં પહોંચી હતી. પોતાના માતા-પિતાને ઘટનાથી વાકેફ કરી સાસરીયાઓ સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.