હથોડા: (Hathoda) ગુરુવારે સાંજે મોટી નરોલી નજીક હાઇવે (Highway) પર ટેમ્પો, ઇનોવા કાર (Car) અને મોટરસાઇકલ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ચારેક જણાને સામાન્ય હજાર પહોંચી હતી અને કલાકો સુધી હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
- મોટી નરોલી નજીક ટેમ્પો, કાર, બાઈક વચ્ચે અકસ્માત, ચારને સામાન્ય ઇજા
- અકસ્માત થતાં કલાકો સુધી હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો
ઘટનાની વિગત એવી છે કે હાઈવે પરથી સાંજના સમયે પસાર થતી ઇનોવા કાર હાઇવે પરથી પસાર થતી હતી. ત્યારે એક પૂઠા ભરેલો ટેમ્પો મોટી નરોલી નજીક હાઇવે ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે ઇનોવા કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જ્યારે ટેમ્પોની પાછળ રહેલો બાઈકચાલક પણ ટેમ્પોમાં અથડાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં માંગરોળના સીમોદરા ગામના મોટરસાઇકલના ચાલકને બંને હોઠના ભાગે ઇજા થઈ હતી. જેથી તે લોહીલુહાણ થઈ ગયો હતો. જ્યારે ઇનોવા કાર દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી અને ટેમ્પો ઘટના સ્થળે પલટી ગયો હતો. જેના કારણે ટ્રાફિકજામ સર્જાતાં હાઇવે પરનો વાહનવ્યવહારને માઠી અસર પહોંચી હતી.
અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ નહીં પહોંચતાં અને હજી સુધી કોઈ ફરિયાદ દાખલ નહીં થતા ઇજાગ્રસ્તોનાં નામ જાણી શકાયાં નથી.