લવ એટ ફર્સ્ટ સાઇટ, ઊંડાણનો અભાવ, છીછરાપણું, માત્ર દેખાવ અને મોટર ગાડી, બંગલાના મોહના કળણમાં એવા ફસાય છે કે બહાર નીકળવું નામુમકીન બને છે. એરેન્જ મેરેજમાં બંને પક્ષનાં સ્નેહીઓ લેખાંજોખાં કરીને પરિપકવ નિર્ણય લે છે જયારે લવ મેરેજ માત્ર દૈહિક આકર્ષણ અને સંપત્તિના મોહમાં ઝુકાવે છે. જેને તરવાનો મોકો મળતો નથી તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઇ જાય છે. છુટાછેડાના કેસમાં સંતાનો માનસિક વિકૃતિના ભોગ બને છે. પોતાની સ્વતંત્ર વિચાર વિવેકમાં પરિપકવતા હોતી નથી.
સુરત – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સુખ પલાઠી વાળી બેસતું નથી
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બે વચ્ચે મોટું અંતર જોવા મળે છે. જાત-જાતની વાતો, સમાચારો, વ્હેમ, વાવાઝોડાની જેમ અસ્તિત્વમાં હાજરા હજુર સમાજમાં થઈ જાય. પાણીની બાટલીમાં ફૂંક મારી તે પાણીનું આચમન કરવાથી ભલભલા રોગો ગાયબ થઈ જાય. એવું એક વાવાઝોડુ ગતસદીમાં ફૂંકાયેલુ. પ્રમુખનો હોદ્દો ધરાવતા શહેરના જવાબદાર વ્યક્તિ પણ એ પ્રવાહમાં ખેંચાયેલા. 21મી સદીમાં એ બધું ક્યાં ગયું? ટીખણખોરો કહેતા વરાછાની પાણીની ટાંકીઓમાં જ આ પ્રયોગ કરાવો આખું શહેર નીરોગો બનશે? કરામતી ભૂવા-સંતોનો ભૂતકાળ વ્યભિચાર સાબિત થયાં છે અપવાદ નીકળે. હાલમાં ઉદભવેલ વાવાઝોડું તેની ઊપયોગીતા સમાજને મુશ્કેલીમાંથી ઊગારવાનો કિમિયો કેટલો સફળ થશે તે તો આવનાર સમય જ કહેશે. પ્રજા શ્રદ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે ઝોલા વર્ષોથી ખાતી આવી છે. કવિ સુરેશ દલાલ નોંધે છે. ‘‘સુખ ક્યાંય પલાંઠી વાળીને બેસતું નથી. આજે આવ્યું અને કહ્યા વગર કાલે જતું રહે, એવું એ ચંચળ છે.’’
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પર્યાવરણ ફ્રેન્ડલી ચીજો
છેલ્લા ઘણા સમયથી દરેક ઘરમાં પ્લાસ્ટિકનાં સાધનોનો વપરાશ થઈ રહ્યો છે. જે સાધનોની જાણ સૌને હોવાથી આ સાધનોનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. પરંતુ પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાનકારક હોવાથી તેના અંકુશ માટે પગલાં લેવાની જરૂર છે, જે લેવામાં આવતાં નથી. આજે પર્યાવરણની જાળવણી કરે તેવી ભૂતકાળમાં વપરાતી અસંખ્ય ચીજો વાપરી શકાય તેમ છે. દા.ત. વાંસની સળીઓના ટોપલા ટોપલી, ખાખરાના પાનની પતરાળી અને કટોરા, નેતરનું ફર્નિચર, સુતરાઉ અને કાથીના દોરડા, પલંગની સુતરાઉ પાટી, વિગેરે. વળી વાસણની સફાઈ માટે હાલમાં લોખંડના વાયરનું ગૂંચળું વપરાય છે તેને બદલે નાળિયેરના કૂચા વાપરી શકાય. આ બધી ચીજોનો વપરાશ પ્રચલિત કરવા માટે જાગૃતિ લાવવા શાળા કોલેજોમાં નિબંધ અને વકૃતત્વ સ્પર્ધા યોજી શકાય અને લોકજાગૃતિ લાવવા માટે લોકોના સમૂહમાં નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનો યોજવાં જોઈએ. આ કાર્યક્રમ વર્ષમાં એક બે વાર નહિ પરંતુ અવારનવાર યોજવા જોઈએ.
સુરત – વિ.કે. માદલિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.