ભાજપ ભલે વિકાસની વાતો કરે, એજન્ડા તો હિન્દુત્વનો જ લઈને ચાલે છે. ભાજપનો જેના કારણે ઉદય થયો એ વખતે હિન્દુત્વનો મુદ્દો જેટલો ગાજતો નહોતો તેનાંથી અનેકગણા મોટા અવાજે આજે હિન્દુત્વ ભાજપના મોઢે ગાજે છે. મોદી ભલે વિકાસની વાતો કરે પણ પક્ષને હિન્દુત્વ વિના ચાલે તેમ નથી. એવી જ રીતે ભાજપે હિંદુત્વની ઈમેજ બરકરાર રાખવી હોય તો યોગી આદિત્યનાથ વિના ચાલે તેમ નથી! ભગવા કપડાનો આ મુખ્ય મંત્રી આજે ભાજપની મજબૂરી બની ગયા છે, એવું કહીએ તો એ અતિરેક નથી. યોગીની સત્તા આવ્યા પછી ઉત્તર પ્રદેશનું રીતસર ભગવાકરણ થયું છે. ઉત્તરપ્રદેશમાં દરેક સ્થળો પર ધર્મ વસેલો છે. પોલીસ સ્ટેશનોમાં નાનાં મંદિરો બનાવવામાં આવ્યાં છે. ગોરખપુરની જિલ્લા અદાલતમાં વકીલો દર મંગળવારે હનુમાન ચાલીસા વાંચે છે. યોગી આદિત્યનાથનું ધાર્મિક વર્ચસ્વ અને કટ્ટરપંથી હિંદુત્વની રાજનીતિ તેમના વહીવટમાં સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત ગેરકાયદેસર કતલખાનાંઓનું લોકડાઉન હોય, એન્ટિ રોમિયો સ્કવોડ જેવી નીતિઓ હોય, લગ્ન માટે ધર્મ પરિવર્તનના કાયદા હોય કે પછી તેમનાં ભાષણો, નિવેદનોમાં ધાર્મિક અને રાજકીય સત્તાનો એકાકાર થતો દરેક જગ્યાએ જોવા મળે છે.
ભાજપ હિન્દુત્વનું એપી સેન્ટર બની ગયું છે ઉત્તર પ્રદેશ અને UPનું એપી સેન્ટર અયોધ્યા, મથુરા નહીં પણ ગોરખપુર છે. આવું કેમ થયું? શું નાતો છે – યોગી, રાજકારણ, ગોરખપુર અને હિન્દુત્વનો? આ જાણવા માટે પહેલાં આપણે ગોરખપુરનો ઇતિહાસ ખંગોળવો પડશે. જો ઇતિહાસ તપાસો તો એવું કહેવાય છે કે, નાથ સંપ્રદાયમાં હિંદુ અને મુસ્લિમ વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં નથી આવતો અને મૂર્તિપૂજા નથી થતી. એકેશ્વરવાદી નાથ સંપ્રદાય અદ્વૈત ફિલસૂફીમાં માને છે, જે મુજબ ભગવાન એક છે અને તેનો એક અંશ તમામ જીવોમાં છે, તેઓ આત્મા અને પરમાત્માને અલગથી માનતા નથી.
મુઘલ શાસક જહાંગીરના સમયમાં એક કવિએ લખેલી ‘ચિત્રાવલી’માં ગોરખપુરનો ઉલ્લેખ છે. 16મી સદીની આ રચનામાં ગોરખપુરને યોગીઓનો ‘ભલો દેશ’ તરીકે વર્ણવવામાં આવ્યો છે. હાલના ગોરખનાથ મંદિરની બહાર એક વાક્ય કોતરવામાં આવેલ છે – ‘હિંદુ ધીવે દેહુરા, મુસ્લિમ મસીત/જોગી ધીવે પરમ પદ, જહાં દેહુરા ના મસીત.’ આનો શાસ્ત્રો પ્રમાણે મતલબ એવો કરવામાં આવે છે કે – હિંદુઓ મંદિરનું ધ્યાન અને મુસ્લિમો મસ્જિદનું ધ્યાન કરે છે, પરંતુ યોગીઓ તે પરમ પદ (પરમ બ્રહ્મ, એકેશ્વર)નું ધ્યાન કરે છે, જેને તેઓ મંદિર કે મસ્જિદમાં શોધતા નથી. ગોરખપુરના સ્થાનિકો મુજબ એવું કહેવાય છે કે મહંત દિગ્વિજય નાથના સમયમાં આ પીઠનું સનાતનીકરણ શરૂ થયું, મૂર્તિપૂજા શરૂ થઈ અને રાજનીતિકરણ પણ શરૂ થયું હતું.
હવે આ ઇતિહાસને યોગી આદિત્યનાથના જીવન સાથે જોડવામાં આવે તો આપણને આખો મામલો સમજાઈ જશે. ‘યદા યદા હી યોગી’ નામના યોગી આદિત્યનાથના જીવનચરિત્રમાં લખવામાં આવ્યું છે કે, 1972માં ગઢવાલના એક ગામમાં જન્મેલા અજય મોહન બિષ્ટ શરૂઆતથી જ રાજકારણ તરફ ઝુકેલા હતા. અજય બિષ્ટ કૉલેજના દિવસોમાં એકદમ ફેશનેબલ હતા! ટાઈટ કપડાં અને આંખો પર કાળા ગોગલ્સ પહેરતા હતા. 1994માં દીક્ષા લીધા બાદ તેઓ આદિત્યનાથ યોગી બન્યા હતા. બાળપણથી જ શાખાઓમાં જતાં અજય બિષ્ટ કોલેજમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડવા માગતા હતા. જો કે, RSS સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તેમને ટિકિટ આપી ન હતી. તેઓ સ્વતંત્ર તરીકે લડ્યા પણ હારી ગયા હતા. અજય બિષ્ટે શ્રીનગર, ગઢવાલ સ્થિત હેમવતી નંદન બહુગુણા યુનિવર્સિટીમાંથી B.Sc કર્યું હતું. જાન્યુઆરી 1992માં બિષ્ટના રૂમમાં ચોરી થઈ હતી, જેમાં M.Sc.માં એડમિશન માટે તેમના જરૂરી દસ્તાવેજો ચોરાઈ ગયા હતા. બિષ્ટ M.Sc.માં એડમિશન બાબતે મદદ માટે પહેલી વાર મહંત અવૈદ્યનાથને મળ્યા હતા અને બે વર્ષમાં જ તેમણે દીક્ષા લઈ લીધી હતી. યોગી છેવટે તેમના જ ઉત્તરાધિકારી પણ બન્યા હતા.
દીક્ષા લીધા પછી આદિત્યનાથ યોગીએ સત્તાવાર દસ્તાવેજોમાં પિતાના નામની કોલમમાં આનંદ બિષ્ટની જગ્યાએ મહંત અવૈદ્યનાથનું નામ લખવાનું શરૂ કર્યું હતું. મહંત અવૈદ્યનાથ ત્યારે રામ મંદિર આંદોલનનો મુખ્ય ચહેરો હતા. તેઓ ગોરખપુરથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા હતા અને ગોરખનાથ મંદિરના મહંત હતા. ગોરખનાથ મંદિર અને સત્તા વચ્ચેનો સંબંધ વર્ષો જૂનો છે. મહંત અવૈદ્યનાથ પહેલાં મહંત દિગ્વિજય નાથે તેને રાજકારણનું મહત્ત્વનું કેન્દ્ર બનાવ્યું હતું. તેઓ પણ ગોરખપુરથી સાંસદ ચૂંટાયા હતા.
યોગીની રાજકીય સફર તપાસીએ તો દરેક જગ્યાએ હિન્દુત્વની છબિ ઉપસતી દેખાશે. વર્ષ 2018માં તેમણે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કહ્યું હતું કે, ‘‘હું હિન્દુ છું, તેથી હું ઈદ નથી ઉજવતો, તેનો મને ગર્વ છે.’’ 2021માં એક જાહેર સભામાં તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે, ‘‘વર્ષ 2017 પહેલાં અબ્બા જાન કહેનારાઓ રાશન પચાવી લેતા હતા.’’ એટલું જ નહીં આ પહેલાં વર્ષ 2020માં ઉત્તર પ્રદેશની જૌનપુર પેટાચૂંટણીની સભામાં તેમણે કહ્યું હતું કે, ‘‘જો લવ-જેહાદના લોકો નહીં સુધરે તો રામ નામ સત્ય હૈની યાત્રા શરૂ થવાની છે.’’ તેમના શાસનમાં આંતર-ધાર્મિક લગ્નોનો વિરોધ ઉગ્ર બન્યો છે, જેને ‘લવ-જેહાદ’ કહેવામાં આવે છે. આ શબ્દનો ઉપયોગ એક કથિત ષડયંત્ર માટે કરવામાં આવે છે, જેના હેઠળ હિંદુ મહિલાઓને લગ્ન દ્વારા ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું કહેવામાં આવે છે.
હજુ આગળ જુઓ – નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)નો વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે યોગી સરકારે કેટલાક વિરોધીઓને ‘સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે દોષિત’ ગણાવ્યા હતા અને રાજધાની લખનઉમાં તેમનાં નામ, સરનામાં અને તસવીરો સાથેના પોસ્ટર્સ ભરબજારે લગાવ્યા હતા. સરકારનાં આવાં પગલાંથી હડકંપ મચી ગયો હતો કારણ કે તેમાંના ઘણા વૃદ્ધ માનવાધિકાર કાર્યકરો અને નિવૃત્ત અધિકારીઓ પણ હતા. મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને અલ્હાબાદ હાઈકોર્ટે તેને ‘ગોપનીયતાનું ઉલ્લંઘન’ ગણાવીને પોસ્ટરો ઉતારી લેવાના આદેશ આપ્યા હતા. જો કે, એ પછી પણ પોસ્ટરો ફરીથી લગાવવામાં આવ્યા હતા.
મોદી અને અમિત શાહ પછી યોગી એકમાત્ર એવા નેતા છે, જેમણે દેશના લગભગ દરેક ભાગમાં ભાજપ માટે પ્રચાર કર્યો છે. વર્ષ 2019માં લોકસભા ચૂંટણીના પ્રચારમાં અને તે પહેલા મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમણે કહ્યું હતું કે, કમલનાથજી, તમારા માટે અતિ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે પરંતુ અમારા માટે બજરંગ બલી જ સર્વસ્વ છે. અજય બિષ્ટની રાજકીય સફર આમ તો 1994માં તેમણે મહંત અવૈદ્યનાથ પાસેથી દીક્ષા લઈને યોગી આદિત્યનાથની ઓળખ અપનાવી ત્યારે જ શરૂ થઈ ચૂકી હતી. આ પછી તેમનું આગામી સંસદીય ચૂંટણી લડવાનું લગભગ નિશ્ચિત હતું. જો કે, પાંચ વર્ષ બાદ 26 વર્ષની ઉંમરે તેઓ ગોરખપુરથી સાંસદ તરીકે ચૂંટાયા અને મહંત અવૈદ્યનાથની રાજકીય ગાદી સંભાળી લીધી હતી.
વિસ્તારથી જોઈએ તો – 1999માં સમાજવાદી પાર્ટીના સભ્ય તલત અઝીઝ ‘જેલ ભરો આંદોલન’ના ભાગરૂપે ભાષણ આપી રહ્યા હતા ત્યારે કેટલાક બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. પાછળથી એવું કહેવાયું હતું કે, આ ફાયરિંગ આદિત્યનાથના કહેવાથી કરાયું હતું! વર્ષ 2002માં રામનવમીના દિવસે યોગીએ એક સામાજિક, સાંસ્કૃતિક અને યુવા લોકોનું રાષ્ટ્રવાદી જૂથ હિન્દુ યુવા વાહિનીની સ્થાપના કરી હતી. જાણકારોનું કહેવું છે કે, એ વખતે તેમણે નક્કી કર્યું હતું કે તેમને ભાજપથી અલગ આધારની જરૂર છે અને તેમણે હિન્દુ યુવા વાહિનીની રચના કરી હતી, જે કહેવા માટે એક સાંસ્કૃતિક સંગઠન હતું, પરંતુ હકીકતમાં તેમની પોતાની સેના હતી. ત્યાર પછી વર્ષ 2005માં ઈટામાં 5,000થી વધુ લોકોએ એક સાથે હિંદુ ધર્મ અપનાવ્યો હતો. એવું કહેવાય છે કે, યોગીએ કથિત રીતે ત્યારે કહ્યું હતું કે, જ્યાં સુધી હું UP અને ભારતને હિંદુ રાષ્ટ્ર નહીં બનાવું ત્યાં સુધી રોકાઈશ નહીં.
આ વખતે પહેલી વાર નથી કે, ભાજપ અને યોગીના સંબંધો બરાબર ચાલી રહ્યા નથી, 2002 અને 2007ના UP ઇલેકશન વખતે પણ તેમની અને ભાજપ વચ્ચેના સંબંધો વણસેલા રહ્યા હતા. 2002 અને 2007 બંને ચૂંટણીઓમાં ભાજપ અને આદિત્યનાથ વચ્ચે પસંદ કરાયેલા ઉમેદવારોને લઈને વિવાદ થયો હતો. એ વખતે RSSએ દરમિયાનગીરી કરવી પડી હતી. પૂર્વી ઉત્તર પ્રદેશમાં તેઓ વારંવાર વાહિની લોકોને ધારાસભ્યની ટિકિટ આપવામાં આવે એ માટે આગ્રહ રાખતા હતા અને ભાજપ સહમત ન થાય તો તેઓ તેમના ઉમેદવારની સામે વાહિનીના ઉમેદવારને મેદાનમાં ઉતારવાનું પગલું ભરતા હતા. અલબત્ત, વિવાદો અને યોગી એક સિક્કાની બે બાજુ કહી શકાય. 2007માં ગોરખપુરમાં ફાટી નીકળેલાં રમખાણોમાં માર્યા ગયેલા હિન્દુ યુવાનો માટે ટોર્ચલાઇટ સરઘસ અને ‘શ્રદ્ધાંજલિ સભા’ની જાહેરાત યોગીએ કરી હતી.
સ્થાનિક DMએ યોગીને આવી સભાનું આયોજન કરવાની મનાઈ કરી હતી પરંતુ તેઓ માન્યા નહોતા અને પ્રથમ વખત જેલ ભેગા થવું પડ્યું હતું. આદિત્યનાથ ભાજપના કેટલાક એવા સાંસદોમાંના એક હતા જેમણે મહિલા અનામત બિલ પર પક્ષના વ્હીપનું પાલન કર્યું ન હતું, આ ઘટના વર્ષ 2010ની છે. જો કે, યોગીનો અસલ ચહેરો 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની અભૂતપૂર્વ જીત બાદ તેમને વિધાનસભા પેટાચૂંટણી માટે સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા ત્યારે બહાર આવ્યો હતો. તેમણે લવ જેહાદ અને ધાર્મિક ધર્માંતરણ જેવા મુદ્દા ઉઠાવ્યા હતા! અહીં થયું એવું કે, તેનાથી પક્ષને કોઈ ફાયદો ન થયો પણ યોગી હિન્દુત્વનો ચહેરો દેશભરમાં બની ગયા હતા. એ વખતે ભાજપે મોટાભાગની બેઠકો ગુમાવી હતી. સપ્ટેમ્બર, 2014માં તેમના આધ્યાત્મિક ‘પિતા’ મહંત અવૈદ્યનાથના નિધન પછી તેઓ ગોરખપુરના હિંદુ મંદિર, ગોરખનાથ મઠના મહંત (મુખ્ય પૂજારી) બન્યા હતા.
એ પછી તેઓ લો-પ્રોફાઈલ રહેતા હતા. UP વિધાનસભા ચૂંટણી 2017 માટે ફરી એક વખત ભાજપે આદિત્યનાથને સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમણે રાજ્યભરમાં 150થી વધુ રેલીઓ યોજી તહેલકો મચાવી દીધો હતો. તેણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો વ્યાપકપણે પ્રસાર કર્યો અને ‘લવ જેહાદ’ને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. રાજકીય જાણકારો કહે છે – મુખ્ય પ્રધાન બનવાની સાથે-સાથે અનેક મોટા નિર્ણયો લેતા યોગીની છબિ એક કઠોર પ્રશાસકની બની હતી. તેમને હાર્ડ ટાસ્ક માસ્ટર માનવામાં આવે છે, UPમાં આજે સરકારી નોકરિયાત સમજે છે કે તેમના અનુસાર કામ કરવું પડશે, નહીં તો ટકી શકાશે નહીં. ઉત્તર પ્રદેશમાં યોગીનું વર્ચસ્વ આજે મોદી કરતાં વધારે છે, એવું કહી શકાય.