ભક્તિ, જ્ઞાન અને કર્મનો સુમેળ જીવનમાં થાય તો જીવન સાર્થક બની જાય. જગવિખ્યાત મહાન હિતચિંતક તત્ત્વજ્ઞાની બર્ટ્રાન્ડ રસેલ તેમજ મહાન પત્રકાર સિડની ફ્રેડસે સમયાંતરે કહેલું છે કે વિશ્વમાં જેટલાં યુધ્ધો લડાયાં હશે અને જેટલાં મૃત્યુ થયાં હશે તેના કરતાં વધારે માનવસંહાર ધર્મને કારણે થયેલી નાની મોટી લડાઇઓ તથા ધર્મ યુધ્ધો (ફ્રુઝેડસ)ને કારણે થયો હશે. યુરોપમાં હોબ્સ, લોક અને રૂસોની ક્રાંતિકારી કલમોએ રેનેસાં-ધાર્મિક ક્રાંતિ આણેલી. એમ.ટી.બી. કોલેજના અદ્દભુત વકતા-પ્રોફેસર ડો. આર.આઇ. પટેલે War and Peace ના વ્યાખ્યાનમાં સોનેરી સલાહ આપતાં કહેલું કે માનવી પોતાના મનમંદિર તેમજ હ્યદયમંદિરને બાળક જેવું પવિત્ર રાખે તો તેને મંદિરના પગથિયાં ચડવાની જરૂર પડતી નથી.
ડો. બી.એ. પરીખ Psychology of Religion બાબતે ખૂબ સરસ સમજાવતા કે ‘ધર્મનો રસ્તો ગાડરિયા પ્રવાહ જેવો હોય છે. એક ઘેટાંની પાછળ પાછળ સેંકડો ઘેટાં ચાલી જતાં હોય છે. આપણે જેલનાં કેદીઓની માફક ‘ધાર્મિક વાડાઓ’માં વસી કે શ્વસી રહ્યાં છીએ?! ગુણવંત શાહ કહે છે તેમ હિન્દુ હોનેકા હમેં ગર્વ હૈ એમ કહેનારના ઘરમાં સસ્તા સાહિત્યની આઠ આનાની ગીતા પણ નથી હોતી. આશ્રમો, મંદિરોનો ભૌતિક કચરો અને વૈભવ કોણ સાફ કરશે ? કયારે ? ચીન, રશિયા અને અમેરિકા ઓલિમ્પિકમાં સેંકડો સુવર્ણચંદ્રકો મેળવી જાય છે. જયારે આપણા ખેલાડીને કાંસ્યચંદ્રક મેળવતાં પસીનો છૂટી જાય છે! શાબાશ ! ધર્મો રક્ષતિ રક્ષિત: સાચો ધાર્મિક સૂર્યોદય આપણા દેશ માટે દિવાસ્વપ્ન સમાન જ ગણાય ને.
ચીખલી – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પડકારને પડકારો
જીવન -સફરની રેખા કદી સુરેખ ન હોઈ શકે; કારણ કે સુરેખા તો મૃત્યુની નિશાની છે. જિંદગી પળે પળે પડકારો લઈ માનવી સમક્ષ પ્રગટ થતી રહે છે. કેટલીક વ્યક્તિ પરિસ્થિતિઓ આગળ ઘૂંટણ ટેકવી; સ્વયંને નબળા માની; હાર સ્વીકારી મૃત બની જીવનને સ્થગિત બનાવી દે છે; જ્યારે જીવંતતાને ઇચ્છતા માનવો સદાય પડકારોને હસતા મુખે પડકારતા રહી જીવનને ગતિશીલ બનાવે છે ! ખરું ને?
સુરત – દિપ્તી ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.