Comments

ત્યાગીનાં રાજીનામાંથી નીતીશ કુમાર મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે?

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર મોટી કટોકટીનો સામનો કરી રહ્યા છે. જનતા દળ યુનાઈટેડ (JDU)ના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ રાજીવ રંજનને આ જવાબદારી સોંપવામાં આવી છે. કે.સી. ત્યાગીએ હંમેશા નીતીશ કુમાર અને જેડીયુ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પક્ષમાં કોઈ પણ નેતા શાસન કરે તો પણ ત્યાગી હંમેશા મુખ્ય ટીમનો ભાગ રહ્યા છે.

તેમનાં રાજીનામાં પાછળ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે દિલ્હીમાં રહીને દરેક મુદ્દા પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપવો કે.સી. ત્યાગી માટે ઉપાધિરૂપ સાબિત થયો છે. કે.સી. ત્યાગીનાં નિવેદનો ઇન્ડિયા ગઠબંધન તરફી જણાતા હતાં. તેમનાં નિવેદનોથી એવું લાગી રહ્યું હતું કે કેન્દ્રમાં અને બિહારમાં સંયુક્ત રીતે સરકાર ચલાવી રહેલા JDU અને BJPના અલગ અલગ વિચારો છે, જેનાથી ભાજપ નારાજ હતો. ભાજપે ઘણી વખત સાથી પક્ષોને સંકલન જાળવવા ઈશારો કર્યો હતો.

તાજેતરમાં જ આ સંબંધમાં જેડીયુ પાર્ટીના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીઓ લલન સિંહ અને સંજય ઝાએ કે.સી. ત્યાગી સાથે મુલાકાત કરી હતી અને તેમને રાષ્ટ્રીય પ્રવક્તાનું પદ છોડવા કહ્યું હતું. કોઈ નેતા ગઠબંધનમાં જોડાયા પછી પણ પોતાની જૂની વિચારણા છોડવા તૈયાર ન થાય ત્યારે મૂંઝવણ પેદા થતી હોય છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે કે.સી. ત્યાગીએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિ હોય, યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી હોય, એસસી-એસટી આરક્ષણ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય હોય તેવા ઘણા મુદ્દાઓ પર જેડીયુની પાર્ટી લાઇનથી અલગ નિવેદનો આપ્યા હતા, જેનાથી પક્ષની છબીને નુકસાન થયું હતું. તાજેતરમાં કે.સી. ત્યાગીએ ઈઝરાયેલને હથિયારોની સપ્લાય રોકવાના મુદ્દે વિપક્ષી પાર્ટીઓનાં નિવેદનને સમર્થન આપ્યું હતું. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારે ઈઝરાયેલને શસ્ત્રો અને દારૂગોળાની સપ્લાય બંધ કરી દેવી જોઈએ. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલો આ ક્રૂર હુમલો માત્ર માનવતાનું અપમાન નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા, ન્યાય અને શાંતિના સિદ્ધાંતોનું પણ ઘોર ઉલ્લંઘન છે.

કે.સી. ત્યાગી એક પીઢ જેડીયુ નેતા હતા. તેમને મે, ૨૦૨૩ માં રાષ્ટ્રીય પ્રવક્તા તેમજ વિશેષ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂક અંગે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ત્યાગીના સંગઠનાત્મક અનુભવનો લાભ લેવા માટે બિહારના મુખ્ય મંત્રી અને પાર્ટીના વડા નીતિશ કુમારે તેમને પાર્ટીના વિશેષ સલાહકાર અને મુખ્ય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. હવે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે કે.સી. ત્યાગીએ અચાનક રાજીનામું કેમ આપ્યું?

આ બાબતમાં અફવા એવી પણ ચાલી રહી છે કે કે.સી. ત્યાગી બિહારના મંત્રી અશોક ચૌધરીના ભૂમિહાર પરના નિવેદનથી નારાજ હતા. આખરે તેમણે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તાનું પદ છોડી દીધું છે. હાલ આ માત્ર અફવા છે. આ વાતની કોઈએ પુષ્ટિ કરી નથી. પાર્ટીના જનરલ સેક્રેટરી અફાક અહેમદ ખાને રાજીનામાં અંગે પત્ર જારી કર્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કે.સી. ત્યાગીના સ્થાને રાજીવ રંજન પ્રસાદ હવે JDUના રાષ્ટ્રીય પ્રવક્તા પદની જવાબદારી સંભાળશે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અનેક મોરચે વિવાદોનો સામનો કરી રહ્યા છે.

તાજેતરમાં નીતીશ કુમાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ જહાનાબાદમાં ભૂમિહારોને નિશાન બનાવીને વિવાદનો મધપૂડો છંછેડી દીધો હતો. તેમને બહુ ઓછી ખબર હતી કે તેમનું આ નિવેદન તેમને તેમના જ પક્ષમાં ખરાબ રીતે ફસાવી દેશે. ખાસ કરીને જ્યારે તે જ સમુદાયના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય અનંત સિંહ તાજેતરમાં નીતીશ કુમારને મળ્યા હતા. અશોક ચૌધરીએ લોકસભા ચૂંટણીમાં JDU ઉમેદવારની હાર માટે ભૂમિહારોને જવાબદાર ઠેરવ્યા હતા. અશોક ચૌધરીએ તો ભૂમિહારોને ખુલ્લેઆમ ચેતવણી પણ આપી હતી કે જો તેઓ JDUને સમર્થન નહીં આપે તો તેમના સમાજને વિધાનસભાની ટિકિટ પણ નહીં મળે. પરંતુ હવે જેડીયુના શક્તિશાળી એમએલસી અને તે જ સમુદાયમાંથી આવતા એક નેતાએ તેમને અરીસો બતાવ્યો છે.

JDUની અંદર અશોક ચૌધરી વિરુદ્ધ જબરદસ્ત ગુસ્સો ફેલાઈ રહ્યો છે. આ સંદર્ભમાં પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને MLC નીરજ કુમારે અશોક ચૌધરીના નિવેદનની નિંદા કરી છે. તેમણે કહ્યું કે અશોક ચૌધરીનું નિવેદન પાર્ટી લાઇનની વિરુદ્ધ છે. નીરજ કુમારે કહ્યું કે જેડીયુમાં ટિકિટ જાતિના આધારે નહીં પરંતુ યોગ્યતાના આધારે આપવામાં આવે છે. વાસ્તવમાં જહાનાબાદથી જેડીયુના ઉમેદવાર ચંડેશ્વર ચંદ્રવંશીની હાર બાદ અશોક ચૌધરીએ ત્યાંના ભૂમિહારોને ફટકાર લગાવી હતી. અશોક ચૌધરીના નિવેદનની નિંદા કરતા JDUના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે અશોક ચૌધરી પોતે લોકસભા ચૂંટણીમાં કટિહાર બેઠકના પ્રભારી હતા અને JDU ત્યાં પણ હારી ગયું હતું.

નીરજ કુમારે તો ત્યાં સુધી કહ્યું કે જેડીયુની રચનામાં અશોક ચૌધરીની કોઈ ભૂમિકા નથી. ભૂમિહાર સમાજમાં અશોક ચૌધરી સામે ઉગ્ર રોષ છે. પાલીગંજના મૌરી ગામના ભૂમિહાર સમાજના ખેડૂત સુભાષ શર્માએ કહ્યું કે અશોક ચૌધરી કેમ ભૂલી જાય છે કે તેમણે કોંગ્રેસ છોડીને JDUમાં પ્રવેશ મેળવ્યો હતો. જો ભૂમિહારોની વાત કરીએ તો આ સમાજના લોકોએ સરકાર પાસેથી જેટલા લાભ લીધા છે, તેના કરતા વધુ સમાજને ખુલ્લેઆમ આપ્યું છે. પછી એ શૈક્ષણિક સંસ્થાઓ હોય કે શહીદો હોય કે કવિઓ હોય. અશોક ચૌધરીએ આવી વાતો કરીને પોતાની માનસિકતા છતી કરી છે. શું તે બિહારને ૧૯૯૦ના દાયકામાં ધકેલી દેવા માંગે છે?

કે.સી. ત્યાગી દ્વારા રાજીનામાનું કારણ અંગત હોવાનું જણાવાયું છે, પરંતુ રાજકીય વર્તુળોમાં તેની પાછળ કેટલાંક અન્ય કારણો જણાવવામાં આવી રહ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે જેડીયુ પાર્ટીમાં તેમની ઉપેક્ષા કરવામાં આવી રહી હતી, જ્યારે કેટલાકનું માનવું છે કે તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે. કે.સી. ત્યાગીનો JDU સાથે જૂનો અને મજબૂત સંબંધ છે. તેઓ નીતીશ કુમારના નજીકના નેતાઓમાંના એક રહ્યા છે. આર.સી.પી. સિંહ જ્યારે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે પણ ત્યાગી નીતીશ કુમારની પડખે ઉભા રહ્યા હતા.

જો કે, તે દરમિયાન આર.સી.પી. સિંહની ભાજપ સાથેની નિકટતા અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી. એ જ રીતે લાલન સિંહ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે પણ કે.સી. ત્યાગીએ નીતીશ કુમારનો સાથ છોડ્યો ન હતો. તે સમયે લાલન સિંહની આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથેની નિકટતાની ચર્ચાઓ ચાલી રહી હતી. આ બધું હોવા છતાં નીતીશ કુમારે કે.સી. ત્યાગી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમને પોતાના ખાસ સલાહકાર અને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા હતા. જો કે, રાજકીય વર્તુળોમાં એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું કે.સી. ત્યાગીને પાર્ટીમાં તેમના કદ પ્રમાણે સન્માન મળ્યું? ઉપેન્દ્ર કુશવાહાએ JDU છોડ્યા પછી શું ત્યાગીની પાર્ટીમાં અવગણના થવા લાગી? જેડીયુના આંતરિક વર્તુળમાં પણ આ સવાલો ઉઠી રહ્યા છે.

એવી પણ ચર્ચા છે કે કે.સી. ત્યાગી સમાજવાદી પાર્ટીમાં જોડાઈ શકે છે. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં અખિલેશ યાદવનું કદ વધ્યું છે અને યાદવો સિવાય તેઓ અન્ય પછાત જાતિઓને પણ પોતાની સાથે લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સમાજવાદી પાર્ટીએ ત્યાગીને કોઈ પ્રસ્તાવ આપ્યો હશે. તેમણે વિચાર્યું હશે કે ૧૨ સાંસદો સાથે JDUમાં ઉપેક્ષિત થવાને બદલે ૩૮ સાંસદો સાથે સમાજવાદી પાર્ટીના પ્રભાવશાળી રાજકારણમાં જોડાવું વધુ સારું છે. આ પહેલા પણ કે.સી. ત્યાગી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રહી ચૂક્યા છે. ૧૯૮૯માં તેઓ જનતા દળની ટિકિટ પર લોકસભાના સભ્ય પણ રહ્યા હતા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top