બોલિવૂડની ફિલ્મો માટે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવાનું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે હોલિવૂડ અને દક્ષિણની ફિલ્મો પહેલી પસંદ બની રહી છે. કન્નડની હિન્દી ડબ ફિલ્મ ‘કાંતારા’ એ આયુષ્માનની ‘ડૉકટર G’ કરતાં વધુ કમાણી કરી બતાવી છે ત્યારે હોલિવૂડની એક્શન ડ્રામા ફિલ્મ ‘બ્લેક એડમ’ નું હિન્દી ડબ વર્સન પણ અનેક હિન્દી ફિલ્મોને પછાડી રહ્યું છે. આયુષ્માનની ‘ડૉકટર G’ ને પહેલા અઠવાડિયે રૂ.15 કરોડની કમાણી થઇ છે. મોટા બજેટવાળી હિન્દી ફિલ્મો વધારેમાં વધારે 2 અઠવાડિયા બોક્સ ઓફિસ પર ટકી શકે છે ત્યારે નાના બજેટની અને કોઇ સ્ટારકાસ્ટ વગરની અભિનેતા- નિર્દેશક રિશભ શેટ્ટીની ‘કાંતારા’ ચોથા સપ્તાહમાં સફળતાપૂર્વક ચાલી રહી છે.
પહેલા દિવસે રૂ. 2 કરોડ મેળવનારી ‘કાંતારા’ એ ત્રીજા શુક્રવારે રૂ.6 કરોડ મેળવ્યા હતા. રૂ.20 કરોડની ફિલ્મ રૂ.200 કરોડની કમાણી કરી ચૂકી છે. મોટી સ્ટારકાસ્ટવાળી ‘બ્રહ્માસ્ત્ર’ એ આટલી કમાણી કરી ત્યારે નિર્માતાએ મીર માર્યો હોય એટલી ખુશી વ્યક્ત કરી હતી. ‘સીતારામમ’ પછી દક્ષિણની આ બીજી ફિલ્મ છે જેણે માત્ર વર્ડ ઓફ માઉથથી લોકોને થિયેટરમાં જવા મજબૂર કર્યા છે. IMDB પર ‘RRR’ અને ‘KGF 2’ ને પાછળ રાખીને ફિલ્મએ 10 માંથી સૌથી વધુ 9.5 રેટિંગ મેળવ્યું છે. વારંવાર એવું સાબિત થઇ રહ્યું છે કે બોલિવૂડને બદલે દક્ષિણની અને હોલિવૂડની ફિલ્મોના ચાહકોની સંખ્યા વધી ગઇ છે. એવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે કે બોલિવૂડ માટે હોલિવૂડ અને દક્ષિણનો સામનો કરવાનું મુશ્કેલ બની રહ્યું છે.
બોલિવૂડ દક્ષિણની ફિલ્મોથી એટલું ડરેલું છે કે હિન્દી ફિલ્મોના કોઇપણ કલાકાર- કસબીએ હજુ સુધી આ ફિલ્મ વિશે વાત કરવાનું ટાળ્યું છે. અને પ્રાદેશિક ફિલ્મોને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે એવો કચવાટ સાંભળવા મળી રહ્યો છે. કન્નડ ફિલ્મને 30 સપ્ટેમ્બરે રજૂ કરવામાં આવી હતી. એને સારો પ્રતિસાદ મળ્યા પછી હિન્દીમાં ડબ કરીને 14 ઓક્ટોબરે રજૂ કરવા નિર્માતા- નિર્દેશક મજબૂર બન્યા હતા. રિશભ કન્નડ ફિલ્મનો પ્રચાર કરતો હતો ત્યારે એ છોડીને હિન્દીમાં ડબ કરવા મુંબઇ દોડી આવવું પડ્યું હતું. ‘કાંતારા’ ને જોઇને તો એમ જ લાગશે કે એની સામે હોલિવૂડ કંઇ જ નથી.
કન્નડ ફિલ્મ રજૂ થઇ ત્યારે સમીક્ષકોએ ત્યાં સુધી કહ્યું હતું કે ભારતમાં આવી ફિલ્મ બની નથી અને બનશે પણ નહીં. ‘કાંતારા’ ની વાર્તા આજ સુધી આવેલી ફિલ્મોથી તદ્દન અલગ છે. માણસ વિરુધ્ધ કુદરતના વિષય પર રિશભે જ વાર્તા લખી છે. એના જેવો ક્લાઇમેક્સ કોઇમાં જોવા મળશે નહીં. 15 મિનિટથી લાંબો ક્લાઇમેક્સ પૈસા વસૂલ કરી દે છે. રિશભનો અભિનય એવો છે કે કોઇપણ દર્શક હચમચી જાય છે. કદાચ કોઇ કલાકારે આટલો જબરદસ્ત અભિનય કર્યો નહીં હોય. એમાં એક સામાજિક સંદેશ પણ છે. દ્રશ્યો અને એના પર જે સંગીત છે એ થથરાવી દે એવું છે.
એક્શન દ્રશ્યોને અલગ રીતે રજૂ કરવામાં આવ્યા છે. અભિનય એટલો વાસ્તવિક છે કે એ ગામમાં જ એમની સાથે બેસીને દર્શક ફિલ્મ જોતો હોય એવો અનુભવ આપે છે. ‘કાંતારા’ ની જેમ હોલિવૂડની ‘બ્લેક એડમ’ નો ખાસ પ્રચાર થયો ન હતો. તેમ છતાં હિન્દી આવૃત્તિને પહેલા દિવસે રૂ.7 કરોડનું ઓપનિંગ મળ્યું છે. જે ‘ડૉકટર જી’ અને ‘ગુડબાય’ ની કુલ કમાણીથી બમણું છે. ડીસી કૉમિક્સની ‘બ્લેક એડમ’ તેની અગાઉની ફિલ્મો કરતાં એક અલગ અંદાજમાં જ છે. એમાં માત્ર અને માત્ર એક્શન જ છે. એડવેન્ચર અને કોમેડીની ફ્લેવર પણ નાખી છે.
એક્શન થ્રીલરના ચાહકો માટે આ પૈસા વસૂલ ફિલ્મ છે. ફિલ્મના અંતમાં જબરદસ્ત આશ્ચર્ય છે. શાનદાર VFX સાથે ફિલ્મની સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સંગીત એના જમા પાસા છે. ફિલ્મમાં ચોંકાવી દે એવા પ્રસંગો ખાસ નથી. ત્યાં સ્પેશ્યલ ઇફેક્ટસ એ કમી પૂરી કરી દે છે. ડ્વેન જૉનસન પોતાના કામથી પ્રભાવિત કરે છે. તેની જે દ્રશ્યમાં હાજરી હોય તેમાં દર્શકનું ધ્યાન બીજા કોઇ કલાકાર પર જતું નથી. એણે આખી ફિલ્મને પોતાના ખભા પર ખેંચી છે. ઇમોશનલ દ્રશ્યો ખાસ ન હોવાથી અભિનયની વધારે અપેક્ષા રાખવામાં આવી નથી. તે હીરો છે કે હીરોથી અલગ છે એવો પ્રશ્ન જરૂર થાય છે. બે કલાકની ફિલ્મને હજુ ટૂંકી કરવાની જરૂર હતી.