Comments

શેખ હસીનાને દિલ્હીમાં આશરો આપીને શું ભારત ભેરવાઈ ગયું છે?

બાંગ્લા દેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના રાજકીય ઉથલપાથલ વચ્ચે ઉતાવળમાં તેમનો દેશ છોડીને ભારતમાં દિલ્હી નજીકના લશ્કરી એરપોર્ટ પર ઉતર્યાં તેને એક મહિનો થઈ ગયો છે. બાંગ્લા દેશમાં વિદ્યાર્થીઓના વિરોધના અઠવાડિયાં પછી સમગ્ર દેશમાં અશાંતિ ફેલાઈ હતી, જે રક્તપાતમાં પરિણમી હતી. ૫ ઓગસ્ટના હસીનાની નાટકીય વિદાય થઈ હતી. શરૂઆતમાં એવું લાગતું હતું કે તેઓ થોડા સમય માટે ભારતમાં રહેશે, પરંતુ હવે લાગે છે કે બ્રિટન, અમેરિકા અને યુએઈમાં આશ્રય મેળવવાના તેમના પ્રયાસો હજુ સુધી સફળ થયા નથી. આવી પરિસ્થિતિમાં શેખ હસીના પરાણે ભારતનાં મહેમાન બની ગયાં છે. શેખ હસીનાની હાજરીએ બાંગ્લા દેશની નવી સરકાર સાથે મજબૂત સંબંધો બાંધવામાં ભારત સામે મોટો પડકાર ઊભો કર્યો છે.

શેખ હસીનાની અવામી લીગ પાર્ટી ૨૦૦૯માં સત્તામાં આવ્યા પછી તેમના દ્વારા ભારતને રંજાડતા વંશીય ઉગ્રવાદી જૂથો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સિવાય હસીનાએ ભારત સાથેના અનેક સરહદી વિવાદોને પણ સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલ્યા હતા. બાંગ્લા દેશ ભારત માટે માત્ર પડોશી દેશ નથી. તે ભારતની સરહદ સુરક્ષા માટે ખાસ કરીને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વ્યૂહાત્મક ભાગીદાર પણ છે. બંને દેશો વચ્ચે ૪,૦૯૬ કિલોમીટર લાંબી સામાન્ય સરહદ છે, જેના દ્વારા ભારતમાં કામ કરતાં સશસ્ત્ર બળવાખોર જૂથો માટે પૂર્વોત્તર રાજ્યોમાંથી બાંગ્લા દેશમાં સુરક્ષિત આશ્રયસ્થાન શોધવાનું સરળ છે.

સીમા સુરક્ષાનો મુદ્દો આ સંબંધનો પાયો છે પરંતુ આર્થિક પાસાંઓ પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શેખ હસીનાના ૧૫ વર્ષના શાસન દરમિયાન બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો અને ટ્રાફિકનો પણ વિકાસ થયો હતો. ભારતે તેના ઉત્તરપૂર્વીય રાજ્યોને આવશ્યક પુરવઠો પૂરો પાડવા માટે વાયા બાંગ્લા દેશ રસ્તાઓ, નદીઓ અને રેલ્વેની પહોંચ મેળવી હતી. ભારતે બાંગ્લા દેશને માળખાકીય સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સ માટે સાત અબજ ડોલરથી વધુની લોન આપી છે. શેખ હસીનાની સત્તા પરથી અચાનક હકાલપટ્ટીનો અર્થ એ છે કે આ લાભોને બચાવવા માટે ભારતે વધુ મહેનત કરવી પડશે.

બાંગ્લા દેશમાં તખતાપલટ પછી ભારત સરકારે પણ ઢાકામાં વચગાળાની સરકારનો સંપર્ક કરવામાં વિલંબ કર્યો ન હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લા દેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે ટેલિફોન પર વાત કરી હતી. જો કે, બાંગ્લાદેશમાં છેલ્લાં ૧૫ વર્ષથી શેખ હસીના અને તેના અવામી લીગ પ્રત્યેના અચળ સમર્થનને લઈને દિલ્હીને તેમનો ગુસ્સો શાંત કરવામાં સમય લાગશે. મોટા ભાગના બાંગ્લા દેશીઓ ભારત પ્રત્યેના આ ગુસ્સા માટે હસીનાની પાર્ટી દ્વારા જીતેલી ત્રણ વિવાદાસ્પદ ચૂંટણીઓ માટે દિલ્હીના સમર્થનને જવાબદાર ગણે છે. આ ચૂંટણીઓમાં મોટા પાયે ગોટાળો થયો હોવાના આક્ષેપો થયા હતા.

દરમિયાન, બાંગ્લા દેશ સરકારે શેખ હસીનાનો રાજદ્વારી સત્તાવાર પાસપોર્ટ રદ કરી દીધો છે. આનાથી સવાલો ઉભા થયા છે કે હવે તેમના ભારતમાં રહેવાનો કાનૂની આધાર શું છે. હાલમાં શેખ હસીનાના મુદ્દે ભારત માટે ત્રણ વિકલ્પો ખુલ્લા છે. પહેલો વિકલ્પ એ છે કે બાંગ્લા દેશનાં પૂર્વ વડાં પ્રધાન ત્રીજા દેશમાં આશરો લઈ શકે તેવી વ્યવસ્થા ભારતે કરવી. તે એવી જગ્યા હોવી જોઈએ જ્યાં તેમની સલામતીની ખાતરી આપવામાં આવે. બીજો વિકલ્પ શેખ હસીનાને રાજકીય આશ્રય આપવાનો અને તેમના અસ્થાયી રોકાણની વ્યવસ્થા કરવાનો છે. ત્રીજો વિકલ્પ પસંદ કરવો આ સમયે શક્ય ન હોઈ શકે. પરંતુ ભારતીય અધિકારીઓ અને નિરીક્ષકોનું એક જૂથ માને છે કે જો થોડા દિવસો પછી પરિસ્થિતિ સુધરશે તો ભારત શેખ હસીનાની બાંગ્લા દેશમાં રાજકીય વાપસી માટે પણ પ્રયાસ કરી શકે છે. આનું કારણ એ છે કે પાર્ટી અથવા રાજકીય દળ તરીકે અવામી લીગ હજી સમાપ્ત થઈ નથી અને હસીના પોતાના દેશમાં પરત ફર્યા બાદ પાર્ટીની કમાન સંભાળી શકે છે. રાજદ્વારી વર્તુળોમાં કોઈ શંકા નથી કે ભારત માટે પહેલો વિકલ્પ શ્રેષ્ઠ છે. જો શેખ હસીના ભારતમાં રહેશે તો દિલ્હી-ઢાકા સંબંધો પર તેની વિપરીત અસર પડી શકે છે.

આ સાથે એ પણ નિશ્ચિત છે કે જો ભારત-બાંગ્લાદેશ પ્રત્યાર્પણ સંધિ હેઠળ ઢાકામાંથી શેખ હસીનાના પ્રત્યાર્પણની કોઈ વિનંતી મળશે તો દિલ્હી કોઈને કોઈ દલીલના આધારે તેને ફગાવી દેશે. રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરવા માટે શેખ હસીનાને બાંગ્લા દેશને સોંપવી એ ભારત માટે વ્યવહારુ વિકલ્પ નથી. દિલ્હી તરફથી એવા સંકેતો પણ મળી રહ્યા છે કે જો જરૂર પડશે તો ભારત શેખ હસીનાને રાજકીય આશ્રય આપવામાં અને તેમને દેશમાં રાખવામાં અચકાશે નહીં. ભારતે અગાઉ તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામા, નેપાળના રાજા ત્રિભુવન બીર વિક્રમ શાહ અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ નજીબુલ્લાહને રાજકીય આશ્રય આપ્યો છે. શેખ હસીના વર્ષ ૧૯૭૫માં પોતાના પરિવાર સાથે ભારતમાં રહી ચૂક્યાં છે.

આ વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં દિલ્હીએ એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે ભારત-બાંગ્લા દેશના દ્વિપક્ષીય સંબંધો પર તેની શું અસર પડશે. નિરીક્ષકોનું કહેવું છે કે ૧૯૫૯માં દલાઈ લામાને રાજકીય આશ્રય આપ્યા બાદ ભારત-ચીન સંબંધોમાં જે કડવાશ ઊભી થઈ હતી તે ૬૫ વર્ષ પછી પણ દેખાઈ રહી છે. ભારત કે બાકીની દુનિયામાં દલાઈ લામાને ગમે તેટલી આદરની નજરે જોવામાં આવે, તેઓ હંમેશા દિલ્હી અને બેઈજિંગ વચ્ચેના સંબંધોમાં કાંટા સમાન રહ્યા છે. ભારતના ઘણા વિશ્લેષકો પણ માને છે કે જો ભારત અહીં શેખ હસીનાને રાજકીય આશ્રય આપશે તો તે બાંગ્લા દેશની નવી સરકાર સાથેના સંબંધોને મજબૂત કરવામાં અવરોધ બની શકે છે. ભારત સરકાર પણ આ વાત સારી રીતે સમજે છે. આમ હોવા છતાં, જો ભારત પ્રથમ વિકલ્પમાં સફળ ન થાય તો તેને બીજો વિકલ્પ પસંદ કરવાની ફરજ પડશે. આનું કારણ એ છે કે તેમની લાંબા ગાળાની મિત્ર શેખ હસીનાને કટોકટીમાં એકલાં છોડી દેવા ભારત માટે કોઈ પણ સંજોગોમાં શક્ય નથી.

ભારતના ટોચના નીતિ નિર્માતાઓનો એક શક્તિશાળી વર્ગ હજુ પણ માને છે કે બાંગ્લા દેશના રાજકારણમાં શેખ હસીનાની સુસંગતતા અથવા ભૂમિકા હજી સમાપ્ત થઈ નથી અને યોગ્ય સમય આવે ત્યારે ભારત તેમના રાજકીય પુનર્વસનમાં મદદ કરે તે યોગ્ય રહેશે. આપણે યાદ રાખવું પડશે કે શેખ હસીનાએ બાંગ્લાદેશની રાજનીતિમાં ત્રણ વખત જોરદાર પુનરાગમન કર્યું છે. પરંતુ એ પણ યાદ રાખવાનું છે કે તે સમયે તે યુવાન હતી. હવે તે આવતા મહિને જ ૭૭ વર્ષનાં થઈ જશે. કદાચ ઉંમર સંપૂર્ણપણે તેમના પક્ષમાં નથી.   પરંતુ જ્યારે ૮૪ વર્ષની ઉંમરે મોહમ્મદ યુનુસ તેમના જીવનમાં પહેલીવાર સરકારના વડા બની શકે છે, તો પછી આપણે કેમ માનીએ કે ૭૭ વર્ષનાં શેખ હસીના આ કરી શકતાં નથી. મૂળ મુદ્દો એ છે કે દિલ્હીમાં એક જૂથ ગંભીરતાથી માને છે કે શેખ હસીના એક દિવસ બાંગ્લા દેશ પરત ફરી શકે છે અને અવામી લીગનું નેતૃત્વ સંભાળી શકે છે. આવા લોકોનું કહેવું છે કે બાંગ્લા દેશમાં અવામી લીગ પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી અને સમગ્ર દેશમાં તેનું શક્તિશાળી નેટવર્ક છે.

આ જૂથના મતે શેખ હસીના બાંગ્લા દેશમાં તેમની વિરુદ્ધ દાખલ કેસોમાં કોર્ટનો સામનો કરી શકે છે અને તે આગામી ચૂંટણી પણ લડી શકશે નહીં. પરંતુ તેમના ઘરે પરત ફરવા અને રાજકારણમાં પ્રવેશ કરવા પર કોઈ પ્રતિબંધ મૂકવો મુશ્કેલ છે. આ જ કારણ છે કે બાંગ્લા દેશની આગામી ચૂંટણીઓમાં અવામી લીગ શેખ હસીનાના નેતૃત્વમાં ચૂંટણી લડશે તેવી કલ્પના કરવી તે વ્યવહારુ નથી લાગતી. તેમ છતાં છેલ્લાં પચાસ વર્ષો દરમિયાન ભારતે શેખ હસીના પર કરેલા રાજકીય રોકાણને કારણે નવી દિલ્હીનો એક પ્રભાવશાળી વર્ગ તેમને કોઈ પણ સંજોગોમાં રાજકીય રીતે સમાપ્ત થઈ ગયેલાં માનવા તૈયાર થતો નથી. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top