મા સામે હોય છે છતાં ઘણીવાર જોવાનું ચુકાય જાય છે. મા ઇશ્વરથી પણ વધુ મહાન છે જે બાળકને પોતાનું નહીં પિતાનું નામ આપે છે. દેહમાંથી દેહ આપે, જીવ આપે, સ્વાર્થ વિના પારાવાર સ્નેહ આપે, એ માત્ર મા જ હોય શકે. માનું ઋણ કોણ ચૂકવી શક્યું? ખરું જોઈએ તો જો ઋણ ગણીએ તો એનો હિસાબ રૂપિયામાં માંડવામાં આવે. જગતની માતાઓનું ઋણ ચુકવવાનો હવાલો જો ભગવાન લે તો ભગવાનનું પણ દેવાળું નીકળી જાય. માતા પ્રેમનો સાગર હોય છે પણ સાથોસાથ શિસ્ત અને સમજણની સરિતા છે. આજની ૯૦ ટકા માતાઓ સંતાનોની ભુલ પર પડદો પાડી એના ભવિષ્ય સાથે ચેડા કરે છે. માને જગતભરના કવિ લેખકોએ પ્રશંસાના પુષ્પોમાં દાટી દીધી છે માને બોલવાનો કે ફરીયાદ કરવાનો જાણે કોઈ અધિકાર જ નથી. સ્ત્રી માતા બને એટલે વ્યક્તિ ઇન્સાન મટી જાય એવું તો નથી જ, છતાં માતા મહત્વની અને વ્યક્તિ ગૌણ. માતા તરીકેની ફરજ બજાવવા માટે લોહી પાણી એક થાય પણ વ્યક્તિ તરીકે પોતાની જાત માટે પળની નવરાશ ના મળે એ કેવું? પુત્રો ઘરમાંથી કાઢી મુકે વહુઓ ગમે તેમ બોલે ત્યારે ધક્કા મારીને પુત્રને ઘરની બહાર કાઢવાની હિંમત મા શા માટે દર્શાવતી નથી? શા માટે કુપુત્રને ઠેકાણે લાવવા રોદ્રરૂપ ધરતી નથી? શા માટે બિચારી થઈને જીવે છેમોટા થયેલા સંતાનોનો પડ્યો બોલ ઝીલે છે?
આબાંવાડી, સુરત- અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે