નિર્દેશક મણિરત્નમની નવી ઐતિહાસિક ફિલ્મ ‘પોન્નિયન સેલવન 1’ નું ટ્રેલર રજૂ થયા પછી એની પ્રશંસા ઓછી અને ટીકા વધુ થઇ રહી હોવાથી રૂ.500 કરોડનો ખર્ચ માથે પડવાનો ભય વ્યક્ત થઇ રહ્યો છે. ટ્રેલરનું એક પણ દ્રશ્ય એવું નથી કે જોનારાના રુંવાડા ઊભા થઇ જાય. ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ‘૨.૦’ ના 4 વર્ષ પછી દક્ષિણની કોઇ ફિલ્મમાં આવી રહી છે. એની રાણી નંદિનીની ભૂમિકા નાની હોવાની શંકા છે.
કેમકે સાડા ત્રણ મિનિટના ટ્રેલરમાં તેના 3 દ્રશ્ય પણ નથી. વળી ઐશ્વર્યાની ભૂમિકા નકારાત્મક હોવાની ચાલતી વાત તેના ચાહકોને નિરાશ કરી રહી છે. મણિરત્નમ સાથે અગાઉ 3 ફિલ્મો કરી હોવાથી જ હા પાડી છે એવું લાગે છે. તેની સુંદરતાનો કોઇ જવાબ નથી પરંતુ ટ્રેલરમાં અભિનય અને સંવાદ અદાયગીમાં સામાન્ય લાગે છે. ઐશ્વર્યાની આ પેન ઇન્ડિયા ફિલ્મ છે. તેને હિન્દીમાં ડબ કરીને 30 સપ્ટેમ્બરે રજૂ કરવામાં આવનાર છે.
છતાં હિન્દી દર્શકોને ધ્યાનમાં રાખીને બીજા કોઇ હિન્દી કલાકારને લેવામાં આવ્યા નથી. તેનું હિન્દી ડબિંગ દક્ષિણની અગાઉની બાહુબલી, RRR, પુષ્પા જેવી મોટી ફિલ્મોની સરખામણીએ નબળું છે. ચોલ વંશની વાર્તાને રજૂ કરતું ફિલ્મનું ટ્રેલર કોઇ પાત્ર વિશે દર્શકો પાસે સરખી જાણકારી ન હોવાથી કોઇ ઉત્સુક્તા ઊભી કરી શક્યું નથી. અને ‘નામ બડે દર્શન છોટે’ કહેવામાં આવી રહ્યું છે. અનિલ કપૂરે 1000 વર્ષ પહેલાંની વાર્તાને સમજાવવા અવાજ આપ્યો છે, પણ એક ઐતિહાસિક ફિલ્મમાં અમિતાભ જેવો પ્રભાવશાળી સાબિત થયો નથી.
દરેક ભાષાની ફિલ્મ માટે અલગ-અલગ અભિનેતાનો અવાજ લીધો છે. તમિલમાં કમલ હસન, તેલુગુમાં રાણા દગુબાટી, મલયાલમમાં પૃથ્વીરાજ અને કન્નડમાં જયંતનો અવાજ સાંભળવા મળી રહ્યો છે. એ પરથી જ ખ્યાલ આવશે કે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. અલબત્ત VFX એટલું જબરદસ્ત લાગતું નથી. એ.આર. રહેમાનના દમદાર બેકગ્રાઉન્ડ સંગીતને બાદ કરતાં કોઇ એવી વિશેષતા દેખાતી નથી કે એને જોવા માટે દર્શક દોડીને થિયેટરમાં જઇ શકે. વળી ફિલ્મનો આ પહેલો ભાગ છે. કાર્થી અને ચિયા વિક્રમ જેવા ચહેરા જાણીતા ન હોવાથી જો ફિલ્મ સફળ ના રહી અને બીજો ભાગ બનાવી નહીં શકાય તો એ પછી શું સ્થિતિ થશે એની કલ્પના કરવાનું મુશ્કેલ છે.