વીજળીનું ઉત્પાદન અને વિતરણ કરતી ખાનગી કંપનીઓ ‘વાઘ આવ્યો રે ભાઈ વાઘ’ ની જેમ ગ્રાહકોને વીજળીની કટોકટી બાબતમાં ડરાવી રહી છે. બે દિવસ પહેલાં દિલ્હીને વીજળી પૂરી પાડતી ટાટા પાવર કંપની દ્વારા તેના લાખો ગ્રાહકોને સંદેશો મોકલવામાં આવ્યો કે ‘‘ઉત્તર ભારતમાં કોલસાની તંગીને કારણે બપોરે બે થી સાંજે છ દરમિયાન વીજળીનો પુરવઠો ઘટી જવાની સંભાવના છે, માટે વીજળીનો ઉપયોગ સમજી-વિચારીને કરો. અસુવિધા માટે ખેદ છે.’’ આ સંદેશો વાંચીને કોલસા મંત્રાલયે તરત જ નિવેદન બહાર પાડીને કહ્યું કે ‘‘ કોલસાની તંગી માટેનો ડર તદ્દન કાલ્પનિક છે. દેશમાં વીજળીનું ઉત્પાદન કરવા પર્યાપ્ત માત્રામાં કોલસો છે. ગભરાવાની જરૂર નથી.’’
કેન્દ્રના ઊર્જા પ્રધાન આર.કે. સિંહ દ્વારા પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું કે ‘‘કોલસાની તંગી બાબતમાં બિનજરૂરી ગભરાટ પેદા કરવામાં આવી રહ્યો છે.’’ ઊર્જા પ્રધાનના કહેવા મુજબ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટાટા પાવર વચ્ચેના સંદેશવ્યવહારમાં ગરબડ થઈ હોવાથી આવી પરિસ્થિતિ પેદા થઈ હતી. તરત જ ટાટા પાવર તરફ બીજું નિવેદન બહાર પાડવામાં આવ્યું કે સરકારના સહકારને કારણે કટોકટી ટળી ગઈ છે. અમે વીજળીનો પુરવઠો ચાલુ રાખીશું.
આ ગતિવિધિઓ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે વિશ્વમાં ઊર્જાની કટોકટી પેદા થઈ છે, પણ ભારતમાં પર્યાપ્ત કોલસો છે. તેમ છતાં વીજળીનું ઉત્પાદન અને વિતરણ કરતી ખાનગી કંપનીઓ ગ્રાહકોમાં ભય પેદા કરીને વીજળીના ભાવો વધારવા માગે છે. એક સપ્તાહ પહેલાં સમાચારો છપાયા હતા કે ભારતનાં થર્મલ પાવર સ્ટેશનોમાં સરેરાશ ચાર દિવસ ચાલે તેટલો જ કોલસો છે. તેને કારણે પણ દેશમાં ઊર્જાની કટોકટી બાબતમાં ગભરાટ ફેલાયો હતો. તરત જ જાહેર ક્ષેત્રની કોલ ઇન્ડિયા કંપની દ્વારા ખુલાસો બહાર પાડવામાં આવ્યો કે થર્મલ પાવર પ્લાન્ટો પાસે પર્યાપ્ત કોલસો છે. તેમનો સ્ટોક ખાલી થાય તે પહેલાં નિયમિત રિફીલ કરવામાં આવે છે, માટે ગભરાવાની જરૂર નથી.
ભારતમાં એક સમયે વીજળીનું ઉત્પાદન અને વિતરણ બંને સરકારી માલિકીની કંપનીઓ દ્વારા કરવામાં આવતું હતું. ગુજરાતમાં જીઇબી કંપની આ કામ કરતી હતી. ધીમે ધીમે સરકારે આ કામ ખાનગી કંપનીઓને સોંપવાનું ચાલુ કર્યું હતું. ગુજરાતમાં ટોરન્ટ અને અદાણી જેવી કંપનીઓને તો મુંબઇમાં રિલાયન્સ પાવર જેવી કંપનીઓને આ કામ સોંપવામાં આવ્યું હતું. તેમનો હેતુ ગ્રાહકોને વધુ સારી સુવિધા આપવાને બદલે વધુ નફો રળવાનો હતો.
ભારતમાં ૭૦ ટકા વીજળી કોલસો બાળીને પેદા કરવામાં આવે છે. શરૂઆતમાં ભારત સરકારની માલિકીની કંપનીઓ તમામ થર્મલ પાવર સ્ટેશનોને કોલસો વેચતી હતી, જેને કારણે કોલસાના ભાવો અંકુશમાં રહેતા હતા. યુપીએ સરકારના રાજમાં કોલસાના બ્લોકોનું લિલામ કરવામાં આવ્યું હતું, જેને કારણે કોલસાની અનેક ખાણો ખાનગી માલિકીની બની ગઈ હતી. હવે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવો વધી રહ્યા હોવાથી ભારતમાં કોલસાનો ધંધો કરતી ખાનગી કંપનીઓ ભારતના વીજળી ઉત્પાદકો પાસે વધુ રૂપિયા પડાવવા માગે છે. માટે ગ્રાહકોમાં ગભરાટ પેદા કરવામાં આવી રહ્યો છે.
જો કોલસાના ઉત્પાદકોને ભાવો વધારી આપવામાં આવશે તો તેને કારણ ગણાવીને વીજળીના ઉત્પાદકો વધુ ભાવો માગશે. માટે આખી રમત ગભરાટ પેદા કરીને ગ્રાહકોનાં ગજવાં ખાલી કરવાની જણાય છે. લોકડાઉન દરમિયાન ઉદ્યોગો બંધ રહ્યા હોવાથી જેવા ઉદ્યોગો ફરી ધમધમતા થયા કે તરત વીજળીનો વપરાશ વધી ગયો હતો, જેને કારણે વીજળીની તંગી પેદા થઈ હતી. એક વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાનો ભાવ ટનના ૭૫ ડોલર હતા તે વધીને ૨૭૦ ડોલર પર પહોંચી ગયા હતા. ભારતના થર્મલ પાવર પ્લાન્ટોમાં જેટલો કોલસો વાપરવામાં આવે છે, તેના ૩૦ ટકાની આયાત કરવામાં આવે છે.
કોલસાના આયાતકારો દ્વારા થર્મલ પાવર પ્લાન્ટને ચોક્કસ ભાવે કોલસો પૂરો પાડવાના કરારો કરવામાં આવ્યા હતા. માર્કેટમાં કોલસાના ભાવો વધતાં ઘણી કંપનીઓએ હાથ ઊંચા કરી દીધા છે. ૨૦૧૬ માં ભારત સરકારે કોલસાનું ઉત્પાદન વધારવા ખાનગી ક્ષેત્રને મેદાનમાં ઊતાર્યું હતું. તેમને ૧૩ થી ૧૫ કરોડ મેટ્રિક ટન કોલસાનું લિલામ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બહારમાં કોલસાના ભાવો નીચા હોવાથી તેમણે કોલસાનું ઉત્પાદન વધારવા માટે કોઈ પગલાં જ લીધાં નહોતાં. તેમણે કોલસાની આયાત કરવાનું જ લક્ષ્ય રાખ્યું હતું, જેને કારણે આજે તંગી પેદા થઈ છે. ભારતમાં પેદા થતો ૫૦ ટકા કોલસો આજે પણ સરકારી માલિકીની કોલ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની પેદા કરે છે. તેણે પણ કોલસાનું ઉત્પાદન વધારવા બાબતમાં પુરુષાર્થ કર્યો નથી.
વર્તમાનમાં ભારતમાં કોલસાની જે તંગી દેખાઈ રહી છે તેના માટે ખાનગી ક્ષેત્ર જેટલી જ ભારત સરકાર પણ જવાબદાર છે. ૨૦૧૬ માં સરકારની માલિકીની કંપની કોલ ઇન્ડિયા લિમિટેડ પાસે ૫૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલું અનામત ભંડોળ હતું. તેનું રોકાણ કરીને કોલસાનું ઉત્પાદન વધારવાને બદલે તેમાંની મોટી રકમ ડિવિડન્ડના રૂપમાં ભારત સરકારને આપી દેવામાં આવી હતી. સરકારે તેનો ઉપયોગ નાણાંકીય ખાધ ભરપાઈ કરવા માટે કર્યો હતો.
જો આ રકમનું રોકાણ નવી ટેકનોલોજી લાવવા માટે કરવામાં આવ્યો હોત તો ઉત્પાદન વધારી શકાયું હોત અને કટોકટી પેદા જ ન થઈ હોત. ૨૦૧૫-૧૬ માં ભારત સરકારે લિલામ કરીને આશરે ૮૦ જેટલી કોલસાની ખાણો ખાનગી કંપનીઓને સોંપી હતી. તેઓ પણ કરોડો ટન કોલસાના ભંડાર પર બેસી રહ્યા હતા. તેમણે ઉત્પાદન ક્ષમતામાં ૧૨ થી ૧૪ કરોડ ટન વધારવા માટે કોઈ પ્રયાસો જ કર્યા નહોતા, જેને કારણે આજની પરિસ્થિતિ પેદા થઈ છે. કોલસાના ભાવો વધતાં ખાનગી કંપનીઓ હવે દેશમાં કોલસાનું ઉત્પાદન વધારવાની મહેનત કરશે, પણ તેની વધુ કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે.
ભારતમાં વીજળી પેદા કરવા માટે રોજના ૧૮.૫ લાખ મેટ્રિક ટન કોલસાની જરૂર છે. તેની સામે વર્તમાનમાં પુરવઠો ૧૭.૫ લાખ મેટ્રિક ટનનો છે. ભારતના થર્મલ પાવર પ્લાન્ટો પાસે આશરે ૭૨ લાખ મેટ્રિક ટન કોલસાનો જથ્થો છે, જે ચાર દિવસ ચાલે તેટલો છે, પણ કોલ ઇન્ડિયા લિમિટેડ કંપની પાસે ૪૦૦ લાખ મેટ્રિક ટન જેટલો જથ્થો છે, જે ૨૨ દિવસ ચાલે એટલો છે. વળી કોલ ઇન્ડિયા દ્વારા નવું ઉત્પાદન ચાલુ જ છે. વર્તમાનમાં જે કટોકટી પેદા થઈ છે તે વધુ પડતાં વરસાદને કારણે પેદા થઈ છે. વરસાદને કારણે કોલસાની ખાણોમાં પાણી ભરાઇ ગયા હોવાથી જરૂરી હોય તેટલો કોલસો ખાણમાંથી બહાર કાઢી શકાતો નથી.
જેટલો કોલસો બહાર કાઢવામાં આવે છે તે થર્મલ પાવર પ્લાન્ટ સુધી પહોંચાડવામાં તકલીફ પડે છે, કારણ કે રસ્તાઓ તૂટી ગયા છે. આ તંગી ટૂંક સમયમાં હળવી થઈ જશે, પણ તેનો લાભ લઈને વીજળીનું ઉત્પાદન કરતી કંપનીઓ ભાવો વધારી દેશે. ૧૯૯૨ માં બ્રાઝિલમાં ભરાયેલી અર્થ સમિટમાં નક્કી કરવામાં આવ્યું હતું કે વિશ્વને કોલસાને બદલે સ્વચ્છ ઊર્જા તરફ લઈ જવું. તે ત્યારે જ શક્ય બને, જ્યારે કોલસાથી ઉત્પન્ન થતી વીજળીના ભાવો વધારવામાં આવે, જેને કારણે સૌર અને પવન ઊર્જા સસ્તી જણાય. બધા દેશોની સરકારો આ દિશામાં આગળ વધી રહી છે, જેને કારણે કોલસાના ક્ષેત્રમાં રોકાણ ઘટી રહ્યું છે. આગામી દિવસોમાં થર્મલ પાવરના ભાવો વધતાં આપણે ફરજિયાત સ્વચ્છ ઊર્જા ભણી પ્રયાણ કરવું જ પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.