Sports

રણજીમાં નવો ઈતિહાસ રચાયો, હરિયાણાના બોલરે કેરળની 10 વિકેટ લીધી

નવી દિલ્હીઃ રણજી ટ્રોફીમાં નવો ઈતિહાસ રચાયો છે. હરિયાણાના ઉભરતા નવયુવાન ફાસ્ટ બોલરે પાછલા 39 વર્ષના રણજીના ઈતિહાસમાં પહેલીવાર એક ઈનિંગમાં 10 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજે પોતાની ધારદાર બોલિંગથી આખી ટીમને પેવેલિયન ભેગી કરી છે.

  • હરિયાણાના ફાસ્ટ બોલર અંશુલ કંબોજે કેરળની 10 વિકેટ લઈ રણજીમાં નવો ઈતિહાસ રચ્યો

હરિયાણાના ઉભરતા પેસરે રણજી ટ્રોફીના ઈતિહાસમાં 39 વર્ષમાં પહેલીવાર એક ઇનિંગ્સમાં 10 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. તેણે હરિયાણા વિરુદ્ધ કેરળની મેચમાં આ સિદ્ધિ મેળવી છે. લાહલીના ચૌધરી બંસીલાલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને રમી રહી હતી. ત્યારે 23 વર્ષીય બોલર અંશુલ કંબોજે કેરળના બેટ્સમેનોને ક્રિઝ પર ટકવા દીધા નહોતા. તેણે એકલા હાથે 49 રન આપીને 10 વિકેટ ખેરવી હતી. અંશુલની ઘાતક બોલિંગ સામે કેરળની ટીમ પ્રથમ દાવમાં 291 રન બનાવી શકી હતી.

અંશુલ કંબોજે આ પહેલા વર્તમાન સિઝનની ત્રણ મેચમાં 4 વિકેટ ઝડપી હતી. તેણે પરફેક્ટ 10 હાંસલ કરીને પોતાની ક્ષમતા બતાવી છે. તે મહાન સિદ્ધિઓ હાંસલ કરીને ભારતીય સ્થાનિક ક્રિકેટના ઇતિહાસમાં સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. અંશુલ પહેલાં બંગાળના પ્રેમાંગસુ ચેટર્જીએ 1956-57માં આસામ સામે 20 રન આપીને તમામ 10 વિકેટ લીધી હતી. રાજસ્થાનના પ્રદીપ સુંદરમે 1985-86માં વિદર્ભ સામે આ કારનામું કર્યું હતું.

અંશુલ કંબોજ આ મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે
અંશુલ કંબોજ રણજી ટ્રોફીના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગરની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં બંગાળનો પ્રેમાંગસુ ચેટર્જી પ્રથમ સ્થાને છે, જેણે 20 રન આપીને એક ઇનિંગમાં તમામ 10 વિકેટો લીધી છે જ્યારે અંશુલ 49 રન આપીને 10 વિકેટ સાથે બીજા સ્થાને છે. આ યાદીમાં ત્રીજા સ્થાને રાજસ્થાનનો પ્રદીપ સુંદરમ છે જેણે 78 રનમાં 10 વિકેટ લીધી હતી.

અંશુલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10 વિકેટ લેનારો છઠ્ઠો ભારતીય બોલર બન્યો છે. આ પહેલા પ્રેમાંગસુ ચેટર્જી, દેવાશીષ મોહંતી, અનિલ કુંબલે, પ્રદીપ સુંદરેમન અને સુભાષ ગુપ્તે આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

Most Popular

To Top