સુરતઃ શહેરના સૈયદપુરા વિસ્તારમાં રવિવારની રાત્રે ગણેશજીની પ્રતિમા પર મુસ્લિમો દ્વારા પત્થરમારાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર વિસ્તારમાં કોમી તંગદિલી છવાઈ ગઈ છે. ઘટના બન્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગણેશ મંડપ પર દોડી ગયા હતા. રાત્રે બે વાગ્યે બાપ્પાની આરતી કરી હતી.
આજના તેમના ગાંધીનગરના બધા કાર્યક્રમો રદ્દ કરી દીધા હતા. હર્ષ સંઘવીની સતર્કતાના પગલે સુરત શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને રાતોરાત પત્થર ફેંકનારા સહિત 27 મુસ્લિમોની અટકાયત કરી હતી. તેઓ વિરુદ્ધ 3 અલગ અલગ કલમ હેઠળ ગુના દાખલ કર્યા છે. આ ઉપરાંત ગણેશ મંડપ અને સૈયદપુરા પોલીસ સ્ટેશનની આસપાસના ગેરકાયદે બાંધકામોને સુરત મનપા દ્વારા બુલડોઝરથી તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે.
આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી સીસીટીવીથી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી પોલીસને જરૂર સૂચના કર્યા હતા. ત્યાર બાદ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે પત્થરમારો કરનારા લોકો સમાજના ગુનેગાર છે. આવા તોફાની તત્વોને મુસ્લિમ સમાજના લોકો સમજાવે. મને ભરોસે છે કે મદ્રેસા અને મસ્જિદ સહિતના ધાર્મિક સંસ્થાના લોકો તોફાની યુવાનોને આવનાર દિવસોમાં સમજાવશે.
સંઘવીએ વધુમાં કહ્યું કે, મેં સ્પષ્ટ કહ્યું છે કે પત્થર ફેંકનાર વ્યક્તિ કાયદાનો ગુનેગાર નથી તે સૌથી મોટો સામાજિક ગુનેગાર છે. પછી તે કોઈપણ સમાજનો હોય. આની અંદર કોઈ પ્રકારની લાગણી, કોઈ પ્રકારની દયા હોય જ ન શકે. પત્થર ફેંકવો અને તે ફેંકવાનો વિચાર પણ કઈ રીતે આી શકે.
મારી સમાજને ખાસ અપીલ છે કે આ યુવાનોને સાચી દિશા આપે. આપણી જવાબદારી છે કે સમાજે વિવિધ ટ્રસ્ટોની અંદર પછી તે મદ્રેસા હોય, મસ્જિદ હોય તેઓ યુવાનોને સમજાવે. યુવાનોને સાચા માર્ગે વાળવા સમજાવે. હું ફરી કહું છું કે પત્થર કોઈ પણ જગ્યાએ ફેંકનાર કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય અમે છોડીશું નથી. તપાસ ચાલુ છે અને ચાલુ તપાસમાં હું કોઈ નિવેદન આપવા માંગતો નથી.
દરમિયાન રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેક્ટર પાસે આરોપીઓની ગેરકાયદે મિલકત અંગેનો રિપોર્ટ માંગ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. અલગ અલગ ટીમો દ્વારા મિલકત અંગે તપાસ શરૂ કરાઈ છે. મિલકતની વિગતનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે. કલેક્ટર પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છે.