SURAT

સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ કરવા મામલે હર્ષ સંઘવીની મોટી જાહેરાત

સુરત: ગુજરાતના ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ડાયમંડ બુર્સ કમિટી, મહિધરપુરા,વરાછા અને કતારગામ વિસ્તારના હીરા વેપારીઓ, બ્રોકરો, નાના વેપારીઓ કે, જેમણે સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો, કેબીનો, ટેબલ રાખ્યા છે, તેઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક પછી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે, આસો સુદ પાંચમે 23 જાન્યુઆરી 2026થી સુરત ડાયમંડ બુર્સની તમામ ઓફિસો શરૂ કરવા સહમતિ બની છે.

  • 23 જાન્યુઆરીથી સુરત ડાયમંડ બુર્સની તમામ ઓફિસો શરૂ કરવા સહમતી બની: હર્ષ સંઘવી
  • મહિધરપુરા હીરા બજારની ઓફિસો બંધ કરી બુર્સમાં ઓફિસ રાખનાર તમામ વેપારી શિફ્ટ થશે: ઉદ્યોગ રાજ્યમંત્રીની જાહેરાત

મહિધરપુરા, વરાછા અને કતારગામ વિસ્તારના હીરા વેપારીઓ, બ્રોકરો, નાના વેપારીઓ, નેચરલ ડાયમંડના વેપારીઓ, CVD ડાયમંડના વેપારીઓ બધા વચ્ચે સર્વાનુમતે આ તારીખ નક્કી થઈ છે. અમને ખાતરી આપવામાં આવી છે કે, મહિધરપુરા હીરા બજારની ઓફિસો બંધ કરી બુર્સમાં ઓફિસ રાખનાર તમામ વેપારી શિફ્ટ થશે.

મંગળવારની બેઠકમાં SDB ના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા, ઉપપ્રમુખ લાલજીભાઈ ટી.પટેલ, સેવંતીભાઈ શાહ, અરવિંદભાઈ અજબાની, નાગજીભાઈ સાકરિયા, અશેષભાઈ દોશી, શૈલેષ જોગણી, હિતેશ પટેલની ઉપસ્થિતિમાં મોટી ડાયમંડ કંપનીઓના અગ્રણીઓ, વેપારીઓ, બ્રોકરો, દલાલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આગામી જાન્યુઆરી 23ના રોજ મોટા પાયે વેપારીઓ મહિધરપુરાની ઓફિસો બંધ કરીને ડાયમંડ બુર્સમાં કાર્યરત થશે, જેનાથી નાના વેપારીઓ અને દલાલોને સૌથી વધુ ફાયદો થશે. હીરા બજાર વિશ્વભરના વેપારીઓ માટે એક પ્રેરણારૂપ કેન્દ્ર બનશે, એમ હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું.

ચર્ચા એવી છે કે, સુરત ડાયમંડ બુર્સમાં શિફ્ટ થવા વરાછા મીનીબજાર, ચોક્સી બજાર, કતારગામ નંદુ ડોશીની વાડી વિસ્તારના વેપારીઓ તૈયાર છે. પણ મહિધરપુરા હીરા બજાર પર વર્ચસ્વ ધરાવતા પાલનપુર, ડીસા, ધાનેરાના જૈન વેપારીઓએ એટલો ઉત્સાહ દર્શાવ્યો નથી.

તેઓને મનાવવાનું કામ ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અરવિંદ અજબાની, અશેષ દોશીએ ઉપાડ્યું છે. એને લીધે હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે, મહિધરપુરાની ઓફિસો બંધ કરી વેપારીઓ SDBની ઓફિસ, કેબિન, ટેબલ પર શિફ્ટ થઈ જશે. જોકે આ દાવો કેટલો સાચો છે, એ 23 જાન્યુઆરીએ ખબર પડશે.

ઉદ્યોગ રાજ્યમંત્રીએ ડાયમંડ બુર્સને એક પ્રેરણારૂપ પ્રોજેક્ટ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે,”આ હજારો વેપારીઓ માટે બનાવવામાં આવ્યું છે. જ્યાં બોલી, જબાનની કિંમત રહેશે. આ પ્રયાસનો ઉદ્દેશ્ય હીરાની વધુ ચમક દુનિયાભરમાં ફેલાવવાનો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, પ્રોજેક્ટના મૂળ સમર્થકોમાંના એક, કિરણ જેમ્સના વલ્લભ લાખાણી, સુરત ડાયમંડ બોર્સમાં વહેલા સ્થળાંતર કરનારા થોડા લોકોમાંના એક હતા. પરંતુ તેમનો આ પ્રયાસ પણ મોટા પાયે સ્થળાંતરને પ્રેરિત કરવામાં નિષ્ફળ ગયો.

વલ્લભભાઈ લાખાણીએ SDBના પ્રમુખ પદેથી રાજીનામું આપી, તેઓ પોતે ભારત ડાયમંડ બુર્સની મુંબઈમાં બંધ કરેલી ઓફિસમાં શિફ્ટ થઈ ગયા હતા. એ પછી રાજ્યસભાના સાંસદ અને બુર્સ કમિટીના ચેરમેન ગોવિંદ ધોળકિયા અને અરવિંદ અજબાનીએ બુર્સ શરૂ કરવા ગયા વર્ષે દશેરા પર્વ પૂર્વે પ્રયાસ કર્યો હતો. SDB કેમ્પસમાં થી રાષ્ટ્રીયકૃત અને પ્રાઇવેટ બેંકોની બ્રાંચ બંધ થઈ ગઈ હતી. અમૂલ પાર્લર અને સુમુલ બ્રાન્ડની રેસ્ટોરન્ટ પણ બંધ થઈ ગઈ હતી.

માત્ર 15,000માં ઓફિસ કમ કેબિન ભાડે મળશે
મીટિંગ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, નાના હીરા વેપારીઓને સુરત ડાયમંડ બુર્સમાં માત્ર ₹15,000માં ઓફિસ કમ કેબિન મળશે. આ નિર્ણય નાના અને મધ્યમ કદના વેપારીઓ માટે એક મોટી રાહત સમાન છે, જેઓ ખર્ચના કારણે ડાયમંડ બુર્સમાં ઓફિસ લેવાનું ટાળી રહ્યા હતા.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી જાન્યુઆરી 23 ના રોજ મોટા પાયે હીરા વેપારીઓ મહિધરપુરાની પોતાની વર્તમાન ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બુર્સમાં નવી ઓફિસો શરૂ કરશે. એક જ કોમ્પ્લેક્સમાં માલ લેનાર અને માલ આપનાર બંને એક સાથે આવી શકશે. આનાથી સમયનો બચાવ થશે, પારદર્શિતા વધશે અને વેપાર કરવાની સરળતામાં નોંધપાત્ર સુધારો થશે. એક જ માર્કેટમાં આવવાથી નાના વેપારીઓ સહિત દલાલોને સૌથી વધુ લાભ થશે, કારણ કે તેમને નવા ગ્રાહકો શોધવા અને વ્યવહારો પૂર્ણ કરવામાં સરળતા રહેશે.

ઇન્ટરનેશનલ બાયરોને સીધા સુરત એરપોર્ટ લાવવા પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી નથી
મુંબઈ જેવી હોસ્પિટલિટીનો અભાવ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું નબળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે જરૂરી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કનેક્ટિવિટીનાં અભાવે સુરત ડાયમંડ બુર્સ ખંડેર બની રહ્યું છે. વિદેશથી આવતા બાયરોને મુંબઈથી સુરત લાવવા ATR કે, CRJ કક્ષાના નાના વિમાનની એકપણ ફ્લાઇટ ન હોવાથી બાયરો દિલ્હીથી સુરત આવવાનું ટાળી રહ્યાં છે.

આ સ્થિતિમાં મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સના વિસ્તરણ સ્વરૂપે 2000 મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે નવી મુંબઈમાં ઈન્ડિયા જ્વેલરી પાર્કનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયા તો સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટની સંભાવનાઓ ધૂંધળી બની શકે છે. ઇન્ટરનેશનલ બાયરોને સીધા સુરત એરપોર્ટ લાવવા પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી નથી. આ બાબત સુરત ડાયમંડ બુર્સ માટે નકારાત્મક સાબિત થઈ છે.

કેન્દ્રીય મંત્રી સાથે ડાયમંડ બુર્સ કમિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળી આવી સુરતથી બેંગકોક, દુબઇ, સિંગાપોર, શાંઘાઈ, બ્રસેલ્સ, લંડન, ઇસ્તંબુલ,અને રિયાધની ફ્લાઇટ શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. એ પછી ઇન્ડિગોએ દુબઈની વિકમાં 3 દિવસની અને એરઈન્ડિયા એ સપ્તાહમાં 4 દિવસની સુરત- બેંગકોક ફ્લાઇટ શરૂ કરી હતી. પણ સુરત એરપોર્ટના રનવેને નડતરરૂપ બાંધકામોને લીધે વાઈડ બોડી એર ક્રાફટ લેન્ડ થઈ શકતા નથી.

Most Popular

To Top