SURAT

સુરતમાં હારપીક, લાઈઝોલ અને ડેટોલ પણ ડુપ્લીકેટ!, સરથાણામાંથી આખું ગોડાઉન પકડાયું

સુરતઃ સુરતમાં છાસવારે ડુપ્લીકેટ ઘી, તેલ, કપડા, ઘડિયાળ સહિતના સામાન ડુપ્લીકેટ બનતા હોવાનું પકડાઈ ચૂક્યું છે. ત્યારે આ વખતે એક મોટી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બ્રાન્ડેડ કંપનીના સાબુ સહિતની વસ્તુઓ બનતી હોવાનું સામે આવ્યો હતો.

મળતી વિગતો મુજબ બ્રાન્ડેડ કંપનીના સાબુ, હારપીક સહિતની વસ્તુઓ ડુપ્લીકેટ રીતે બનતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખીને છાપો મારવામાં આવ્યો હતો. જેમાં નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોવાનું પ્રકાશમાં આવ્યો હતો.

પોલીસ દ્વારા મહાદેવ ક્રિએશન નામના ગોડાઉનમાં પાડવામાં આવેલા દરોડામાં રેકિટ બેનકીઝર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીના બ્રાન્ડેડ હારપીક, લાઈજોલ તથા ડેટોલ સહિતની ચીજોની નકલ કરી લાઈસન્સ વિના ડુપ્લીકેટ ચીજો બનાવવાના સ્કેમનો પર્દાફાશ થયો હતો.

મહાદેવ ક્રીએશનના ગોડાઉનમાંથી નકલી ચીજ વસ્તુ બનાવવા માટે વપરાતું રો મટીરીયલ પણ મોટી માત્રામાં મળી આવ્યું હતું. સાથે જ કેન અને વેચાણ કરવા માટેના ખોખા પણ મળી આવ્યા હતા. પતરાના શેડમાં આ ફેક્ટરી ચાલતી હતી. હાલ તમામ વસ્તુઓ સીઝ કરી દેવામાં આવી છે.

શું છે મામલો?
મુંબઈના મલાડ વેસ્ટમાં રહેતા દીપક બાબુલાલ પટેલ નેત્રિકા કન્સ્લટીંગ ઈન્ડિયા પ્રા. લિ કંપનીની ગોરેગાંવ મુંબઈ સ્થિતિ હેડ ઓફિસમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી કરે છે. દીપક પટેલે કોપીરાઈટ એક્ટ હેઠળ સુરતના સરથાણા કેનાલ રોડ પર માતૃશ્રી કંપાઉન્ડમાં આવેલા મહાદેવ ક્રિએશનના પ્રકાશ મોહનભાઈ મોલ્યા (રહે. કૃષ્ણનગર સોસાયટી, કઠોદરા, સુરત) વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

દિપક પટેલે આક્ષેપ કર્યા હતા કે આરોપી દ્વારા તેમની રેકકિટ બેન્કાઈઝર (ઈન્ડિયા) પ્રા.લિ. કંપનીના હારપીક લીકવડી, ડેટોલ, લાઈઝોલનું ડુપ્લીકેશન કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ લાયસન્સ વિના તેમની કંપનીના લોગોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

ફરિયાદને પગલે સરથાણા પોલીસે મહાદેવ ક્રિએશનના ગોડાઉનમાં દરોડો પાડતા ત્યાંથી કંપનીના લોગાવાળા હારપીક, લાઈઝોલ, ડેટોલ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 4,39,800 કિંમતનો નો મુદ્દામાલ સિઝ કરી આરોપી પ્રકાશ મોલ્યાની ધરપકડ કરવામાં આવી છે.

Most Popular

To Top