SURAT

કોલડ્રીંક્સ પણ.., સુરતના પાંડેસરામાંથી હાનિકારક ઠંડા પીણા મળ્યાં!

સુરત શહેર જાણે નકલી ચીજવસ્તુઓનું હબ બનતું જઈ રહ્યું છે. થોડા સમય પહેલાં નકલી ઘી, બટર મળ્યા હતા. બોગસ ડોક્ટરો તો અવારનવાર પકડાતા રહે છે, ત્યારે હવે કોલ્ડ ડ્રિંક્સ પણ ભેળસેળિયા મળવા લાગ્યા છે. ઉનાળાની ઋતુ શરૂ થતાં કોલ્ડ ડ્રિંક્સની ડિમાન્ડ વધતી હોય છે. ત્યારે કેટલાંક ભેળસેળિયાઓ હલકી ગુણવત્તાના હાનિકારક કોલ્ડ ડ્રિંક્સ વેચવા લાગ્યા છે.

ભેળસેળિયાઓ સામે સુરત મનપાની આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. લાયસન્સ વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડું-પીણુંનો જથ્થો કબજે કરી નાશ કર્યો છે. મનપાના અધિકારીઓને બાતમી મળી હતી કે, પાંડેસરામાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણું વેચી રહ્યાં હતા. આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતાં પેપ્સી, ફ્રુટી સહિતના ઠંડા પીણાંનો મોટો જથ્થો મળ્યો હતો. બરફની પેપ્સી, ફ્રુટી સહિતની વસ્તુઓ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી, ફ્રુટીનો નાશ કરવામાં આવ્યો હતો. હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણું વધુ પસંદ કરતા હોય છે. પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા-ઊલટી સહિત તાવના કેસો વધી રહ્યા છે, જેની પાછળ કારણ હાનિકારક આ ખાદ્ય વસ્તુઓ છે. પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા. મનપાએ દરોડા પાડી અખાદ્ય 80 કિલો ફૂડ, 1 હજારથી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો હતો.

આરોગ્ય અધિકારી પ્રશાંત પાટિલએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગે 80 કિલો ખાદ્ય પદાર્થો, 1000થી વધુ પેપ્સીની બોટલો અને 7 લીટર ફ્રુટી કબજે કરી નાશ કર્યો હતો. હાલ પાંડેસરા, ઉધના અને ડિંડોલી વિસ્તારમાં ઝાડા-ઊલટી અને તાવના કેસોમાં વધારો નોંધાયો છે. તે પૃષ્ઠભૂમિએ લોકોના આરોગ્ય માટે હાનિકારક એવા ઠંડા પીણાંનું વેચાણ અટકાવવા અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકાએ સુરતના લોકોને અપીલ કરી છે કે, કોઈ પણ પ્રકારના શંકાસ્પદ ઠંડા પીણાંથી બચવું અને પ્રમાણભૂત કંપનીના તેમજ માન્યતા પ્રાપ્ત ઠંડા પીણાંનો જ ઉપયોગ કરવો. જો કોઈ અખાદ્ય વસ્તુઓ વેચાતી જણાય તો તાત્કાલિક મનપાની આરોગ્ય વિભાગને જાણ કરવા જણાવાયું છે.

Most Popular

To Top