નવી દિલ્હી: પંજાબ (Punjab) કોંગ્રેસમાં (Congress) ડેમેજ કંટ્રોલરની ભૂમિકા નિભાવતા નેતા હરીશ રાવતે (Harish Rawat) હવે પોતાની જ પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. ચૂંટણી (Election) પહેલા હરીશ રાવતે પાર્ટીના નેતૃત્વ અને અન્ય નેતાઓ પર પ્રહારો કર્યા છે. રાવતે કહ્યું કે જેના આદેશ પર મારે તરવાનું છે, તેમના જ માણસોએ મારા હાથ પગ બાંધી રાખ્યા છે. હરીશ રાવતે એક પછી એક ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. હરીશ રાવતે લખ્યું છે કે, ‘આ અજુગતું નથી, આ અજુગતું નથી. ચૂંટણીરૂપી સમુદ્રમાં તરવાનું છે. ત્યારે સહકાર આપવાના બદલે પાર્ટી મોંઢું ફેરવીને ઉભી છે. અહીં લોકો નકારાત્મક ભૂમિકા નિભાવી રહ્યાં છે.
આટલું જ નહીં, અન્ય એક ટ્વિટમાં રાવતે લખ્યું, ‘સત્તાએ ત્યાં અનેક મગર છોડી દીધા છે. જેના આદેશ પર તરવાનું છે, તેના માણસો જ હાથ પગ બાંધી રહ્યા છે. મનમાં ઘણા વિચાર આવી રહ્યાં છે. હરીશ રાવત હવે બહું થયું. ઘણું તર્યા. હવે આરામનો સમય છે. હરીશ રાવતે વધુમાં લખ્યું કે, ધીમેથી મનના એક ખૂણામાંથી અવાજ આવી રહ્યો છે ‘ન દૈન્યં ન પલાયનમ્’ ભારે મૂંઝવણની સ્થિતિમાં છું. નવું વર્ષ કદાચ મને રસ્તો બતાવે. મને વિશ્વાસ છે કે ભગવાન કેદારનાથ આ વિપરિત પરિસ્થિતિમાં મારું માર્ગદર્શન કરશે.
હરીશ રાવતે ટ્વિટર પર કરેલી ટિપ્પણીઓમાં કોઈ નેતાનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ ઈશારામાં તેમણે પાર્ટીના નેતૃત્વ અને રાજ્યના નેતાઓ પર નિશાન સાધ્યું છે. જેમના આદેશ પર મારે તરવું છે, તેમના પ્રતિનિધિઓએ મારા હાથ-પગ બાંધી દીધા છે, તેમ કહી હરીશ રાવતે ગાંધી પરિવાર અને તેમના નજીકના લોકો પર સીધો નિશાન સાધ્યું છે. રાવતની આ ટિપ્પણીઓ પાર્ટીમાં રહેલી આંતરીક મતભેદને છતું કરે છે. આ સિવાય તે રાજ્યની ચૂંટણીમાં પાર્ટીની સ્થિતિને પણ નબળી બનાવી શકે છે. આવી સ્થિતિમાં આ વિવાદનો સમય કોંગ્રેસને ભારે પડી શકે છે. હરીશ રાવતની ટિપ્પણી પર હજુ સુધી કોઈ નેતાની પ્રતિક્રિયા સામે આવી નથી.