વડોદરા: વડોદરાથી (Vadodara) ગુમ થયેલા ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ સ્વામી (Hariharanabd Swami) નાસિકથી (Nashik) મળી આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલા હરિપહરાનંદ બાપુને આજે બપોરે 1 વાગ્યે વડોદરા લાવવમાં આવ્યા હતા. ત્યાં ક્રાઈમ બ્રાંચ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ઘણા મોટા ઘટસ્ફોટ સામે આવ્યા છે. હાલ સ્વામીને જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે લઈ જવામાં આવશે.
વડોદરા ક્રાઈમ બ્રાંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હરિહરાનંદ સ્વામીની શોધ તેમના જ સેવક દ્વારા નાસિકમાંથી કરવામાં આવી છે. બાપુ આશ્રમના જમીન વિવાદને લઈને આશ્રમ છોડી નીકળી ચાલ્યા ગયા હતા. તેની તપાસ જુનાગઢ અથવા તો સરખેજ અમદાવાદથી થશે. DCP ઝોન 3 યશપાલ જગાણીયાએ જણાવ્યું કે બાપુ વડોદરાથી એક ટેમ્પામાં બેસી નાસિક ગયા હતા. હજી સુધી તેમણે કોઈ રાજકીય દબાણની કોઈ વાત કરી નથી. પરંતુ જમીન વિવાદથી કંટાળી અને માનિસક તણાવના કારણે આશ્રમ છોડી જતા રહ્યા હોવાની વાત બાપુએ કરી છે. ક્રાઈમ બ્રાંચની પૂછપરછ બાદ જુનાગઢ ભારતી આશ્રમના ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બાપુને જૂનાગઢ લઈ જવામાં આવશે.
વડોદરાની કપુતરાઈ ચોકડીથી ત્રણ દિવસ અગાઉ ભારતી આશ્રમના મહંતસ્વામી હરિહરાનંદ ભારતીજી ગુમ થયાની ફરિયાદ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. વડોદરા પોલીસ દ્વાર 7 ટીમ બનાવી બાપુની શોધખોળ આદરી હતી. વડોદરા પોલીસ છેલ્લા ત્રણ દિવસથી બાપુને શોધવના પ્રયાસ કરી રહી હતી. પરંતુ તેમના જ એક સેવકને મહારાષ્ટ્રના નાસિકમાં એક કારમાં બાપુ મળી આવ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
ભારતી આશ્રમના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ગુમ થયાની ફરિયાદ પરમેશ્વર ભારતીએ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે સ્વામીજી ગત તા. 30 એપ્રિલ 2022ના રોજ બપોરના આશરે 12 વાગ્યે અમારા આશ્રમ કેવડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ડૉ. રવીન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે ગયા હતા. ચેકઅપ કરાવી સાંજના આશરે સાડાપાંચ વાગ્યે કેવડિયા આશ્રમ ખાતે આવવા નીકળ્યા હતા. પરંતુ તેઓ આશ્રમ પહોંચ્યા ન હતા. ફરિયાદ નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી હતી, પોલીસને જાણવા મળ્યું હતું કે તેઓ તેમના એક સેવકના ઘરે રાત્રિ ભોજન કરવા માટે ગયા હતા. ત્યાર બાદ રાત્રે આશરે નવ વાગ્યેને તેમણે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે અન્ય એક શિષ્ય કાળુ ભારતીના ઘરે જવાનું કહેતા સેવક રાકેશભાઇ ડોડિયાએ હરિહરાનંદ મહારાજને કપુરાઇ ચોકડી પાસે આવેલી પોલીસ ચેકપોસ્ટની પાછળ હનુમાન દાદાની ડેરીએ કારમાંથી ઉતાર્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી પ્રમાણે ગુમ થયાની રાત્રે તેઓ કપુરાઈ ચોકડી નજીક આવેલી એક હોટલ કિષ્નાની બહાર લગવવામા આવેલા CCTV કેમેરામાં કેદ થયા હતા.
વડોદરા પોલીસે મહારાજ હરિહરાનંદ સ્વામીના ગુમ થયાની ફરિયાદ નોંધી 7 ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી. અટલું જ નહીં તેમના અંગે માહિતી આપનારને પણ ઇનામ આપવાની જાહેરાત પણ કરી હતી. મહારાષ્ટ્રના નાસિકમાં એક સેવકને બાપુ મળી આવ્યા હોવાનું સામે આવતા પોલીસ દ્વારા બાપુને વડોદરા લાવવાની તૈયારી કરવામાં આવી હતી. હરિહરાનંદ મહરાજને વડોદરા લાવવામાં આવ્યા બાદ વાડી પોલીસ સ્ટેશન તેમજ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હરિહરાનંદ સ્વામીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેમણે ભારતી આશ્રમના જમીન વિવાદની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ભારતી આશ્રમ સરખેજનો વિવાદ ખૂબ થયો છે. એક વર્ષ થયું મારા ગુરુ ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યાર પછીથી વિવાદ ખૂબ જ વધી ગયો છે. મારા નામે વિલ છે. તેથી તેઓ મારી પાસે આશ્રમ માંગ છે. તેઓએ નકલી વિલ બનાવ્યું. મને ખૂબ દબાણ કરવામાં આવ્યું છે. હું કંટાળી ગયો છું અને મેં નિર્ણય લીધો છે કે હું આ છોડીને નીકળી જાઉં.’