એક ખેડૂત હતો. તેણે ખેતરમાં બહુ મહેનત કરીને ઘઉં વાવ્યા.તેની મહેનત સારી હતી અને જમીન, ખાતર, બીજ, વરસાદ,વાતાવરણ બધું જ સારું અને અનુકૂળ હતું એટલે ઘઉંનો પાક બહુ સારો થયો હતો.આખા ખેતરમાં લહેરાતા ઘઉંના ડુંડામાં ભરી ભરીને મોટા દાણા દેખાઈ રહ્યા હતા. થોડા વખતમાં જ કાપણી કરવાની હતી. એક દિવસ ખેડૂત પોતાના ખેતરમાં લહેરાતા પાકનું પશુઓ અને પક્ષીઓથી રક્ષણ કરી રહ્યો હતો અને મનમાં ને મનમાં પાકને જોઇને રાજી થઈ રહ્યો હતો કે આ વખતે તો સરસ પાક થયો છે સારી ઉપજ થશે.બરાબર તે સમયે એક સંત તેના ખેતરમાં આવ્યા.ખેડૂતે નમન કરી સ્વાગત કર્યું અને સંતને કૂવામાંથી પાણી આપ્યું, ફળ આપ્યાં. લહેરાતું ખેતર જોઇને સંત બોલ્યા, ‘ભાઈ, તારી પર ઈશ્વર કૃપા છે.તારા ખેતરમાં તો બહુ સારો પાક થયો છે.’
ખેડૂતે વટ મારતાં કહ્યું, ‘બાપજી, મારી સતત રાત દિવસની મહેનત છે.બહુ કાળજી લઈને મહેનત કરીને મેં વાવણી કરી હતી. હવે બસ પાક તૈયાર જ છે. કાપણી થોડા દિવસમાં કરીશ.’ સંત થોડો સમય આરામ કરી આગળ વધી ગયા. થોડા દિવસ બાદ સંત પાછા ફરતા હતા ત્યારે જોયું તો ખેતર સાવ ઉજ્જડ થઈ ગયું હતું.ખેડૂત થોડે દૂર માથે હાથ દઈને બેઠેલો દેખાયો. સંત તેની પાસે જઈને બોલ્યા, ‘ભાઈ, આ શું થયું?’ ખેડૂત માથે મૂકેલો હાથ ઉપર આકાશ તરફ કરીને બોલ્યો, ‘આ ભગવાને જ બધું સત્યાનાશ કર્યું. તમે ગયા તેના બીજા દિવસે જ તીતીઘોડાના ટોળાનો હુમલો થયો અને બધો પાક ખરાબ થઈ ગયો.’ સંત ધીમું હસ્યા,ખેડૂત ગુસ્સે થયો અને બોલ્યો, ‘મારો મહામહેનતે ઉગાડેલો આખો પાક ભગવાને બગાડી નાખ્યો,મને ભગવાને આટલું દુ:ખ આપ્યું અને તમે હસો છો?’ સંત બોલ્યા, ‘ભાઈ, તારા નુકસાનનું મને બહુ દુઃખ છે પણ હું હસું છું તારા મનની ભાવના પર. મેં તને કહ્યું હતું કે ઈશ્વરકૃપા છે.
બહુ સરસ પાક ઊગ્યો છે તો તેં કહ્યું બધી મારી મહેનત છે અને આજે જયારે પાક ખરાબ થઈ ગયો ત્યારે તું કહે છે કે ભગવાને બધું ખરાબ કર્યું.એટલે સારું થાય તે મેં કર્યું અને ખરાબ થાય તો ભગવાને કર્યું એમ થોડું હોય, મારા ભાઈ …’ ખેડૂત ચૂપ થઈ ગયો. આ ખેડૂત જેવી પરિસ્થતિ અને ભાવના આપણા બધાની છે. હંમેશા હરિ કરે કે હું માં જ આપણે અટવાયેલાં રહીએ છીએ. સારું થાય તે આપણે બધા જ શ્રી હરિએ કૃપા કરી ..મદદ કરી એ ભૂલીને મેં કર્યું છે મારી આવડત છે નો વટ મારીએ છીએ અને કંઈ પણ ખરાબ થાય તો આ ભગવાનની ભૂલ છે. તે હંમેશા મારી સાથે જ આવો અન્યાય કરે છે ની ફરિયાદ શરૂ કરી દઈએ છીએ, ભૂલી જઈએ છીએ કે ‘હરિ કરે સો હોય.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે