નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગયા વર્ષની જેમ “હર ઘર તિરંગા” (Har ghar tiranga) અભિયાનની શરૂઆત કરી છે. આ વખતે વડા પ્રધાને દરેકને તેમના સોશિયલ મીડિયા (Social media) એકાઉન્ટ્સ પર ડીપી બદલવા અને ત્રિરંગાની તસવીર લગાવવાની અપીલ કરી હતી. પરંતુ આ વખતે ટ્વિટર (Twitter) પ્રોફાઈલ બદલતાની સાથે જ ઘણા લોકોના બ્લુ ટિક (Blue tick) ચેક માર્ક હટાવી દેવામાં આવ્યા હતા.
હકીકતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેમજ BCCIના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી દેવામાં આવી હતી. આ સિવાય ઘણા એવા યુઝર્સ છે, જેમની ડીપી બદલતાની સાથે જ બ્લુ ટિક ગાયબ થઈ હતી. જેમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સિવાય મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ગોવાના મુખ્યમંત્રી ડો.પ્રમોદ સાવંતના નામ સામેલ છે. આ મામલે જાણકારી આપતા ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે બ્લૂ ટિક ગાયબ થવાનું કારણ Xના નવા નિયમોમાં સામેલ છે.
Twitter X ના નિયમો અનુસાર જો કોઈ વપરાશકર્તા તેની પ્રોફાઇલમાં ફેરફાર કરે છે અને કોઈપણ પ્રકારનો ડિઝાઇન કરેલ, ગ્રાફિક્સ-રેડી ફોટો અથવા એનિમેટેડ ચિત્ર મૂકે છે, તો તેના એકાઉન્ટની બ્લુ ટિક કાઢી નાખવામાં આવશે. જો કે આ કાયમી રહેશે નહીં. પહેલા X દ્વારા ફોટોની સમીક્ષા કરવામાં આવશે, ત્યારબાદ ફરીથી બ્લુ ટિક દેખાશે. જો કે આ પ્રક્રિયામાં કેટલો સમય લાગશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
વાસ્તવમાં, આ ફેરફારો ટ્વિટર Xમાં કરવામાં આવ્યા હતા જ્યારે એલોન મસ્કએ ટ્વિટર સંભાળ્યું હતું. આ પછી બ્લુ સબસ્ક્રિપ્શન પણ શરૂ થયું. આ અંતર્ગત હવે ટ્વિટર યુઝર્સે વેબ માટે 650 રૂપિયા અને એપ માટે 900 રૂપિયા ચૂકવવા પડશે. બ્લુ ટિક મેળવવા માટે માત્ર પૈસા ચૂકવવા જરૂરી નથી, પરંતુ તમારે કેટલીક શરતોનું પણ પાલન કરવું પડશે. પ્રોફાઇલ ફોટોમાં ખાતાધારકનો અસલી ફોટો હોવો જરૂરી છે. જો વાસ્તવિક ફોટો ન હોય તો બ્લુ ટિક દૂર કરવામાં આવશે. જો તમે તમારો વાસ્તવિક ફોટો પછીથી પોસ્ટ કરશો, તો તમારા ફોટાની સમીક્ષા કરવામાં આવશે અને તે પછી બ્લુ ટિક પરત કરવામાં આવશે.