અમદાવાદ: આગામી 12-13 ફેબ્રુઆરીના રોજ આઇપીએલના (IPL) ઈતિહાસની સૌથી મોટી હરાજી થવા જઈ રહી છે. આ હરાજીમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. આઇપીએલ 2022ની (IPL-2022) હરાજી (Auction) બેંગલુરુમાં થશે. આ વખતે અમદાવાદ અને લખનઉ બે નવી ટીમને આઇપીએલમાં સામેલ કરવામાં આવી છે. બીસીસીઆઈએ 590 ખેલાડીના શોર્ટલિસ્ટ તૈયાર કર્યા છે. IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે. પરંતુ ટીમ સામે વિવાદ સર્જાયો છે, કારણ કે સીવીસીએ કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું છે. પરંતુ વિવાદોની વચ્ચે BCCIએ સીવીસીને ગ્રીન સિગ્નલ આપી દીધું છે. હવે અમદાવાદની આ ટીમનું નામ બદલવામાં આવ્યું છે. ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આજે નવું નામ એનાઉન્સ કર્યું છે.
હાર્દિક પંડ્યાએ કહ્યું મળીએ જલદી…
હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) ટીવ્ટર પર વિડિયો શેર કરીને કહ્યું કે નવી IPLની ટીમ અમદાવાદમાં નવી સફરની શરૂઆતને લઈને હું ઘણો જ ઉત્સુક છું. તેમણે મેનેજમેન્ટ અને ટીમના માલિકનો આભાર માન્યો હતો અને કહ્યું કે મને આ તક મળવા બદલ અને એક કેપ્ટન તરીકે મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટીમના માલિક અને ટીમ મેનેજમેન્ટનો ઘણો આભારી છું. ટીમ તેનું બેસ્ટ પ્રદર્શન કરીને બતાવશે. તેમણે કહ્યું કે રાશિદ ખાન અને શુભમન ગિલનું હું સ્વાગત કરું છું. આ બન્ને ખેલાડીને હું ઓળખું છું અને બન્નેનું પ્રદર્શન સારું છે, જે ટીમને પોઈન્ટ ટેબલમાં આગળ રાખવામાં મદદ કરશે. વિડિયોના અંતમાં તેમણે કહ્યું કે જલદી મળીશું.
હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયા મળશે
IPL 2022 માટે અમદાવાદ ટીમે ત્રણ ખેલાડીને પોતાની ટીમમાં લીધા છે. એક રિપોર્ટ્સ પ્રમાણે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયા અને શુભમન ગિલને 7 કરોડ મળશે. અમદાવાદ ટીમે પોતાના કોચિંગ સ્ટાફની પસંદગી પણ કરી લીધી છે. ટીમના મુખ્ય કોચ તરીકે આશિષ નેહરાની પસંદગી કરવામાં આવી છે. તેમજ ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર તરીકે રહેશે. ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે. આ પહેલાં હાર્દિક પંડ્યા આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં, રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં અને શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સમાં રમતા હતા.