Sports

‘અઢી મહિનામાં બધું બદલાઈ ગયું’, IPL પહેલાં હાર્દિક પંડ્યાએ આવું કેમ કહ્યું..?

ગયા વર્ષે IPLમાં રોહિત શર્માના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ હાર્દિક પંડ્યાને દર્શકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. જોકે ત્યાર બાદ હાર્દિકે T-20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. IPL-2025 ની તૈયારી કરી રહેલા આ ઓલરાઉન્ડરને આશા છે કે આ વખતે તેને મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોનો પ્રેમ મળશે.

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કહ્યું કે છેલ્લાં કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રી ફરી ચૂક્યું છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં હાર ન માનવાની પોતાના મક્કમ સ્વભાવના લીધે તે મેદાન પર અડગ ઉભો રહ્યો. આ 31 વર્ષીય ખેલાડીને વિશ્વાસ હતો કે જો તે સંપૂર્ણ સમર્પણ સાથે રમશે તો તે વધુ મજબૂત રીતે પાછો ફરશે. તા. 22 માર્ચથી શરૂ થઈ રહેલી IPLની આગામી સીઝન પહેલા હાર્દિકે Jio Hotstar ને કહ્યું, હું ક્યારેય હાર માનતો નથી. મારી કારકિર્દીમાં એવો સમય આવ્યો જ્યારે મારું ધ્યાન જીતવા કરતાં રમતમાં ટકી રહેવા પર હતું.

હાર્દિકે કહ્યું, હું માનું છું કે ક્રિકેટ હંમેશા મારો સાચો મિત્ર રહેશે. મેં મારી જાતમાં વિશ્વાસ રાખ્યો અને જ્યારે મારી મહેનત રંગ લાવી, ત્યારે તે મારી કલ્પના કરતાં પણ વધુ હતું.

હાર્દિકે કહ્યું, આ છ મહિનાના સમયગાળામાં અમે વર્લ્ડ કપ જીત્યો અને ઘરે પાછા ફરતી વખતે મને મળેલા પ્રેમ અને સમર્થનથી હું અભિભૂત થઈ ગયો. મારા માટે સમયનું ચક્ર સંપૂર્ણ ૩૬૦ ડિગ્રી ફેરવાઈ ગયું હતું.

હાર્દિકે કહ્યું, મને ખબર નહોતી કે આ ક્યારે થશે પરંતુ જેમ કહેવાય છે તેમ ભાગ્યની પોતાની યોજનાઓ હતી અને મારા કિસ્સામાં અઢી મહિનામાં બધું બદલાઈ ગયું.

પંડ્યાએ તાજેતરમાં જ ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમી સાથે નવા બોલથી બોલિંગ કરી હતી. તે ગયા વર્ષે યુએસએમાં ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. IPLની છેલ્લી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છેલ્લા સ્થાને રહી હતી, પરંતુ હાર્દિક માને છે કે આ વખતે તેની ટીમ એકદમ સંતુલિત છે અને પરિસ્થિતિ બદલી શકશે.

હાર્દિકે કહ્યું, હું લગભગ 11 વર્ષથી IPL રમી રહ્યો છું. દરેક સીઝન તમારી અંદર એક નવી ઉર્જા અને સકારાત્મક લાગણી પેદા કરે છે. ગઈ સીઝન અમારા માટે એક ટીમ તરીકે ચોક્કસપણે પડકારજનક હતી પરંતુ તેણે અમને ઘણા સારા પાઠ શીખવ્યા. હાર્દિકે કહ્યું, અમે 2025 માટે અમારી ટીમ તૈયાર કરતી વખતે વિશ્લેષણ કર્યું અને તેનો અમલ કર્યો. આ વખતે અમારી પાસે ખૂબ જ અનુભવી ટીમ છે. આપણી પાસે એવા ખેલાડીઓ છે જેમણે ઉચ્ચ સ્તરે ક્રિકેટ રમ્યું છે અને આ પ્રોત્સાહક છે.

Most Popular

To Top