Sports

શ્રીલંકા પ્રવાસના આ ફોર્મેટમાં હાર્દિક પંડ્યા નહીં રમે, હવે કોણ બનશે કેપ્ટન?

નવી દિલ્હી: રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમના આ ફોર્મેટમાં ત્રણ ખાલી જગ્યા પડી છે. ટી-20 ફોર્મેટમાં રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યા કેપ્ટનશીપનો ભાર સંભાળે તે લગભગ નક્કી જ છે. શ્રીલંકા પ્રવાસથી જ હાર્દિક પંડ્યા ટી-20 ફોર્મેટમાં કેપ્ટનની જવાબદારી લેશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

શુભમન ગીલે ઝિમ્બાબ્વે પ્રવાસ પર યુવા ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. હવે શ્રીલંકા પ્રવાસ પર ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારતીય ક્રિકેટ ફરી એકવાર કેપ્ટનશીપને લઈને મૂંઝવણમાં જોવા મળી રહ્યું છે. ટીમના વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યાને હોટ સીટ પર બેસાડવો જોઈએ કે નેતૃત્વની લગામ સૂર્યકુમાર યાદવને સોંપવી જોઈએ? તે અંગે અસમંજસ છે.

ભારત આ મહિનાના અંતમાં શ્રીલંકા સામે 3 T20 મેચ રમશે, જે નવા કોચ અને ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર હેઠળની પ્રથમ સિરિઝ છે. ટી-20 મેચ બાદ ભારત 3 વનડે પણ રમશે. બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની ટાઈટલ જીતમાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ રોહિતની ગાદી સંભાળવા માટે પંડ્યા યોગ્ય પસંદગી છે. પરંતુ આ દરમિયાન પંડ્યાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

બરોડાના આ ખેલાડીની ફિટનેસ સામે સવાલ ઉભા થયા છે, તેથી સૂર્યકુમારનું નામ કેપ્ટન તરીકે ચર્ચાવા લાગ્યું છે. પંડ્યાએ બીસીસીઆઈને જાણ કરી છે કે તે અંગત કારણોસર શ્રીલંકા પ્રવાસ માટે વન-ડે ટીમનો ભાગ નહીં હોય. ભારતીય ટીમ શ્રીલંકા સાથે 2 થી 7 ઓગસ્ટ સુધી ત્રણ વનડે રમશે.

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગંભીરે તમામ સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને શ્રીલંકા સામે ત્રણ વનડે રમવા માટે વિનંતી કરી છે. ખેલાડીઓએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી કારણ કે રોહિત અને કોહલી બ્રેક લઈને પરિવાર સાથે વિદેશ પ્રવાસ કરી રહ્યા છે.

બીસીસીઆઈના સૂત્રએ કહ્યું હાર્દિકની ફિટનેસ એક મુદ્દો છે, પરંતુ ટી20 વર્લ્ડ કપ 2024માં તેણે મોટી ભૂમિકા ભજવી હતી. સૂર્યકુમાર માટે અમને ટીમ તરફથી સારો પ્રતિસાદ મળ્યો. તેની કેપ્ટનશીપ શૈલીને ખેલાડીઓ પસંદ કરી રહ્યાં છે.

Most Popular

To Top