બે મિત્ર હતા; સુમિત અને વિરલ. બંને વચ્ચે આમ દોસ્તી અને આમ વર્ગમાં વધારે માર્ક લાવીને પહેલા આવવાની હરીફાઈ પણ….દર વખતે વિરલ જ પહેલો આવે અને સુમિત થોડા માર્ક માટે પાછળ રહી જાય.સુમિત મનમાં ખૂબ જ દુઃખી થાય; મનમાં તેને એમ થાય કે એક વખત તો વિરલને મારાથી ઓછા માર્ક આવે અને હું પહેલો આવું તો મજા આવી જાય. વિરલને ઓછા માર્ક આવે અને પોતાના વધારે તે માટે સુમિતે બહુ વિચારીને એક માર્ગ શોધ્યો.સુમિતે;વિરલની વિજ્ઞાનની પ્રયોગપોથી જેના ૨૦ માર્ક હતા તે તેની બેગમાંથી લઈ લીધી અને મૌખિક પરીક્ષામાં વિરલ પોતાની પ્રયોગપોથી સરને બતાવી શક્યો નહિ. શિક્ષકે કહ્યું, ‘તું હોશિયાર વિદ્યાર્થી છે એટલે ૭ માર્ક આપી પાસ કરું છું પણ આવી લાપરવાહી ન ચાલે તે યાદ રાખજે.’ વિરલની આંખમાં આંસુ આવી ગયા.
સુમિતે પોતાની પ્રયોગપોથી બતાવી. તેને વિરલથી વધારે માર્ક મળ્યા.જે છેલ્લા રીઝલ્ટમાં સુમિતને વિરલથી આગળ વધી જવામાં મદદ કરવાના હતા. વિરલ ઉદાસ હતો.સુમિત તેની સાથે જ હતો અને તેને કહેતો હતો, ‘એમ કેવી રીતે તારી પ્રયોગપોથી ખોવાઈ ગઈ?’ શાળા છૂટ્યા બાદ બન્ને ઘરે જતા હતા.રસ્તામાં સુમિતને મોટા પથ્થરની ઠોકર વાગી.તે પડી ગયો. તેની બેગ પણ ફંગોળાઈને દૂર પડી અને બધાં પુસ્તકો અને નોટબુક બહાર પડ્યાં.વિરલે દોડીને તેને ઊભો કર્યો અને તેની બેગમાં નોટબુક અને પુસ્તકો ગોઠવવા લાગ્યો.અચાનક તેનું ધ્યાન પોતાની પ્રયોગપોથી પર ગયું.
તેને નવાઈ લાગી કે મારી પ્રયોગપોથી સુમિતે લઇ લીધી હતી!? એક દોસ્તે આવું કર્યું? તેણે પોતાની પ્રયોગપોથી સુમિતને બતાવી તે બોલ્યો, ‘અરે મારી પ્રયોગપોથી તારી બેગમાં?નક્કી કોઈએ મસ્તી કરી લાગે છે.’ વિરલ કંઈ ન બોલ્યો.પોતાની પ્રયોગપોથી લઇ લીધી. વિરલ ઘરે ગયો. એકદમ ગુમસુમ હતો.મમ્મીએ પૂછ્યું, ‘શું થયું?’ તેણે બધી વાત કરી અને કહ્યું, ‘મમ્મી, હું જેને મારો ખાસ મિત્ર સમજતો હતો તેણે થોડા માર્ક માટે આવું કર્યું. હવે હું શું કરું?’ મમ્મીએ કહ્યું, ‘જો દીકરા, તું તેની જોડે મિત્રતા તોડી શકે છે…ઝઘડો કરી શકે છે …શાળામાં તેની વિરુધ્ધ ફરિયાદ કરી શકે છે.
પણ આ બધા કરતાં પણ એક એકદમ અઘરું કામ છે માફ કરવું અને એથી પણ અઘરું છે, જેણે તમને દુઃખ પહોંચાડ્યું તેનો તેને અફસોસ પણ ન હોય અને તેણે માફી માંગી પણ ન હોય તેવા વ્યક્તિને પણ માફ કરી દેવો.તું સુમિતને માફ કરી દે.કાલે શાળામાં સરને પ્રયોગપોથી દેખાડજે, પણ કોઈ ફરિયાદ કરતો નહિ.’વિરલે અઘરું કામ કરવાનું નક્કી કર્યું અને કોઈ ફરિયાદ ન કરી.સુમિતને શરમ આવી. તેણે બે દિવસ પછી વિરલની માફી માંગી અને સર પાસે ગુનો કબૂલી લીધો અને વિરલને માર્ક આપવા વિનંતી કરી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.