કેટલાક લોકો અમેરિકાને જાણે ધરતી પરનું સ્વર્ગ માને છે અને જેમને અમેરિકામાં કાયમી રહેવાનો અધિકાર મળી ગયો તેઓ ઘણા સુખી લોકો છે એમ માને છે. જેમને અમેરિકાનો ગ્રીન કાર્ડ મળી જાય તેઓને ત્યાં કાયમી વસવાટનો અધિકાર મળે છે. પણ જેઓ અમેરિકામાં કાયમી વસવાટનો અધિકાર મેળવીને સુખી થઇ ગયેલા માનવામાં આવે છે તે ગ્રીન કાર્ડ હોલ્ડરોની પણ હવે ત્યાં હેરાનગતિ શરૂ થઇ હોવાના ચિંતાજનક અહેવાલ આવી રહ્યા છે. નવા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ઇમિગ્રેશન નીતિઓમાં વ્યાપક ફેરફારો કરી રહ્યા છે ત્યારે અનેક અહેવાલો એવું સૂચવી રહ્યા છે કે અમેરિકી અધિકારીઓ ગ્રીન કાર્ડ હોલ્ડરોની કોઇને કોઇ બહાને હેરાનગતિ કરવા માંડ્યા છે. અને જે ગ્રીન કાર્ડ ધારકો સખત સમયનો સામનો કરી રહ્યા છે તેમાં ભારતીય મૂળના લોકોનો પણ સમાવેશ થાય છે. અમેરિકાની બદલાયેલી ઇમિગ્રેશન નીતિઓ અને સરકારના બદલાયેલા અભિગમ વચ્ચે હવે આ ગ્રીન કાર્ડ ધારકોની પણ હેરાનગતિ શરૂ થઇ છે.
વિશ્વના અનેક દેશોના ગ્રીન કાર્ડ ધારકોની અમેરિકામાં સતામણી શરૂ થઇ છે. ગ્રીન કાર્ડ હોલ્ડરોનું એરપોર્ટો પર સેકન્ડરી ઇન્સ્પેકશન કરવામાં આવે અને આખી રાત અટકાયતમાં રાખી મૂકવામાં આવે તેવા બનાવો વધી રહ્યા છે અને ભારતીયો સાથે પણ આવા બનાવો બન્યા હોવાના અહેવાલો છે. એક અગ્રણી અખબારના એક અહેવાલમાં ગ્રીન કાર્ડ ધારકો ખાસ કરીને વૃદ્ધ ભારતીયોની અમેરિકી એરપોર્ટ પર વધતી જતી ચકાસણી અંગે અમેરિકાના ઇમિગ્રેશન વકીલોમાં વધતી ચિંતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વૃદ્ધ ભારતીય ગ્રીન કાર્ડ ધારકો, “ખાસ કરીને જેમણે અમેરિકાની બહાર થોડો વધુ સમય વિતાવ્યો છે, તેમને સ્વૈચ્છિક રીતે અમેરિકામાંનો તેમનો કાયમી વસવાટનો અધિકાર છોડી દેવા માટે ફોર્મ I-407 પર સહી કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.
તેઓ જો આનો સામનો કરવાનો પ્રયાસ કરે તો સીબીપી અધિકારીઓ તરફથી તેમને અટકાયત અથવા હકાલપટ્ટીની ધમકીઓ આપવામાં આવે છે. ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીય મૂળના વરિષ્ઠ નાગરિકો સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં ભારતમાં રહેવાનું પસંદ કરે છે, જ્યાં ઠંડી એટલી ભયંકર હોતી નથી. આવા વૃદ્ધો પર ભારતથી પાછા ફર્યા બાદ એરપોર્ટ પર દબાણ કરવામાં આવે છે કે તેઓ પોતાનો ગ્રીન કાર્ડ સરન્ડર કરી દે. સિએટલ સ્થિત એટર્ની કૃપા ઉપાધ્યાયે દબાણ હેઠળ ગ્રીન કાર્ડ સોંપવા સામે ચેતવણી આપે છે. તેઓ કહે છે કે કોઈ વ્યક્તિનું ગ્રીન કાર્ડ સરહદ પર રદ કરી શકાતું નથી જ્યાં સુધી તેઓ ‘સ્વૈચ્છિક રીતે’ ફોર્મ I-407 પર સહી ન કરે. જો તેઓ 365 દિવસથી વધુ સમય અમેરિકાની બહાર વિતાવ્યા હોય, તો તેમના પર રહેઠાણ ‘ત્યાગ’ કરવાનો આરોપ લાગી શકે છે પરંતુ તેમને કોર્ટમાં આને પડકારવાનો
અધિકાર છે.
અત્યાર સુધી એવું માનવામાં આવતુ હતું કે ગ્રીન કાર્ડ હોલ્ડરોને અમેરિકામાં કાયમી રહેવાનો અધિકાર મળી ગયો છે, પણ ઉપપ્રમુખ જે.ડી. વાન્સ સહિત કેટલાક ટોચના અમેરિકી રાજકારણીઓએ ચેતવણી આપી છે કે ગ્રીન કાર્ડ ધારકને અમેરિકામાં કાયમી રીતે રહેવાનો અધિકાર નથી અને જો પ્રશાસનને યોગ્ય લાગે તો તેમની પણ હકાલપટ્ટી થઇ શકે છે. આમ તો ગ્રીન કાર્ડ એ સત્તાવાર રીતે પરમેનન્ટ રેસિડન્ટ કાર્ડ જ ગણાય છે પણ હવે સરકારના સૂર બદલાયા છે, અને કાલે ઉઠીને તેઓ કદાચ કાયદા અને નિયમો પણ બદલી શકે. જેઓ ગ્રીન કાર્ડ મળી જતા કે અન્ય કોઇ દેશનો કાયમી વસવાટનો અધિકાર મળી જતા સ્વદેશ સાથેના સંબંધો કાપી નાખે છે કે અહીંની મિલકતો વેચવા કાઢે છે તેમના માટે આ ચેતવણીસૂચક
બાબત છે.
