મારોતનદાસ બાઉલ સાથે અમે પદ્મા નદીના કાંઠે પુતીયા ગામમાં યોજાયેલ મેળો પૂર્ણ કરી રાજાશાહી જિલ્લાના કલીયાગાછી ગામમાં બાંધુ બાઉલના આશ્રમે પહોંચ્યા. રોતાનદાસ બાંધુના પરમ ગુરુ (એટલે કે ગુરુના પણ ગુરુ) થાય. સાંજ થવા આવી હતી. અમે થોડો સમય રોતનદાસની વાતો સાંભળી, ગીતો સંભાળ્યા પણ બાંધુનું મન ગીતમાં કે વાતમાં ચોટતું નહોતું તે વારે વારે ઉભો થઈ અને ઝુંપડીની બહાર જતો રહેતો હતો. જો આ વાત અમારા ધ્યાનમાં પણ આવી જાય તો તે વાત રોતનદાસના ધ્યાન બહાર તો રહે જ ક્યાંથી ?
તેણે સુતી વખતે પૂછ્યું, ‘બાંધુ ,કંઈ પરેશાની છે? તું વિચલિત કેમ છો?’ ભજન-સાધનમાં પણ જીવ નથી લાગતો કે શું ? ’પહેલા તો બાંધુ એ કોઈ મુશ્કેલી નથી તેમ કહ્યું, પણ વધુ પૂછપરછ કરતા સત્ય કહી દીધું, ‘ગુરુ,બીજું તો કશું નહી પણ “છાગાલેર હયરાની!” બકરીઓની પરેશાની !’ વાત એમ હતી કે દસ વર્ષ પહેલા બાંધુ એ કલીયાગાછી ગામમાં તેનાં ગુરુનો આશ્રમ સંભાળ્યો ત્યારે આજુબાજુમાં વસ્તી નહીવત હતી. પછી ભરવાડ લોકો ચોતરફ વસવા લાગ્યા. તેમની સાથે રહેલ બકરીઓ આશ્રમના ઝાડને નુકશાન કરવા લાગી. બાંધુ તો એકલો જ, તેથી દિવસે કોઈ જો ઝાંપો ખુલ્લો રાખી દે તો તરત બકરી અંદર ઘૂસીને બદામ, જમરુખ વગેરેને નુકશાન કરે! રાત્રે તો કાંટાની વાડ ઠેકીને આવી જાય! બાઉલ પરંપરાગત રીતે ટુંકાણમાં જ બોલે. તેથી બાઉલે તે પ્રશ્નને ‘છાગાલેર હયરાની’ એટલે કે ‘બકરીઓની પરેશાની’તે રીતે કહ્યો.અને પરમગુરુ રોતાનદાસ સમજી પણ ગયા.રોતાનદાસ બાઉલે કહ્યું, ‘નિરાંતે ઉંઘી જા! કાલે તેનો ઉપાય કરીશું.’
અમે પણ આ સંવાદ ધ્યાનથી સંભાળતા હતા. સવારે અમે થોડા મોડા સાત વાગ્યે ઉઠ્યા. આંખ ખોલીને જોયું તો આશ્રમના ફળિયામાં છએક બકરીઓ આંટા મારતી હતી! અમે વિચાર્યું આવો ઉપાય! બકરીને બગીચો ખવડાવી દેવો તે ઉપાય રોતનદાસને સુઝ્યો કે શું? ત્યાં તો ફળિયામાં રોતાનદાસ અને બાંધુ બન્નેને શાંતિથી બેઠેલા જોયા. અમે પૂછ્યું,’રોતાનદાસ, બકરીઓ આશ્રમમાં ઘૂસીને આંટાફેરા કરે છે, તમે તેને રોકવા કૈક ઉપાય કરવાના હતા ને ?’તે હસવા લાગ્યા અને બોલ્યા. ‘ઉપચાર થઈ ગયો,હવે બકરી ઝાડને પરેશાન નહી કરે !’ અમે બગીચા તરફ જોયું તો બકરીઓ ખરેખર ઝાડને સ્પર્શતી નહોતી. અમે પૂછ્યું ,‘રોતાનદાસ, તમે શું ચમત્કાર કર્યો ?’ ત્યાં તો બાંધુ બોલ્યો, ‘પરમગુરુ એ સવારે ઉઠીને જ્યાં સુધી બકરી બે પગ ઉંચા કરીને પહોંચી જાય ત્યાં સુધીની ઝાડની નીચેની ડાળીઓ તોડી નાખી ! તેનાથી બે ફાયદા થાય, એક તો બકરીની રંજાડ મટી જાય અને ઝાડ ઝડપથી ઊંચું થાય, વધતું જાય.’ અમે આશ્ચર્યથી જોઈ રહ્યાં ત્યાં રોતનદાસ બોલ્યા, ‘છ બકરી જેવાં દુશ્મન ભલેને દેહના ફળીયામાં આંટા ફેરા કરે! બાઉલ તો તેની સામે પોતાની ઊંચાઈ વધારે! બકરી પહોંચે તેવી નીચી ડાળીઓને જ બાઉલ ખેરી નાખે, પછી બકરી રૂપી છ યે દુશ્મનનો શું ડર ?