સુરત: (Surat) વરિયાવ ગામમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધને (Old Man) વહુએ વ્યાજે લીધેલા નાણાની વસૂલાત માટે પાંચ વ્યાજખોર પરેશાન કરતા હતા. વ્યાજખોરોએ અમાનવીય વર્તન દાખવ્યુ હતુ. ઘરબાર ચલાવવા માટે એક લાખ લેનાર વૃદ્ધ પાસેથી વીસ લાખ પડાવ્યા પછી પણ લુખ્ખાઓ દ્વારા વૃદ્ધ પાસેથી બળજબરીથી પ્લોટના દસ્તાવેજ પડાવી લેતા વૃદ્ધે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં પાંચની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.
જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરિયાવ ગામમાં દરજી ફળિયામાં રહેતા 80 વર્ષીય દલપતભાઈ હરીભાઈ પટેલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં વરિયાવ ગામમાં જ રહેતાં ઝાકિર ઉર્ફે કાળીયો કાદર શેખ, ઈસ્માઈલ ઉર્ફે રીઝવાન મોહમંદ ખાંડીયા, સૈયદ તલ્હા મુસ્તાક, દાઉજી હમઝા ઝુબેર અને અબ્દુલ મજીદ સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે, દલપતભાઈએ આરોપીઓ પાસેથી કોઇ રૂપીયા વ્યાજે લીધા ન હતા કે રૂપિયા લીધા અંગેનું લખાણ પણ કોઇને કરી આપ્યું નથી. તેમ છતાં આરોપીઓ પૈકી સૈયદ તલહા મુસ્તાકે 2 લાખ રૂપિયાનો ચેક બીજો 2.05 લાખનો ચેક મળી કુલ 4.05 લાખ તથા ઇસ્માઇલ ઉર્ફે રિઝવાન એમ. ખંડીયાના ખાતામાં 3 લાખ રૂપિયા તથા હમજા ઝુબેર દાવજીના ખાતામાં 2.50 લાખ રૂપિયાનો ચેક તથા અબ્દુલ મજીદે લીધેલા 8 લાખ રૂપિયાનો ચેક તેની પત્ની સાદિકાબાનુ અબ્દુલ મજીદના ખાતામાં જમા કરાવ્યો હતો. આ તમામ આરોપીઓએ જાન્યુઆરી-2021 થી આજદિન સુધીમાં કુલ 17.55 લાખ રૂપિયા ચેકથી તેમજ રોકડા રૂપિયા 3 લાખ આરોપી ઝાકીર ઉર્ફે કાળીયા શેખે લીધા હતા. તે મળી કુલ્લે 20.55 લાખ રૂપિયા તમામ આરોપીઓએ ધાકધમકી આપી બળજબરીથી દલપતભાઈ પાસેથી લઇ લીધા હતા. તેમજ તેમના પ્લોટના દસ્તાવેજ પણ આરોપી રિઝવાન પાસે હોવાથી ખોટી રીતે વ્યાજના બીજા રૂપિયાની ઉઘરાણીઓ કરી ધાકધમકી આપી પડાવી લીધા હતા. દલપતભાઈએ આ અંગે પાંચેય આરોપીઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.