સ્વામી રામદાસ દરેક પરિસ્થિતિમાં હસતા જ રહેતા.જાણે સુખ કે દુઃખ…આનંદ કે શોક તેનો તેમને સ્પર્શ જ ન થતો.એક વિદેશી મુલાકાતી તેમને મળવા આવ્યા અને કહ્યું, ‘મેં તમારા વિષે જેટલું સાંભળ્યું છે અને જેટલું જાણ્યું છે જેટલા લોકો સાથે તમારા વિષે વાત કરી છે તેઓ બધા જ કહે છે કે તમે હંમેશા હસતા જ રહો છો તમને કયારેય દુખ થતું જ નથી.કયારેય તમારા મુખ પરનું હાસ્ય ગાયબ થતું જ નથી આવું કઈ રીતે શક્ય છે શું તમને સાચે જ કયારેય દુઃખ થતું જ નથી કે પછી તમે સદા હસતા રહેવાનો અભિનય કરો છો??’ સ્વામી રામદાસ હસ્યા અને બોલ્યા, ‘હું સાધારણ મનુષ્ય છું કોઈ કલાકાર નથી કે સદા હસતાં રહેવાનો અભિનય કરી શકું.મને દુઃખ એટલે શું તે ખબર જ નથી.શેનું દુઃખ હોય ભાઈ ?? દુઃખ એટલે શું તમે જ કહો.’
વિદેશી મુલાકાતી બોલ્યો, ‘દુઃખ એટલે ………એમ તો કઈ રીતે સમજાવું …કૈંક ન ગમતું થવું …મનની લાગણી દુભાવી …..’ અટકતા અટકતા વિદેશી મુલાકાતીએ દુઃખ એટલે શું સમજાવાની કોશિશ કરી. સ્વામી રામદાસ બોલ્યા, ‘ભાઈ, હું આવું વિચારતો જ નથી જીવન ભગવાને જ આપ્યું છે.અને ભગવાનની છાયામાં જીવવાનો એટલો બધો આનંદ આવે છે કે કૈક ન ગમતું છે જ નહિ મને બધું જ ગમે છે જે થાય તે હું સ્વીકારું છું એટલે મારી લાગણીઓ દુભાતી નથી માટે આનંદથી છલકતી રહે છે.એટલે હું સુખી છું કે દુઃખી એવા કોઈ તફાવત કરીને જીવવાનો મને સમય જ નથી મળતો.’
વિદેશી મુલાક્તીએ પોતાની રઢ ન છોડી તેમણે કહ્યું, ‘એ બધું ઠીક પણ કોઈક વાતે ક્યારેક દુઃખ તો થાય જ ને?? બધાને થાય છે તો તમને પણ થાય જ ને ..’ સ્વામી રામદાસ બોલ્યા, ‘ના મને દુઃખનો અનુભવ થતો જ નથી.કારણ કે તમે બધાએ દુઃખ અને સુખ એમ બે ભાગ પાડ્યા છે અને બધા સુખ મેળવી લેવા પાછળ દોડી રહ્યા છે.એટલે સુખ જો ન મળે તો મને દુઃખ છે અને હું દુઃખી એમ વિચારવાથી દુઃખનો અનુભવ થાય છે.પણ મેં જીવનમાં આ સુખ અને આ દુઃખ એવા કોઈ તફાવત કાર્ય નથી મને માત્ર જીવવામાં રસ છે.આ આપનું જીવન છે અને આપણે તેને આનંદથી જીવવાનું છે એટલી સમજ રાખીએ તો કોઈ દુઃખનો અનુભવ થવાનો નથી.સુખ અને દુઃખની જોડી આપને બનાવી છે અને માત્ર સુખ જ જોઈએ છે એમ ન ચાલે સુખ અને દુઃખ ભૂલીને દરેક સ્થિતિમાં સ્વીકાર અને સ્નેહભાવ સાથે આનંદથી જીવો દુઃખ કયારેય નહી થાય.’ સ્વામી રામદાસે જીવનની સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.