એક યુવાનને ભણી લીધા બાદ બહુ જ સરસ નોકરી મળી. ઘરમાં બધાં જ ખુશ ખુશ થઈ ગયાં. યુવાન આવ્યો. સાંજે પાર્ટીનો માહોલ હતો. યુવાન બોલ્યો, ‘મને આ નોકરી મળી ગઈ. હવે જોજો હું કેવી મહેનત કરીશ. હું રાતદિન મહેનત કરીશ એટલે પ્રમોશન મળશે. પ્રમોશન મળ્યા બાદ વધુ ને વધુ હું પૈસા કમાઈશ. એ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરીશ, પછી હું ઘર બનાવીશ, પરિવાર બનાવીશ અને બસ પછી જો જો કેવી ખુશી મળતી જશે. જો જો તમે બધા હું એટલી બધી મહેનત કરીશ કે ખુશીનો ખડકલો કરી દઈશ.બસ મને ટેન્શન છે કે મારા ઉપરીઓને મારું કામ ગમે.’
યુવાનની વાત સાંભળીને દાદા હસ્યા અને બોલ્યા, ‘મારા દીકરા, તું આજે ખુશ નથી? ’યુવાન બોલ્યો ‘દાદા, મને પહેલો જ ઇન્ટરવ્યૂ આપતા નોકરી મળી ગઈ પણ આ તો હજી પહેલું પગલું છે,આગળ બરાબર કામ કરવાની જવાબદારી છે અને જીવનમાં જે જોઈએ છે તે બધું મેળવી શકીશ કે નહિ તેની ચિંતા છે.અત્યારે હજી કોઈ ખુશી મળી નથી. હજી આગળ જતાં મળશે… મને જીવનમાં જેટલી ખુશીઓ મેળવવી છે ને એ તો હું ગાડી બંગલા બધું મેળવી લઈશ. મારાં બધાં સપનાંઓ પૂરાં કરી લઈશ પછી જ મળશે.’
દાદા ફરી હસ્યા અને બોલ્યા, ‘અરે મારા દીકરા, ખુશી ક્યારેય ભવિષ્યકાળમાં હોતી નથી. આ મળશે પછી હું ખુશ થઈશ, ઘર ખરીદી લઈશ પછી હું ખુશ થઈશ, પ્રમોશન મેળવીશ પછી હું ખુશ થઈશ કે પછી બંગલો બાંધી લઈશ પછી હું ખુશ થઈશ એવું નથી હોતું. ખુશ રહેવાનું ખુશ થવાનું આજની અત્યારની ઘડીમાં હોય છે. તું અત્યારે બસ કંઈ જ નથી ને ખુશ છે તો પણ તું ખુશ છે. અત્યારે તારી પાસે બધું જ છે પણ જો તું ખુશ નથી તો તું ખુશ નથી. ખુશી ભવિષ્યકાળમાં હોતી નથી. ખુશી આજે જ છે. કાલે, આવતી કાલે ભવિષ્યમાં આ મળશે.પેલું મળશે તો ખુશી મળશે એ માત્ર ભ્રમ છે.
આજના દિવસમાં જીવ… તે ભણી લીધું તને ડિગ્રી મળી, એ ડિગ્રીની સાથે તેં ઇન્ટરવ્યૂ આપ્યો અને ઇન્ટરવ્યૂમાં તેને સફળતા મળી અને પહેલી નોકરી મળી. બસ આ ઘડી વર્તમાનકાળની આ ઘડીની આ ખુશી તું માણી લે. આમ કરીશ તો ખુશી મળશે એ સપનાં… એ ભ્રમ… એ શેખચલ્લીના વિચારો… એને જે કંઈ પણ કહીએ તે બધું જ બાજુમાં રહેવા દે અને આ ઘડીને માણ. મારા દીકરા ખુશી આજમાં જ છે.આજે પહેલી નોકરી મળી છે તેની ખુશી બધી ચિંતાઓ છોડીને માણી લે. ખુશી મળશે નહીં ખુશી આજે જ માણી લે.’દાદાએ પોતાના અનુભવમાંથી એક સાચી શીખ પૌત્રને આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.