Business

ઈમાનદારીથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી જ સુખ આપે છે

મનુષ્યનો સૌથી મોટો પુરુષાર્થ પૈસો મેળવવાનો જ હોય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ ઋષિઓએ દર્શાવેલા છે, તેમાં અર્થ અને કામ એ પુરુષાર્થોને મોટે ભાગે પ્રાધાન્ય અપાય છે. રાતોરાત પૈસાદાર થઇ જવાની મનોવૃત્તિ સર્વત્ર જોવા મળે છે. દિવાળીના દિવસોમાં લક્ષ્મીપૂજન થતું હોય છે. લક્ષ્મીની પૂજા વધુ પૈસા મેળવવા માટે નથી પરંતુ આંતરિક સુખની વૃધ્ધિ માટે હોય છે. લોકોએ સ્વીકારી લીધું કે પૈસા મળશે એટલે સુખ મળશે જ. પૈસો સાધન છે તેને સાધ્ય માની લેવાયો. શ્રી સૂકતમાં કહયું છે કે ‘ય: શુચિ: પ્રથ તો ભૂત્વાં’- લક્ષ્મીના સાધકે અંદર અને બહારથી પવિત્ર બની શુદ્ધ માર્ગે લક્ષ્મી મેળવવા પ્રયત્ન કરવો જોઇએ. ન્યાયથી પ્રાપ્ત લક્ષ્મી જ સુખ આપે છે. મનને શાંતિ આપે તે લક્ષ્મી.

ઋષિ વિચાર આગળ કહે છે કે, ન્યાય માર્ગે આવેલો પૈસો પણ સુખ ન આપી શકે. આવેલા પૈસાને લક્ષ્મીમાં પરિવર્તિત કરવો પડે. માર્ગ છે કે સાચી કમાણીમાંથી આવેલા પૈસામાંથી છ કે દશ ટકાનું દાન થવું જોઇએ. જો આ રીતે દાન થશે તો પૈસો લક્ષ્મી બનશે અને એ જ સાચું સુખ આપશે. ગીતામાં કહયું છે તે પ્રમાણે દેશ, કાળ અને પાત્રને જોઇને દાન કરવું જરૂરી છે. આ લક્ષ્મીથી આત્મા પ્રસન્ન રહે. ઘર તપોવન બને. લક્ષ્મીથી સત્કાર્યની પ્રેરણા મળતી હોય છે. અન્યાયના ધનથી શું થાય તે માટે ઋષિ વાણી છે કે ‘અન્યાયોપાર્જિતં દ્રવ્યં દક્ષ વર્ષાણિ નિષ્ઠતિ, પ્રાપ્તે ઐકાદશે વર્ષે સમૂલં ચ વિનશ્યતિ’.

અયોગ્ય માર્ગે આવેલું ધન દશ વર્ષ ટકે છે, અગિયારમાં વર્ષથી સમગ્ર કુટુંબને વિનાશ માર્ગે લઇ જાય છે. અથર્વવેદમાં ઋષિ કહે છે કે શતહસ્ત સમાચાર સહસ્ર્રહસ્ત શંકિર સેંકડો હાથથી ધન મેળવીને હજારો હાથથી એ ધનનો ઉત્તમ કાર્યમાં ઉપયોગ કરવો. કંજૂસ લોકો ધનનાં સંગ્રહ કરવા સિવાય કંઇ કરતા નથી. વ્યંગમાં કવિ કહે છે કે ‘કૃપણેન સમો દાતા ન ભૂતો ન ભવિષ્યતિ’. કંજૂસના જેવો દાતા થયો નથી અને થશે પણ નહીં કારણકે કંજૂસ માણસ પોતાના ધનને સ્પર્શ કર્યા વિના જ મૃત્યુ પછી પોતાનું ધન બીજાને આપી જાય છે. કેટલાય લોકો મનુષ્ય તરીકે જન્મ્યા પણ સેવાનું એક પણ કામ કરી શકતા નથી.

  • પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારી ગુરુ
  • છૈયા છોકરા શાલીગ્રામ તો કોની સેવા કરું?
  • ઘર જન સેવા, સાચી લક્ષ્મીથી સ્વર્ગ બની શકે છે.

Most Popular

To Top