Columns

નાની નાની વાતોમાં ખુશી

એક દિવસ એક પ્રોફેસરે ક્લાસમાં કહ્યું, ‘આજે આપણે મિત્રો બની જીવનનો વિષય ભણીએ. ચાલો, તમે બધાં એક કાગળ-પેન ઉપાડો અને હવે હું તમને જે સવાલ પૂછીશ તેનો પહેલી જ સેકન્ડમાં તમારા મનમાં જવાબ ઝબકે તે ઈમાનદારીથી લખી નાખજો.’ બધાં તૈયાર થઈ ગયાં…સામે કાગળ ..હાથમાં પેન અને કાન પ્રોફેસરનો સવાલ સાંભળવા આતુર…પ્રોફેસરે પૂછ્યું, ‘મારો સવાલ છે કે એવી નાની વાત લખો જે તમને બહુ ખુશી આપતી હોય…..સમય શરૂ થાય છે અને માત્ર ૧૦ સેક્ન્ડમાં જ નાનો જવાબ લખવાનો છે.’ આ સાંભળી બધા તરત કાગળમાં લખવા લાગ્યા.દસ સેકન્ડમાં જવાબ લખી લીધા બાદ પ્રોફેસરે બધાંને એક પછી એક જવાબ વાંચવા કહ્યું.બધા એક પછી એક જવાબ વાંચવા લાગ્યા.

‘મારી મમ્મીના હાથનો હલવો.’…. ‘પપ્પાનું જલ્દી ઘરે આવવું’ … ‘મારા નાના ભાઈ સાથે રમવું.’… ‘રસ્તા પર કોઈને બિસ્કીટ ખવડાવવાં.’ ‘ નાની બહેનના વાળ ખેંચી હેરાન કરવી.’ … ‘પ્રોફેસરની શાબાશી.’ … ‘મમ્મીને કામમાં મદદ કરવી’… આમ એક પછી એક જૂદા જૂદા નાના નાના જવાબ હતા.દરેક જવાબમાં એક નાનકડી ખુશી હતી, જે તે લખનાર અને વાંચનારને મન  ખૂબ જ મહત્ત્વની હતી એટલે જ સવાલના જવાબ તરીકે પહેલી સેકન્ડમાં મનમાં ઝબકી હતી.

પ્રોફેસર બોલ્યા, ‘ વિદ્યાર્થી દોસ્તો, જુઓ આપણાં બધાંના મનમાં અનેક નાની નાની વાતો હોય છે, જે આપણને ખુશી આપે છે અને આ જ નાની નાની વાતો પર આપણે ધ્યાન આપતાં નથી અને મોટી ખુશીની શોધમાં એવાં દોડીએ છીએ કે પાસે રહેલી અનેક નાની ખુશીઓ જોઈ જ શકતાં નથી અને તેનો આનંદ લેવાનું ચૂકી જઈએ છીએ અને ખુશીઓ માણવાની તક ગુમાવી દઈએ છીએ.

આ નાની નાની ખુશીઓ જ જીવનમાં મોટી અને સાચી ખુશી લાવે છે, જે બીજી કોઈ વસ્તુ લાવી શકતી નથી.આજે તમે બધાં ઘરે જજો અને ઘરમાં બધાને આ સવાલ પૂછજો.બધાંનો જવાબ વાંચજો અને તેમાં જે લખ્યું હોય તે કરજો. ઘર આખું અને દરેક પરિવારજનોનાં મન ખુશીઓથી ભરાઈ જશે.’ પ્રોફેસરની વાત સાંભળી બધાંનાં મન ઘરે જઈને આ નાની નાની ખુશીઓ આપતી વાતનો પ્રયોગ કરવા આતુર બન્યાં. ચાલો, તમે પણ આ વાંચતાં જે નાની નાની ખુશી આપતી વાત મનમાં ઊગી હોય તે કાગળ પર લખી નાખો અને આજનો દિવસ આનંદથી ભરી દો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top