એક સાહિત્યનો ત્રણ દિવસનો સેમીનાર હતો. વિધવિધ કાર્યક્રમો હતા.લેખકો અને કવિઓની મુલાકાત ,પરિસંવાદ, વ્યાખ્યાન, બુક લોન્ચ, બુક ફેર વગેરે ઘણું બધું. નાની મોટી સ્પર્ધાઓ પણ હતી. શીઘ્ર વકતૃત્વ, ડીબેટ , નિબંધ લેખન ,ગીત અને કવિતાલેખન અને પઠન વગેરે યુવાનોને આકર્ષવા અને સાહિત્ય વાંચતા કરવાનો આ એક પ્રયાસ હતો. છેલ્લા દિવસે એક સુંદર લેખનસ્પર્ધા હતી. સુપર માઈક્રો ફિક્શન એટલે માત્ર બે-ત્રણ શબ્દોમાં જ તમારી વાત કહી દેવી.નવો પ્રયોગ હતો એટલે પહેલી શરૂઆત માટે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારે મન ખુશી એટલે શું? તે બે કે ત્રણ શબ્દોમાં જ જણાવો.આ પ્રશ્ન પૂછ્યો અને હાજર રહેલા બધાએ જવાબ એક ચિઠ્ઠીમાં લખી પેટીમાં નાખી દેવાના હતા.બધાએ થોડું વિચારી જવાબ લખ્યા.
બધા જવાબ લખી ગયા પછી, થોડી વારમાં વિજેતા જાહેર કરવામાં આવશે એમ જણાવી નિર્ણાયકોની ટીમ એક પછી એક જવાબ વાંચવા લાગી…….પહેલી ચિઠ્ઠીમાં કોઈ પિતાએ લખ્યું હતું.. ‘દીકરીનું સ્મિત’….બીજીમાં જવાબ હતો ‘માતાનો ખોળો’…ત્રીજીમાં જવાબ આવ્યો ‘દીકરાના નામે ઓળખાવું’…ચોથામાં જવાબ હતો ‘મનમોજી ફરવું’…પાંચમી ચિઠ્ઠીમાં લખ્યું હતું ‘મારા ગુરુની શાબાશી’….છઠ્ઠીમાં જવાબ હતો ‘પપ્પા સાથે દોસ્તી’….સાતમો જવાબ ‘શિષ્યનું આગળ વધવું’…..
સાહિત્યરસિકો જ સેમિનારમાં આવ્યા હતા અને આવા અનેક સુંદર જુદા જુદા જવાબ હતા ‘તમારે મન ખુશી એટલે શું?’સવાલના … ‘મમ્મીના હાથની ખીર’— ‘મિત્રો સાથે મસ્તી’— ‘ચાની ટપરી પર ગપ્પા’— ‘પરીક્ષા પૂરી થવી’— ‘વેકેશનમાં રખડવું’— ‘ભગવાન સાથે વાતો’—‘એક સુંદર શેર’— ‘કોઈની મદદ’— ‘દીકરીના હાથે પાણીનો ગ્લાસ’— આવા અનેક નાના નાના જવાબો હતા.
નિર્ણાયકો જવાબો વાંચતા ગયા અને તેમની મૂંઝવણ વધતી ગઈ કે આટલા જુદા જુદા સરસ જવાબોમાંથી કયા જવાબોને પસંદ કરી ઇનામ વિજેતા ઘોષિત કરવા? નિર્ણાયકોએ બધા જવાબ વાંચ્યા અને પછી એક સરસ નિર્ણય લીધો.બધા વિજેતા કોણ છે અને તેમનો જવાબ શું છે તે જાણવા આતુર હતા.નિર્ણય જણાવવા નિર્ણાયક સ્ટેજ પર આવ્યા અને બોલ્યા, ‘આજની સ્પર્ધામાં કોઈ વિજેતા નથી અને બધા જ વિજેતા છે..’ આવું અટપટું વાક્ય સાંભળી બધા મૂંઝાયા.નિર્ણાયક આગળ બોલ્યા, ‘આજે આ સ્પર્ધાના જવાબની પેટી ઉઘાડી …
જે જવાબો મળ્યા છે તેણે એક આંખ ઉઘાડી નાખે તેવો સબક આપ્યો છે.પહેલી વાત બધાના જવાબ સુંદર છે ..બધાની ખુશી જુદી જુદી હોય છે એટલે જવાબ જુદા જુદા છે પણ જે જવાબો મળ્યા છે તેમાંથી હું ઘણા વાંચી સંભળાવું છું…’નિર્ણાયકે ઘણા જવાબો વાંચ્યા અને પછી આગળ બોલ્યા, ‘હવે અહીં જે સબક અમે શીખ્યા તે તમને જણાવું બધાની ખુશી જુદી જુદી છે ..વળી મોટા ભાગની ખુશી નાની નાની વાતોમાં છે …અને લગભગ કોઈ ખુશી જર ઝવેરાત પૈસા ગાડી બંગલામાં નથી કારણ કે એવો કોઈ જવાબ અમને મળ્યો નથી.બધા વિજેતા છે.’તાળીઓનો ગડગડાટ થયો. તમારી ખુશી શેમાં છે તે શોધી લેજો. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.