જીવનમાં ખુશી રહેવું, આનંદીત રહેવુ અને સુખી રહેવું સૌ કોઇને ગમતું હોય છે. મારી દૃષ્ટિએ સુખ, વૈભવી ધનિકતા એટલે બંગલો, ગાડી, નોકર-ચાકરની સગવડો થકી વ્યકિત મેળવી શકે છે. પરંતુ આનંદ એ આંતરિક મનની ખુશી સંતોષ હોય તો અનુભૂતિ થઇ શકે છે. આમ જોઇએ તો સુખ અને આનંદ વચ્ચે બહુ પાતળી દિવાલ છે. ઉદ્યોગપતિઓ અત્યંત સુખી જીવન જીવતા હોય છે પણ તેઓએ પણ આનંદ મેળવવા સમૂહમાં કાંઇક કાર્યક્રમમાં જઇને આનંદની ખોજ કરવી પડતી હોય છે. આમ દરેક વ્યકિતએ પોતપોતાની જીવન શૈલીને આધારે સુખ અને આનંદની અનુભૂતિ કરવી રહી. ઘણી વખત વ્યકિત પર સુખની છાયા હોય પણ આનંદનો શૂન્યાવકાશ હોય છે તો વ્યકિત ડીપ્રેસન અનુભવે છે. પણ આનંદિત વ્યકિત હોય ભલે કદાચ વૈભવી સુખ ન હોય તો તે ડીપ્રેસનમાં નથી રહેતો અને લાંબુ આયુષ્ય તંદુરસ્ત ભોગવી શકે છે.
સુરત – દિપક બંકુલાલ દલાલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સમય જ ક્યાં છે?
દિવાળી પર્વ પૂર્ણ થયો. સ્નેહલ અને સ્નેહાર્દ સંબંધો સાથે જીવતા ઘણાંએ વ્યથા ઠાલવી. નૂતનવર્ષે ઘરનાં દ્વાર ખુલ્લા મૂકી ઉમળકા સહ સ્વજનો, મિત્રો, પડોશીઓના આગમનની રાહ જોઈ. બારણું તો કોઈ ખખડાવે નહીં પણ ડોરબેલ વાગે એની રાહ જોવાઈ. કદાચ બેલ વાગે તો હ્રદય થડકાર ચૂકે! કોઈ આવ્યુનો આનંદ છવાઈ જાય. પણ કોઈ ફરક્યું જ નહીં! નજીકના કહી શકાય એવાં સ્વજનોએ પણ વોટ્સએપ પર મેસેજ દ્વારા આશીર્વાદ લીધા અને શુભેચ્છા ઓ પાઠવી, સંતોષનો ઓડકાર લીધો. ઉત્સવોની ઉજવણીનો મૂળ મર્મ જ ચૂકાઈ રહ્યો છે. શહેર કે ગામડુ દિવાળી પર્વની રાહ જોવાય જ. નૂતનવર્ષનાં દિને જે ઉત્સાહ, ઉમંગ, આત્મીય ભાવ, થનગનાટ રહેતો તે સાવ શુષ્ક, રુટીન થઈ ગયો. કારણ એક જ, સમય નથી! કે સમય કાઢવો નથી? એક વોટ્સએપ પોસ્ટ જોતા તો આઘાત લાગ્યો. અંતિમ સંસ્કાર કરી આપનાર કંપની ખુલી છે. રૂપિયા આપતા મહારાજ, મરણનો સામાન, કાંધિયા, રામનામ બોલવા માણસ, વાળંદ બધુંજ કંપની આપશે. અસ્થિ પણ કંપની જ પધરાવશે. બોલો હવે બાકી શું રહ્યુ?લાગણી, પ્રેમ, સહાનુભૂતિ, સંબંધ, પરંપરા બધામાં જ શૂન્યતા. શું કરે સમય જ નથી!
સુરત – અરૂણ પંડ્યા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.