Charchapatra

આનંદ  

આ દુનિયામાં મોટામાં મોટી અને મહત્ત્વની વાત કઈ? તો બીજાને આનંદ આપવાની. બીજાને આનંદ આપવા જેવો આનંદ આ ધરતી પર કોઈ જ નથી. એક નાના બાળકને ચોકલેટ આપો તો એ બાળક કેટલું ખુશ થઈ જાય છે. એનાથી થોડા મોટા છોકરાને ક્રિકેટનો શોખ હોય એને બેટ-બોલ લાવી આપીએ તો એ કેટલો આનંદિત થઈ જાય છે. નાની દીકરીને સરસ મઝાનું ફ્રોક આપો તો એ ખુશીથી ઝૂમી ઊઠે છે. ઉનાળાના બળબળતા તાપમાં બપોરે કોઈ ગરીબ માનવ પગમાં ચંપલ વગર જતો હોય એને આપણી ચંપલ કાઢીને આપી દઈએ અને ઠંડીમાં ઠુંઠવાતાં ફૂટપાથ પર સૂતેલા કોઈ જરૂરિયાતમંદને  અડધી રાતે ધાબળો ઓઢાડી આવીએ તો એ ખુશ થઈને દુઆઓ આપશે. આમ આનંદ પણ નિર્દોષ હોવો જોઈએ. બીજાને તકલીફ આપે કે દુઃખી કરે તેવો આનંદ ન હોવો જોઈએ.

મનપસંદ  મિત્રો મળ્યાં હોય અને તેની સાથે યોગ્ય અનુકૂળ જગ્યાએ શાંતિથી મહેફિલ માણીએ તો જાણે એક દિવસ ભરપૂર જીવ્યા જેવો આનંદ આવે, પરંતુ મોટે મોટેથી વાતો કરી કે સંગીત સાંભળી બીજાને ખલેલ પહોંચાડી કે તકલીફ આપી આનંદ લઈએ એ સાચો આનંદ નથી. એવી જ રીતે કોઈ પુરુષને સ્ત્રી મિત્ર હોય અથવા સ્ત્રીને પુરુષ મિત્ર હોય, બન્ને એકબીજાને માન સન્માન આપતાં હોય એકબીજાની કાળજી રાખતા હોય, સુખદુઃખ વહેંચતાં હોય, એકબીજા પ્રત્યે સ્નેહ હોય, એ પ્રેમ પણ મતલબ વગરનો હોય ત્યાં એકબીજાને આનંદ આપવા શારીરિક સંબંધ સ્થાપવા જેવો સ્વર્ગીય આનંદ આ ધરતી પર બીજો કોઈ નથી. હા, આ સંબંધ ઘણો નાજુક છે, જે ભવિષ્યમાં લડાઈ ઝઘડા છેતરપિંડી કે બ્લેકમેઈલિંગ પણ થઈ શકે.

પરંતુ જ્યાં એકબીજા પ્રત્યે અપાર, નિષ્પાપ, નિર્દોષ સ્નેહને તાંતણે મજબુતીથી બંધાયાં હોય ત્યાં આ વાતો ગૌણ બની જાય છે. માટે આ નાની મળેલ જિંદગીમાં જેટલો અને જેવો મળે તેવો આનંદ મળે તો એ ચોક્કસ મેળવી લેવો જોઈએ. આમ પણ આ ધરતી પર એટલા પ્રકારના આનંદ છે કે એક હજાર વર્ષનું જીવન પણ ઓછું પડે એમ છે. જિંદગીનો કોઈ ભરોસો નથી. આજનો દિવસ છેલ્લો છે એવું સમજી જીવન જીવી લેવું જોઈએ. પછી આપણને ચાહનાર વ્યક્તિ આ દુનિયામાંથી જતું રહે પછી રડવાનો કે અફસોસ કરવાનો કોઈ મતલબ નથી.
વ્યારા.           – સંજય ઢીમર  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top