શહેરના પાલ ખાતેના અટલ આશ્રમ મંદિરમાં આજે શનિવારે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. મંદિરમાં હનુમાનજીને 6 હજાર કિલો બુંદીનો લાડુનો ભોગ ધરાવાયો છે. આ લાડુની પ્રસાદી ભક્તોને વહેંચવામાં આવી રહી છે. આશ્રમ ખાતે હનુમાન દાદાને બુંદીનો ભોગ ચઢાવવા માટે ખાસ તૈયારી કરવામાં આવે છે.
લાડુ બનાવવા માટે 2000 કિલો બેસન, 2000 હજાર કિલો ખાંડ અને 80થી 90 ડબ્બા જેટલું તેલ અને ઘી, 100 કિલો સુકો મેવો તેમજ અન્ય સામગ્રી મળીને 6000 કિલોનો એક લાડુ બનાવવામાં આવ્યા છે. 2000 કિલો ગાઠીયા પણ પ્રસાદમાં ચડાવવામાં આવ્યા છે.
હનુમાન મંદિર ખાતે દિવસભર 25થી 30 હજાર ભક્તો પ્રસાદી ગ્રહણ કરશે. ગરમીને ધ્યાને લઈને 15 હજાર લીટર છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અગાઉ ગયા વર્ષે મંદિરમાં 5555 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો. જ્યારે આ વર્ષે 6 હજાર કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
અટલ આશ્રમના મહંત બટુકગીરી મહારાજે કહ્યું કે, 2004થી આ મંદિરની અંદર લાડુનો પ્રસાદ ચઢાવવાની શરૂઆત કરાઈ હતી. પહેલાં વર્ષે 550 કિલોનો લાડુ ચડાવવામાં આવ્યો હતો. જેમ-જેમ ભક્તોની સંખ્યા વધતી ગઈ તેમ-તેમ પ્રસાદીની માત્રા પણ વધતી ગઈ છે. અમે દર વર્ષે 500 કિલોનો વધારો કરીએ છીએ. આ વર્ષે 6000 કિલોનો લાડુ બનાવ્યો છે.
નોંધનીય છે કે, શનિવારના દિવસે જ હનુમાનજી જયંતી હોવાને કારણે આજનો દિવસ વધુ ભક્તો માટે મહત્વનો બની જાય છે. હનુમાનજીના ચરણોમાં આજે એમનું જે રીતે સ્વાસ્થ્ય છે, તેવું જ સ્વાસ્થ્ય આપણને પણ મળે એ પ્રકારની પ્રાર્થના કરી છે. સૌ લોકો સુખી થાય અને સૌ શાંતિપૂર્ણ રીતે મહાપ્રસાદી મેળવે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખી થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે.
