નડિયાદ: સંકટ મોચન હનુમાનજી દાદાનો આજે પ્રાગટ્ય ઉત્સવ સમગ્ર જિલ્લામાં અતૂટ શ્રદ્ધા સાથે ઉજવવામા આવ્યો હતો. મારૂતિયજ્ઞ, સુંદરકાંડ, મહાઆરતી, અન્નકૂટ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હનુમાન મંદિરોમાં કરાયું છે. તો બીજી બાજુ હનુમાન ભક્તો આ ભક્તિના પર્વમાં તરબોળ બન્યા છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે હનુમાન જયંતીની ઊજવણી કરવામાં આવી રહી છે. ગુરુવારે જિલ્લાના નાના-મોટા હનુમાન મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ. મારુતિયજ્ઞ, પંચ કુંડી યાગ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ સહિત અનેક વિશિષ્ટ કાર્યક્રમો તથા અંકુટ ભોગ દાદાને લગાવવામાં આવ્યો છે. સવારે હનુમાન મંદિરોમાં ધજા રોહણ વીધી કરવામાં આવી હતી.
આ બાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લાના પ્રાચીન હનુમાન મંદિરોમાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ખેડા, નડિયાદ, માતર, વસો, ઠાસરા, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ તથા ગામ તળના હનુમાન મંદિરોમાં હનુમાન ભક્તોએ વિશિષ્ટ કાર્યક્રમો સહીત ભંડારાના આયોજનો કર્યા છે. નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિરમાં છેલ્લા આઠ દિવસથી ધાર્મિક મહોત્સવનું આયોજન થઈ રહ્યા છે. જેમાં 6 એપ્રિલે પોથીયાત્રા નીકળી હતી. પાંચ દિવસ સુધી હનુમાન ચાલીસા અનુષ્ઠાન તથા કથા અને આજે હનુમાન જયંતીના દિવસે સવારથી જ પૂજા અર્ચના બાદ સાંજે સમૂહ સુંદરકાંડ પાઠનું આયોજન તથા મહાઆરતીનું આયોજન કરાયુ હતુ. આ ઉપરાંત પીજ ભાગોળ ખાતે આવેલી હનુમાનજી મંદિરમાં વિશિષ્ઠ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. આમ નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ભક્તોએ હનુમાન જયંતિની દબોદાભેર ઉજવણી કરી દાદાનો રાજીપો અને આર્શીવાદ મેળવ્યા છે.
નડિયાદ/ઉત્તરસંડા રોડ પરના કોંકરણ મંદિરમાં વીર બજરંગ બલિને આકડાના હારનો વિશેષ શણગાર કરાયો હતો. હનુમાન જયંતિની ઉજવણીરૂપે મંદિરમાં મારૂતિયજ્ઞનું આયોજન કરાયું હતું. મંદિરમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું.
ગળતેશ્વર તાલુકા સેવાલિયા વડુ મથક ખાતે હનુમાન જયંતીના દિવસે સાંજના 4:30 કલાકે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં અસંખ્ય ભાવિકો જોડાયાં હતાં. ડીજેના તાલ સાથે હનુમાનજી મંદિરથી નિકળેલી શોભાયાત્રામાં ભક્તોમાં ઉત્સાહ દેખાતો હતો. આ ઉપરાંત હનુમાનજીના મંદિરે હનુમાનજીના ધૂન વગાડી સાંજના પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
સ્વયંભુ ખેડીયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ધામધૂમથી કરવામાં આવી
સ્વયંભુ ખેડીયા હનુમાનજીને જન્મોત્સવને લઈને દાદાને સુંદર ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 9 થી 12 કલાક સુંદર કાંડના પાઠ કરાવવામાં આવ્યા હતા. બપોરે 12 કલાકે 108 દીવાની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.આરતી સમયે ખુબ મોટી સંખ્યામાં ભક્તો આવીને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આરતી સમયે આવેલા તમામ ભક્તોને 108 દીવાની દાદાની આરતી ઉતારવાનો લાભ આપવામાં આવ્યો હતો. સાંજે ફૂલ મંડળીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેના દર્શનથી ધન્યતા અનુભવી હતી.
ડાકોરના શ્રી બાલા હનુમાન મંદિરમાં અન્નકુટ ધરાવાયો
હનુમાન જન્મોત્સવ નિમિત્તે યાત્રાધામ ડાકોરમાં પવિત્ર ગોમતી તળાવના સામે કિનારે આવેલા શ્રી બાલા હનુમાનજી મંદિરમાં મહા અન્નકુટ તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત હનુમાન ચાલીસાના પાઠ પણ રાખવામાં આવ્યાં હતાં. આ પવિત્ર દિવસ નિમિત્તે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ દર્શન કરી, ધન્યતા અનુભવી હતી. ચૈત્રી પૂનમના પગલે ડાકોર રણછોડરાયજીના દર્શને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યાં હતાં. તેઓએ પણ બાલા હનુમાનજી ખાતે દર્શનનો લ્હાવો લીધો હતો. તસવીર ઃ મહેશ શાહ